Thursday, July 12, 2018

અલકા યાજ્ઞિક: પ્રથમ ગીત હિન્દી કે ગુજરાતી??


૨૦-૩-૧૯૬૬ના રોજ કોલકાતામાં જન્મેલી અલકાની મા શુભા યાજ્ઞિક શાસ્ત્રીય ગાયિકા હતાં એટલે અલકાને ગાયકીની પ્રારંભિક તાલીમ મા પાસેથી મળી. ગુજરાતી નાગર પરિવારમાં જન્મેલી અલકાએ માત્ર પાંચ વર્ષની ઉંમરથી કોલકાતા રેડિયો પર ગાવાનું શરૂ કરેલું. બોલિવૂડમાં ૧૯૮૦થી કારકિર્દીનો આરંભ કરનાર અલકા સાત ફિલ્મફેર એવોર્ડ, બે નેશનલ એવોર્ડ અને બીજા બાર-ચૌદ એવોર્ડ મેળવી શકી હોય તે પછી એની પ્રતિભા વિશે કહેવાનું શું બાકી રહે?

લતા મંગેશકર અને આશા ભોંસલેએ ૧૯૮૦- ‘૮૫ પછી પાર્શ્વગાયન ક્ષેત્રે પ્રવૃત્તિ મર્યાદિત કરવા માંડી ત્યારે વિકલ્પો રૂપે અનુરાધા પોંડવાલ, પૂર્ણિમા, કવિતા કૃષ્ણમૂર્તિ, સાધના સરગમ વગેરે ગુંજવા માંડ્યાં, પરંતુ આજે એ અઢી-ત્રણ દાયકાની પાર્શ્વગાયિકાઓમાં લોકપ્રિયતા, શ્રેષ્ઠતા અને સાતત્ય સાથે ટકી જનાર કોઇનું નામ લેવાનું હોય તો ઉપર ગણાવેલી ચાર ગાયિકા સિવાય ચર્ચીત સુનિધી ચૌહાણ કે શ્રેયા ઘોષાલનું ય નહીં, બલકે આપણી ગુજરાતણ અલકા યાજ્ઞિકનું જ નામ લેવું પડે. હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયનમાં ચાહે પુરુષ યા સ્ત્રીનામ લેવાનાં હોય તો ગુજરાતીઓ ઓછા મળે, પરંતુ અલકા યાજ્ઞિકની હકીકત ગૌરવપૂર્વક યાદ કરી શકાય. લતા, આશા, ગીતા દત્ત યા એવી કોઇ પણ પાર્શ્વગાયિકા સામે અલકા યાજ્ઞિકની ઉત્તમતા તપાસી તેને શ્રેષ્ઠ ગણવા-ગણાવવાનો ઉપક્રમ નથી, કારણ કે એવી શ્રેષ્ઠતા માત્ર એકલ પ્રયાસે સિદ્ધ નથી થતી. ઉત્તમ સંગીતકારો, ગીતકારો અને ફિલ્મસર્જકો વડે તેમ બને છે.

અલકા યાજ્ઞિકે પાર્શ્વગાયન આરંભ્યું ત્યારે ભારતીય ફિલ્મસંગીતનો સુવર્ણયુગ સર્જનારા ઘણા વિદાય પામી ચૂક્યા હતા. જે હતા તે નિવૃત્ત હતા યા થોડી ઘણી ફિલ્મો કરી રહ્યા હતા. ફિલ્મસંગીતનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો હતો તેથી ઘણું વેરવિખેર હતું. સંગીતકારો જે ગાયિકા પાસે ગવડાવતા તે પણ પ્રયોગરૂપે જ હતું. બધી ગાયિકાઓ પ્રતિષ્ઠા પામવા મથી રહી હતી અને તે તેમણે સતત ગાતા રહેવાની તક શોધતાં રહેવાની હતી. અલકા યાજ્ઞિકે પુરવાર કર્યું કે જો કોઇ સારો વિકલ્પ છે તો હું જ છું. ૨૦- ૩-૧૯૬૬ના રોજ કોલકાતામાં જન્મેલી અલકાની મા શુભા યાજ્ઞિક શાસ્ત્રીય ગાયિકા હતાં. પિતા કોલકાતાની હુગલી રીવર સંસ્થામાં શિપિંગ પાઈલોટ હતા.

