Sunday, July 30, 2017

ડો. ખખ્ખર


સુરેન્દ્રનગર જિલ્લાનો લખતર તાલુકો 45 ગામડાંનો બનેલો તાલુકો છે. વિઠ્ઠલગઢ ગામ તાલુકા મથકથી 25 કિલોમીટર દૂર છે. વિઠ્ઠલગઢ ગામ એટલે આજુબાજુનાં 8 થી 10 ગામોનું મુખ્ય મથક. આ વિઠ્ઠલગઢમાં મુખ્યત્વે કોળી, ભરવાડ, દલિતોની મુખ્ય વસ્તી. ઉપરાંત જૈન, પટેલ, ક્ષત્રિય, મુસલમાન, ખોજા, લુહાણા, વાળંદ વગેરેના વસવાટવાળું આ ગામ છે. ગામમાં 8 થી 10 નોકરિયાત પરિવારો વસવાટ કરતા હતા.


જિલ્લા પંચાયત સંચાલિત આયુર્વેદિક દવાખાનામાં ડૉક્ટર તરીકે ડૉ. રસિકલાલ હરજીવનદાસ ખખ્ખર છેલ્લાં 15 વર્ષથી ગામમાં વસવાટ કરીને, ગામને પોતીકું ગણીને સૌની સારવારનું કાર્ય કરી રહ્યા છે. ડૉ. ખખ્ખર કોડીનારના ગર્ભશ્રીમંત લોહાણા પરિવારનું સૌથી નાનું સંતાન. મોટા ત્રણ ભાઈઓ બાપ-દાદાનો વ્યવસાય સંભાળીને રાજકોટ શહેરના મધ્યમાં સારા, આલીશાન બંગલાઓમાં વસવાટ કરે. પરંતુ ડૉ. ખખ્ખરને ગરીબ, પછાત, અશિક્ષિત લોકોની વચ્ચે રહીને તેમના આરોગ્યની જાળવણીના કાર્ય સાથે પોતાની આજીવિકા રળવામાં આનંદ આવતો હતો.

15 મે, 1985ની બપોરે ડૉ. ખખ્ખર વામકુક્ષી પતાવીને દવાખાને જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં જ પોસ્ટમેન મુઝલખાન મલેક ડૉ. ખખ્ખરના નામનો તાર લઈને આવ્યો. ડૉ. ખખ્ખરનાં માતાના દુઃખદ અવસાનની જાણ કરતો તાર હતો. બરાબર આ જ સમયે વિઠ્ઠલગઢની બાજુના ખારી ગાગડ ગામના દલિત યુવાન કાનાભાઈ પોતાની પત્નીને સુવાવડ માટેની વેણ ઊપડી હોવાનું જણાવીને ડૉ. ખખ્ખરને સુવાવડ કરાવવા આવવા માટે બે હાથ જોડી દયામણે ચહેરે વિનવણી કરતા હતા. હાથમાં માતાના અવસાનની ખબર આપતો તાર છે અને પોતાની સન્મુખ ફરજ માટે વિનવણી કરતો દલિત યુવાન કાનાભાઈ સેનવા છે.

ડૉ. ખખ્ખર પળનોય વિલંબ કર્યા વિના કાનાભાઈ સેનવા સાથે પોતાની મોટરસાઈકલ લઈને ગયા અને સુવાવડનું કાર્ય સુખરૂપ પૂર્ણ કરીને, કાનાભાઈ સેનવાના પરિવારમાં પુત્રરત્નનો જન્મ કરાવી પોતાને ઘેર પાછા ફર્યા ને પરિવારજનોને માતુશ્રીના દુઃખદ અવસાનના સમાચાર જણાવીને રાજકોટ જવા સહપરિવાર રવાના થયા. ડૉ. ખખ્ખરનાં માતુશ્રીના અવસાન નિમિત્તે બેસણામાં વિઠ્ઠલગઢ અને આજુબાજુનાં 8 થી 10 ગામોના 150 જેટલા સદગૃહસ્થો આવ્યા ત્યારે તેમના મોટા ભાઈઓને નવાઈ લાગી કે એક સામાન્ય સરકારી દાકતરનાં માતુશ્રીના અવસાન નિમિત્તે બેસણામાં 150 કિલોમીટર દૂરથી ગામડાના માણસો આવે !

આજે માનવીની પૈસા પાછળની વધતી જતી ઘેલછા, આધુનિકીકરણ, વૈશ્વિકીકરણ, તકલાદી માનવીય સંબંધોની વચ્ચે ડૉ. ખખ્ખર જેવાઓ માનવતાની મશાલ પ્રજ્જ્વલિત રાખે છે. 

સત્યઘટના: સંકલન કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...