Wednesday, July 5, 2017

સંસ્કારનો વારસો

ઘણા વર્ષોથી રામશંકરના કુટુંબનું અને એમની જમીનનું તન-મનથી જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. ટાઢ, તડકો કે વરસાદ – કશુંય ગણકાર્યા વિના તેણે ફળ, શાકભાજી અને અનાજનો મબલખ પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી. તેની આવી મહેનતનો બદલો વાળવાનો શુભવિચાર રામશંકરને આવતા એમણે જમીનનો એક ટુકડો કાઢી આપતાં કહ્યું’તું : ‘મગન, મારા હૃદયના એક ટુકડાને જમીનનો એક ટુકડો આપું છું. આમાં તારું ખેતર અને મકાન, બંને બનાવજે. આજથી આ જમીન તારી.’
પરંતુ કશું પાકું લખાણ થાય એ પહેલાં તો રામશંકરે દેહ છોડી દીધો હતો.

અને બન્યું એવું કે મગનની જમીનમાં મબલખ પાક લહેરાયો ને રામશંકરના પુત્ર મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો ! સ્વજનોએ સલાહ આપી : ‘મોહન, જરા વહેવારુ બન. મગન પાસે માલિકીનું કોઈ લખાણ નથી. આંકડે મધ છે; ને એય માખો વગરનું… ચાલ અમારી સાથે….’

મોહન શેઠને મગન સહર્ષ આવકારી રહ્યો.

‘આવો આવો નાના શેઠ. તમારા પ્રતાપે અને રામશંકરકાકાની કૃપાએ આજે મારી જમીનમાં સોનાનો સૂરજ……’

‘આ જમીન તારી છે એનો કાયદેસરનો કોઈ આધાર પુરાવો છે તારી પાસે ?’

‘મારે મન તો રામશંકરકાકાનો બોલ એ જ એની સાબિતી, નાના શેઠ.’

‘એ ન ચાલે. આ જમીન તારી નથી. લે આ કાગળિયાં, ને કર સહી એટલે છેડો ફાટે.’

મોહનના આ શબ્દોથી મગનને જમીન હાથથી સરી જતી લાગી. દોસ્ત સમી જમીન જમીનદોસ્ત થતી લાગી. ધ્રુજતા હાથે સહી કરી મગન રડી પડ્યો અને સૌ અટ્ટહાસ્ય કરી રહ્યાં.

મોહન બોલી ઊઠ્યો : ‘હવે કામ પૂરું. હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે. મુરખ, આજથી આ જમીન કાયદેસરની તારી થઈ ગઈ. સાચવ તારો આ દસ્તાવેજ.’

સ્તબ્ધ સ્વજનો પ્રશ્નસૂચક નજર માંડી રહ્યાં એટલે મોહને ‘મોહ’ને હડસેલતાં કહ્યું, ‘હું રામશંકરનો દીકરો છું, સમજ્યા ?’

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...