Friday, January 5, 2018

એન્ડ્રુ કારનેગી - ૩

એન્ડ્રુ કારનેગી ની બીજી એક પ્રેરક વાત :
========================


પ્રસિધ્ધ ઉદ્યોગપતિ અને દાનવીર એવા એન્ડ્રુ કાર્નેગીને કોણ નહીં ઓળખતું હોય?તેમનો જન્મ ૧૮૩૫ માં સ્કોટલેન્ડમાં થયો અને મૃત્યુ ૧૯૧૯ માં.તેમનામાં નાનપણથી જ બીજા લોકોને અને તેમની જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી.બાળપણમાં તેમણે એક સસલી પાળી હતી.

તેનાથી ઘણા બચ્ચાં ઉત્પન્ન થયા.હવે આટલા બધા બચ્ચાંઓને પાળવા કઈ રીતે અને તેમને ખવડાવવા કેટલો બધો ખોરાક જોઈએ? બાળક એન્ડ્રુએ તેનો ઉપાય શોધી કાઢ્યો.તેણે પાડોશમાં રહેતા પોતાના મિત્રોને બોલાવ્યા અને તેમને સસલા રમાડવાની ટેવ પાડી, પછી ધીમેથી તેમની પાસે દાણા મંગાવ્યા અને બચ્ચાંને ખવડાવવાનું શરૂ કર્યું. હજી આગળ તેમણે દરેક મિત્રના નામ પરથી બચ્ચાનું નામ પાડ્યું અને દરેકે પોતાના નામધારી બચ્ચાનું જતન કરવાનું.બાળકો હોંશેહોંશે પોતાના નામધારી બચ્ચાને ખવડાવવા અને તેમનું જતન કરવા લાગ્યા. બોલો કેવો સરસ ઉપાય???

એન્ડ્રુ કાર્નેગી ૧૩ વર્ષની ઉંમરે અમેરિકા ગયા.આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ માટેની સગવડ ન થઈ શકી અને ખૂબ ઓછું ભણી શક્યા. ત્યારબાદ તાર ઓફિસમાં મામૂલી નોકરી કરવા લાગ્યા. તેમની નિષ્ઠા,ધીરજ,વફાદારી અને આગવી સૂઝને કારણે તેઓ પેન્સિલવેનિયામાં રેલ્વેના પશ્ચિમ વિભાગના વડા નિયુક્ત થયા. તેમણે સૌ પ્રથમ રેલ્વેમાં સ્લીપર કોચની વ્યવસ્થા કરી.

જેમજે તેઓ ઉદ્યોગોનો અભ્યાસ કરતા ગયા તેમતેમ તેમને લાગ્યું કે ભવિષ્યમાં લોખંડ અને પોલાદની વધુ જરૂર ઉભી થશે. તેની માંગ વધશે.આથી તેમણે ઉદ્યોગમાં ઝંપલાવ્યું. તેઓ પેન્સિલવેનિયાના રેલરોડને પોતાનું સ્ટીલ વચવા માંગતા હતા. આથી પિટ્સબર્ગમાં તમણે એક નવી સ્ટીલમીલ શરૂ કરી.તેનું નામ રાખ્યું જે.એડગર થોમ્સન સ્ટીલ વર્ક્સ આવું નામ કેમ???

કારણકે તે સમયે જે.એડગર થોમ્સન પેન્સિલવેનિયાના રેલરોડનાં પ્રેસિડન્ટ હતા. તેઓ તો પોતાને મળેલા આ સન્માનથી એટલા પ્રાભાવિત થયા કે એમને જેટલું જરૂરી હતું તે બધું જ સ્ટીલ તેમણે એન્ડ્રુ પાસેથી જ ખરીદ્યું.

બીજાના જીવનમાં શું જરૂરી છે તે જાણીને કામ કરવાની કાર્નેગીની સૂઝે તેમને વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ તરીકે પ્રસ્થાપિત કર્યા.

અને છેલ્લે: 
આપણાંમાં પણ આવી જ શક્તિઓ હોય છે જ માત્ર તેને હચમચાવીને જગાડવાની છે. આશા રાખીએ કે તમે પણ આવી જ સિધ્ધિ હાંસલ કરો.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...