Wednesday, July 5, 2017

આસ્થા

તત્વપરાયણ તપસ્વી શાહશુજાને એક યુવાન પુત્રી હતી. પિતાની જેમ જ તે પણ જ્ઞાની. કેરમાનના બાદશાહે તેની સાથે પરણવાની ઈચ્છા વ્યક્ત કરી. શાહશુજાએ કહેવડાવ્યું કે ‘ત્રણ દિવસ પછી જવાબ આપીશ.’ શાહશુજાએ ત્રીજા દિવસે એક યુવાન ફકીરને જોયો. શાહશુજાએ પૂછ્યું, ‘તેં નિકાહ કર્યા ?’ પેલા યુવાન ફકીરે કહ્યું : ‘મારા જેવા દરિદ્રને કોણ કન્યા આપે ? ત્રણ પૈસાથી વધુ મૂડી મારી પાસે નથી.’ શાહશુજાએ કહ્યું, ‘હું મારી પુત્રી તને પરણાવીશ. એક પૈસાનો લોબાન, એક પૈસાની રોટી અને એક પૈસાની સાકર લઈ આવ.’ આ પ્રમાણે તે ફકીર સાથે શાહશુજાની પુત્રીનો નિકાહ થયો. અપાર ધનસંપત્તિવાન બાદશાહને પુત્રી ન પરણાવીને શાહશુજાએ પોતાની દીકરી એક ઈશ્વરપ્રેમી, સાધનપરાયણ ગરીબ ફકીરને પરણાવી.

લગ્ન પછી તે કન્યા પોતાના પતિ સાથે તેની કુટિયાએ આવી. તેણે જોયું કે કુટિયાના એક ખૂણામાં જલપાત્ર ઉપર સૂકા રોટલાનો ટુકડો પડેલો હતો. તેણે તેના પતિને પૂછ્યું, ‘આ રોટી અહીં શા માટે રાખી છે ?’ પતિએ જવાબ આપ્યો, ‘આજે રાત્રે ખાવા કામ લાગશે, તેમ ધારી તે ગઈકાલની મૂકી છે.’ આ જવાબ સાંભળતાં જ યુવતી નિરાશ થઈ ગઈ અને પિતૃગૃહે જવા તૈયાર થઈ. ફકીરે કહ્યું, ‘મને ખબર જ હતી કે શાહશુજા જેવા ધનવાનની દીકરી આ ગરીબ ફકીરની ઝૂંપડીમાં ન રહી શકે.’ 

આ સાંભળી મહાત્મા શાહશુજાની જ્ઞાની દીકરીએ જવાબ આપ્યો, ‘તમારી નિર્ધનતા જોઈને હું પિયર જાઉં છું તેમ ન ધારશો, પણ તમારી પ્રભુપરાયણતાની ઓછપને લીધે દિલગીર થઈને જાઉં છું. તમે કાલ માટેની ફિકરને લીધે રોટલાના ટુકડાનો સંગ્રહ કર્યો. એ તમારી અશ્રદ્ધા સૂચવે છે. મને નવાઈ લાગે છે કે મારા પિતાએ શું જોઈ તમને પસંદ કર્યા ? મારી વીસ વર્ષની ઉંમરમાં એમણે મને અનેક વખત કહ્યું હતું કે પરમાત્મા પર પરમ આસ્થાવાળી અને વૈરાગી વ્યક્તિ સાથે હું તને પરણાવીશ. પણ અફસોસની વાત છે કે એક રોટલના ટુકડા પૂરતો ય તમને ઈશ્વર ઉપર વિશ્વાસ નથી.’ આ સાંભળી યુવાન ફકીરને પસ્તાવો થયો. તેણે પૂછ્યું, ‘આનું નિવારણ શું ?’ ત્યારે જ્ઞાની પત્નીએ કહ્યું : ‘કાં રોટલાનો ટુકડો, કાં હું. તમે નક્કી કરો કોણ અહીં રહેશે.’ પેલા યુવાન ફકીરે રોટલાનો ટુકડો યાચકને આપી દીધો.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...