અલકાને ગાયનની પ્રારંભિક તાલીમ મા પાસે મળી અને પછી સત્યનારાયણ મિશ્રા, કલ્યાણજી (આણંદજી) પાસે પણ શીખી. રેડિયો સાંભળવો તેને હંમેશાં ગમતો અને પાંચ વર્ષની ઉંમરથી કોલકાતા રેડિયો પર ગાવું ય શરૂ થયેલું. રજાઓમાં મુંબઇ આવે ત્યારે પ્રયત્ન કરતી કે તેના આ ગાયનરસને કેળવવાની વધુ તક ઊભી થાય. કે. લાલ જેવા જાદુગર કોલકાતામાં જ વસતા હતા અને તેઓ અલકાને કલ્યાણજીભાઇ પાસે લઇ ગયા. મા શુભા યાજ્ઞિકનો પણ અવિનાશ વ્યાસ, પુરુષોત્તમ ઉપાધ્યાય વગેરે સાથે સંગીતના નાતે પરિચય હતો. અલકા પહેલેથી જ જાણે પોતાને ઘડી રહી હતી. 

રેડિયો પછી વી. બલસારા નાઇટમાં તેણે દસ વર્ષની ઉંમરે પ્રથમ જાહેર કાર્યક્રમ કર્યો હતો. કલ્યાણજી-આણંદજીએ ગાયન અને પાર્શ્વગાયનના ભેદ સમજાવી અલકાની સજજતામાં વધારો કર્યો. ઘણા લોકો માને છે કે ‘લાવારિસ’ ફિલ્મના ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ...’ ગીતથી જ અલકાના પાર્શ્વગાયનનો આરંભ થયો, કારણ કે તેમાં સંગીતકાર કલ્યાણજી આણંદજી છે, પરંતુ અલકાનું પ્રથમ ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મ ‘સીતા ત્યાગ’નું છે જે સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે ગવડાવેલું. 

આ ફિલ્મ અધૂરી રહી એટલે તે ગીતની ચર્ચા ન થઇ. ૧૯૭૮માં વળી એ જ પુરુષોત્તમભાઇની ‘લવકુશ’માં તેણે બાળગીત ગાયું. ’૭૯માં ‘પાયલ કી ઝંકાર’ ફિલ્મ માટે સંગીતકાર રાજકમલે તેની પાસે શાસ્ત્રીય ગાયનનાં બોલવાળું ‘થિરક્ત અંગ લચકી ઝૂકી ઝૂમત તાલ તાલ દૈ તારી...’ગવડાવ્યું ત્યારે જ તેને સાંભળનારા પામી ગયા કે અલકામાં પ્રતિભાની કમી નથી. હા, તેનો અવાજ પાતળો હતો, જે ઊંચે જતાં ઓર પાતળો થતો. એ જ રીતે ભાવ પ્રગટ કરવામાં પણ હજુ પૌઢત્વ પ્રગટ્યું ન હતું. કલ્યાણજીભાઇએ તેને બાળગાયિકા તરીકે આરંભ કરવાનું તે માટે જ ના કહેલું, પણ તેમણે જ ‘લાવારિસ’માં અચાનક તક આપી. 

