Wednesday, July 5, 2017

વ્યક્તિ વાંચે છે શા માટે ?


કોઈ પણ વ્યક્તિ વાંચે છે શા માટે ?

મોટા ભાગની વ્યક્તિઓ ‘સમય પસાર કરવા ખાતર’ વાંચે છે. મોટા ભાગનાને ‘સમય કેમ કાઢવો’ (How to kill time) તે સમસ્યા છે. તેથી, બીજી કોઈ પ્રવૃત્તિ ન સૂઝે ત્યારે, વાંચે છે. કેટલાક મનોરંજન ખાતર વાંચે છે. ફિલ્મ-ટી.વી.-ફરવું… જેવાં અન્ય મનોરંજનનાં માધ્યમો જેવું જ વાચન પણ એક માધ્યમ છે. મહત્તમ લોકો આ બે કક્ષાના વાચકોમાં આવે છે. તેમને વાચનમાં ‘સમજવા’ની ચિંતા નથી હોતી. વાંચે બધું છે, પણ ક્યાંય ન સમજાય તો તે છોડી આગળ વધે છે. પુસ્તક ‘પૂરું’ કરી નાખે છે ! બસ ! વાત પૂરી. થોડા લોકો ‘જીવનને સમજવા’ના પ્રયાસમાં વાંચે છે. તેમને જીવનનાં વિવિધ પાસાંઓ બાબતે જાણવાની, તેની માહિતી મેળવવાની, બને તો તેમાંથી જ્ઞાન મેળવવાની, ઈચ્છા હોય છે. એટલે, તેઓ ‘માત્ર’ વાંચતા નથી, ‘સમજવાનો’ પણ પ્રયાસ કરે છે. દરેક વિષયમાં, તેની સંકલ્પનામાં ઊંડા ઊતરે છે અને તલસ્પર્શી જ્ઞાન અને માહિતી મેળવે છે. આ લોકોને પણ મનોરંજન તો મળે જ છે, સાથે બુદ્ધિરંજન પણ મળે છે. તેમની બુદ્ધિ વિશાળ બને છે.
પણ ઘણા જ ઓછા લોકો તો જીવનને સમજવા જ નહીં, ‘જીવનને જીવવા’ માટે માર્ગદર્શન મેળવવા વાંચે છે. તેમને સમય પસાર નથી કરવો. સમય તેમના માટે ખૂબ કીમતી હોય છે. તેમને માત્ર મનોરંજનમાં પણ રસ નથી હોતો. કેવળ બુદ્ધિના વાદ-વિવાદમાં કે ચમત્કૃતિમાં પણ રસ નથી હોતો. જીવનને સમજી અટકી જવામાં પણ તેમને રસ નથી હોતો. જીવનને ઉત્તમ રીતે કેમ જીવી શકાય, જીવનની પળેપળ કેમ શ્રેષ્ઠ બને તેના પ્રયાસમાં તેઓ વાચન કરે છે. આવા લોકો માટે વાચન માર્ગદર્શનને પ્રેરણાનું કામ કરે છે. પુસ્તકો તેમના માટે ‘માધ્યમ’ જ નથી, ‘ગુરુ’ પણ છે. આવા લોકો ભલે અન્ય વાચન કરે, પણ મુખ્યત્વે તેઓ આત્મકથાઓ અને જીવનચરિત્રો વાંચે છે. જે લોકો પોતાના જીવનમાં સફળ થયા છે, જેમણે પોતાનાં ધ્યેયોને સિદ્ધ કર્યા છે, જેઓ શ્રેષ્ઠ રીતે જીવ્યા છે, તેમનાં ચરિત્રો કે તેમણે લખેલ આત્મકથાઓ આ ‘વાચકો’ વાંચે છે. આ પુસ્તકો તેમના માટે પ્રેરણાદાયી બને છે. આપ પણ થોડૂક વાંચનરસ ધરાવી વાંચશો એ આશા સાથે ગ્રંથ ગોઠડી પુસ્તક માંથી સાભાર.
કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...