પ્રસંગ એવો બનેલો કે આ ફિલ્મના ‘મેરે અંગનેમે...’ ગીતનાં રિહર્સલ માટે કલ્યાણજી-આણંદજીને ત્યાં અમિતાભ રિહર્સલમાં આવતા હતા. એક વાર એવા રિહર્સલ વેળા તેમણે અલકાને કહ્યું કે, ‘આવ, અમિતાભ છે!’ રિહર્સલ દરમિયાન પૂછ્યું ‘આ ગીતમાં તું અમિતાભ સાથે ગાઇશ?’ અલકા કઇ રીતે ના પાડે? એચ.એમ.વી.ના સ્ટુડિયોમાં તે ગઇ. અમિતાભનું ગાવું પૂરું થયું પછી અવાજ ચકાસવાના હોય તેમ અલકાનેય ગાવા કહ્યું. ગાવા માંડી તો સૂચન આપવા માંડ્યા કે, આમ નહીં આમ ગા. આ રીતે શબ્દ પર ભાર આપ, ઉચ્ચારણ અલગ રીતે કર... તારે રાખી માટે ગાવાનું હોય તો કઇ રીતે ગાય તેમ ગા. અલકાએ બધાં સૂચનો ગ્રહી એક ટેક પછી બીજો ટેક કર્યો.

એ ટેક પછી કહેવાયું કે હમણાં તેં જે ગીત ગાયું તે અમિતાભની ફિલ્મ માટેનું હતું. તે આનંદથી છલકાઇ ઊઠી. બસ, એ ગીતે તેને પાર્શ્વગાયનના અંગનામાં પણ સફળતાપૂર્વક પ્રવેશ કરાવી દીધો. જો કે તે સમયે રાજેશ રોશને ‘હમરી બહુ અલકા’માં અને ‘નમકીન’ માટે આર.ડી. બર્મને અને ઉષા ખન્નાએ ‘હોટલ’ માટે પણ ગવડાવ્યું હતું, પરંતુ ‘લાવારિસ’ ફિલ્મે તેને પાર્શ્વગાયનની એક વારિસ જાહેર કરી દીધી. ત્યાર બાદ લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે તેની પાસે ગવડાવ્યું અને આ ક્રમ એ વો આગળ વધ્યો કે શંકર-(જયકશિન), રવિ, ચિત્રગુપ્ત ઉપરાંત ભપ્પી લહરી, અનુ મલિક, આનંદ-મિલિન્દ, રામ લક્ષ્મણ, જતિન-લલિત સહિતની નવી પેઢીના સંગીતકારો માટે અલકા અનિવાર્ય બનતી ગઇ.

અલકા યાજ્ઞિકની કારકિર્દીના એ તબક્કે અનુરાધા પૌડવાલ જરૂર સશક્ત પ્રતિસ્પધીઁ હતી, પરંતુ તે ગુલશનકુમારની મ્યુઝિક કંપની માટે વિશેષ રીતે બંધાયેલી હતી તેથી તે કંપની સિવાયના સંગીતકારો માટે અલકા સારો વિકલ્પ બની શકી. ૧૯૮૩માં તે મુંબઈ આવીને વસી ગઇ તે પણ આજ કારણે. તેણે એ વર્ષથી જ વિદેશમાં સ્ટેજ શો પણ કરવા માંડ્યા. તેને સમગ્ર રીતે વિકસાવવામાં આ અનુભવો ઉપયોગી થતા ગયા. ગીતની ધૂન તે બહુ ઝડપથી પકડી શકતી એટલે સંગીતકારોને ય રાહત અનુભવાતી. ગુજરાતી નાગર પરિવારમાં જન્મેલી એટલે ઉચ્ચારણ શુદ્ધતા તો હતી જ. 

‘મેરે અંગને મેં...’ પછી ‘તેજાબ’નું ‘એક દો તીન’ (૧૯૮૮) જબરદસ્ત સફળ ગયું. એ ફિલ્મથી માધુરી દીક્ષિત પણ હિરોઇનોમાં નંબર વન બનવા તરફ આગળ વધી ગઇ એટલે અલકા પણ તે વખતથી સફળ હિરોઇનોની મુખ્ય ગાયિકા બને તે સ્વાભાવિક હતું. ‘એક દો તીન’ ગીતે તેને પહેલો ફિલ્મફેર એવોર્ડ પણ અપાવ્યો. ’૮૮માં ‘ક્યામત સે ક્યામત તક’નાં ગીતો પણ એવાં જ લોકપ્રિય થયાં જો કે ’૮૨થી ’૮૮ દરમિયાન ‘તુમસે બઢકર દુનિયામેં’ જેવું કિશોરકુમાર સાથે ગાયેલું ગીત પણ એવું જ મશહુર થયું હતું. 

દર વર્ષે તેને ૧૫-૨૦ ફિલ્મોમાં ગાવાની તક મળવા માંડી હતી. વ્યાવસાયિક સ્પર્ધામાં પ્રવેશો તો સારા-નરસા બંને અનુભવો થઇ શકે. આનંદ-મિલિંદે તેની પાસે ‘દિલ’નાં ગીતો ગવડાવ્યા પછી એ જ ગીતો અનુરાધા પૌડવાલ પાસે એમ કહી ડબ કરાવેલા કે અલકાનો અવાજ માધુરી દીક્ષિત સાથે અનુકૂળ નથી. અલકાએ સહન કરી લીધું પણ ‘સાજન’માં અલકાએ માધુરી માટે જ ગાયેલું ‘દેખા હૈ પહલી બાર સાજનકી આંખોમેં પ્યાર’ જેવા ગીત સફળ થતા પોતાને મુઠ્ઠી પછાડી પુરવાર કરી દીધી. નદીમ-શ્રવણ સાથે તેણે એટલી બધી ફિલ્મોમાં ગાયું કે લોકો તેને તે ગ્રૂપની કહેવા માંડ્યા. અલકા યાજ્ઞિકમાં કારકિર્દીને સંભાળવાની સ્વસ્થ દ્રષ્ટિ હતી અને પૂરા આત્મવિશ્વાસ, મહેનત સાથે પડકારો માટે તૈયાર હતી તેથી તે કોઇ ગ્રૂપની ન રહી, દરેક સંગીતકાર પ્રથમ તેને યાદ કરે પછી બીજી પાર્શ્વગાયિકાને, એવું વર્ચસ્વ જમાવી દીધું. ‘ખલનાયક’નું ‘ચોલી કે પીછે ક્યા હૈ’, ‘હમ હૈ રાહી પ્યાર કે’ અને ‘બાઝીગર’નાં ગીતો પછી તેને કોઇ રોકે પણ કઇ રીતે? આ સિલસિલો ‘કરણ અર્જુન, ‘રાજા હિન્દુસ્તાની’, ‘ખામોશી: ધ મ્યુઝિકલ’, ‘પરદેશ’, ‘ગુપ્ત’ અને પછી ‘કુછ કુછ હોતા હૈ’ના ગીતોએ આગળ વધાર્યો. અલકામાં રહેલું શૈલી વૈવિધ્ય અને ભાવ વૈવિધ્ય દરેક પ્રકારનાં ગીતો સાથે વિસ્તર્યું. 

‘તાલ’માં એ.આર. રહેમાને ‘તાલ સે તાલ મીલા લે’ ગવડાવ્યું ત્યારે તે ચોથા ફિલ્મફેરે પહોંચી ગઇ. મજાની વાત એ હતી કે ‘તેજાબ’ પછી ‘ચોલી કે પીછે...’ (ખલનાયક) અને ‘ઝરા તસવીર સે તુ’ (પરદેશ) ગીતોએ ફિલ્મફેર અપાવ્યો ત્યારે તે સુભાષ ઘાઇની જ ફિલ્મ હતી જેમ ‘તાલ’ ઘાઇની છે. અલકા યાજ્ઞિક વિના કોઇ મોટા બેનરની ફિલ્મનું સંગીત જાણે વેચી શકાતું નથી. તેને ૧૯૯૩ની ‘હમ હૈ રાહી પ્યાર કે’નાં ‘ઘૂંઘટ કી આડસે દિલબરકા’ ગીત માટે ફિલ્મફેર ન મળ્યો તો નેશનલ એવોર્ડ મળ્યો. જો કે એવું ૧૯૯૮ની ‘કુછ કુછ હોતા હૈ’ના ટાઇટલ ગીત માટે ય થયું. 

૧૯૯૯માં તેને ‘તાલ’ માટે ફિલ્મફેર મળ્યો તો આ ગીત માટે બીજો નેશનલ એવોર્ડ. પણ ફિલ્મફેરે તેને તે ૨૦૦૦ વર્ષમા ‘ધડકન’ના ‘દિલને યે કહા દિલ સે’ માટે એવોર્ડ આપ્યો. આવું બધું ચાલતું રહે છે પણ ૧૯૮૦થી કારકિર્દી આરંભ કરનાર અલકા યાજ્ઞિક સાત ફિલ્મફેર એવોર્ડ, બે નેશનલ એવોર્ડ અને બીજા બારચૌદ એવોર્ડ મેળવી શકી હોય તે પછી એની પ્રતિભા વિશે કહેવાનું શું બાકી રહે? ખરેખર તો તેના જેટલા એવોર્ડ્સ તેની સમકાલીન ગાયિકાઓમાં કોઇને મળ્યા નથી.

આશા ભોંસલેને તેમની કારકિર્દીમાં સાત ફિલ્મફેર મળ્યા છે ને અલકાને પણ એટલા તો મળી ચૂક્યા છે. અલકા યાજ્ઞિકના અવાજમાં એક યૌવન છે, કસક ભરી મસ્તી પણ છે અને ‘પંછી નદીયાં...’ ‘જાને કયો... (દિલ ચાહતા હૈ), ‘કભી અલવિદા ના કહેના...’ ગીતો સાંભળતા વેદનાભરી ગંભીરતાનો ય અહેસાસ થશે. આવા ગીતોએ તેને વ્યસ્ત ગાયિકા બનાવી, પરંતુ તેણે લગ્નજીવન પણ પોતાની રીતે સંભાળ્યું. ૧૯૮૯માં નીરજ કપૂર નામના પંજાબી યુવકને પરણેલી અલકાને પતિ વ્યવસાયને કારણે તે સમયે શીલોંગ રહેતા હતા તેથી થોડા થોડા દિવસે ત્યાં જવું પડતું. પુત્રી સાયશાને ફિલ્મ પ્રોડક્શનની બે વર્ષની ટ્રેનિંગમાં મૂકી છે.

એક હજાર જેટલી હિન્દી ફિલ્મો, સો જેટલી ગુજરાતી ફિલ્મો તેમજ અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં સ્વર આપનાર અલકાએ લતા, આશા વિશે પણ કદી ટીકાત્મક ભાષામાં વાત ન કરી બલકે, તેમનો સતત આદર કર્યો, કોઇ સારું ગીત અન્ય ગાયિકા પાસે ચાલી જાય તોય તેણે બળાપો ન પ્રગટ કર્યો. ૨૦૦૬ની ‘ઉમરાવ જાન’નાં ગીતોમાં તેણે ખૂબ મહેનત કરી પણ ફિલ્મની નિષ્ફળતાએ ગીતોને લોકપ્રિય બનતાં અટકાવ્યાં, પણ અલકા હજુ ગાતી રહે છે. ગાતી રહેશે. અત્યારે તેનાં ગીતોની સંખ્યા ગણવી યોગ્ય નથી, તે હજુ કારકિર્દીમાં નવું કરવા સક્ષમ છે. આજની પેઢીની વરિષ્ઠ ગાયિકા ગુજરાતી છે તેનું આપણે ગૌરવ લઈ શકીએ.

સંકલિત: ડો. કાર્તિક ડી. શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...