Thursday, July 20, 2017

ઉછેર


અભાવ – અછત’ની વચ્ચે ઉછરેલા અને ‘પુષ્કળ’ની વચ્ચે ઉછરેલા બાળકોની સફળતાની ભૂખમાં આસમાન-જમીનનું અંતર હોય છે.

તમને આ કોલમમાં વાર્તા કહ્યે ઘણો સમય થઇ ગયો, ચાલો આજે એક વાર્તા કહું.
નરેશ અને પરેશ, બે મિત્રોએ બાજુબાજુમાં બંગલા લીધા. બંનેએ નક્કી કર્યું કે તેમની વચ્ચે દિવાલ કરવાને બદલે પોતપોતાની બાજુ ક્યારો બનાવીને અમુક છોડ વાવશે અને છોડની બે લાઈન દિવાલની ગરજ સારશે. જેથી, સીમા પણ રહેશે અને ખુલ્લાપણાનો અહેસાસ પણ થશે. બંનેએ પોતપોતાની બાજુ એક સરખા છોડવા રોપ્યા અને તેની સંભાળ લેવા માંડ્યા. નરેશ ટેક્નોલોજીનો માણસ એટલે નેટ ઉપર ખણખોદ કરીને ઉત્તમ પ્રકારનું ખાતર મંગાવ્યું, પુષ્કળ પાણી મળી રહે એવી વ્યવસ્થા કરી અને સવાર-સાંજ તેની માવજત કરવા માંડી.
બીજી બાજુ, રોજિંદી ભાગદોડમાં પરેશ એટલો સમય ના ફાળવી શક્યો, ખાતર પણ માપનું અને પાણી સવારે આપી શકે તો ક્યારે સાંજે. થોડા જ સમયમાં નરેશના છોડ મોટા અને લીલાછમ થઇ ગયા અને પરેશના છોડ પ્રમાણમાં નાના અને આછા રહ્યા.

એક રાત્રે એવું બન્યું કે જોરદાર વંટોળિયા સાથે વરસાદ આવ્યો અને બંનેએ સવારે ઉઠીને જોયું તો નરેશના મોટાભાગના છોડ મૂળિયાં સહીત ઉખડી ગયા હતા, જયારે પરેશના છોડની લાઈન અકબંધ ઉભી હતી! પોતે ઉત્તમ ખાતર અને પુષ્કળ પાણી આપીને લીલાછમ છોડ ઉછેર્યા પછી આવું કેમ થયું તે વિચારે નરેશ મૂંઝાઈ ગયો, પોતાની મૂંઝવણ તેણે પરેશને કહી અને બંને તેનો જવાબ મેળવવા એક માળી પાસે પહોંચી ગયા.

માળીએ બંનેની માવજત અંગેની વાત સાંભળીને અભિપ્રાય આપ્યો, તેણે નરેશને કહ્યું કે તેણે છોડને ટકી રહેવા માટેની જરૂરિયાત કરતા ઘણું વધુ ખાતર-પાણી-માવજત આપી છે એટલે તેના છોડ લીલાછમ તો થયા પરંતુ એ માટે એને પોતાના મૂળિયાં ફેલાવવા કે લાંબા નથી કરવા પડ્યા, એને બધું તેણે તૈયાર આપી જ દીધું હતું. જયારે, પરેશે છોડવા ટકી રહે એટલી જ માવજત કરી, ક્યારેક પૂરતું ખાતર-પૂરતું પાણી અને ક્યારેક અપૂરતું, સરવાળે છોડને પોતાના પોષણની વધારાની જરૂરિયાતને પહોંચી વળવા પોતાના મૂળિયાં ઊંડે સુધી લઇ જવા પડ્યા, ફેલાવવા પડ્યા. હવે તમે જ વિચારો, કે વરસાદને કારણે જમીન પોચી પડી જાય અને જબરદસ્ત પવન ફૂંકાય ત્યારે ટૂંકા અને ઓછા ફેલાયેલા મૂળવાળા છોડ આસાનીથી ઉખડી જાય જયારે, ઊંડા અને ફેલાયેલા મૂળિયાં ધરાવતા છોડ અડીખમ રહે!!

વાત છોડની હોય કે સંતાનની, ડાહપણ આ જ લાગુ પડે છે. ‘અભાવ – અછત’ની વચ્ચે ઉછરેલા અને ‘પુષ્કળ’ની વચ્ચે ઉછરેલા બાળકોની સફળતાની ભૂખમાં આસમાન-જમીનનું અંતર હોય છે. અનેક ઉદાહરણો અને જૂજ અપવાદો આપણી આસપાસ જ મળશે, બહુ લાંબા થવાની જરૂર નથી. અભાવ અને અપૂરતી સગવડો વચ્ચે આંખો ફાટી જાય તેવા પરિણામો લાવતા અનેક કિસ્સાઓ આપણે અવારનવાર જોતા રહીએ છીએ. યુનિવર્સીટીના ટોપર્સ ક્યારે’ય ડોનેશનની સીટ પર આવેલા નથી હોતા, અલબત્ત ‘મેડિકલ’ આ બાબતમાં અપવાદરૂપ છે અને તેનું કારણ તમે જાણતા હોવ તો ભલે!!

હવે આપણી કમનસીબીની વાત, આજનો સામાન્યમાં સામાન્ય માણસ, સંતાનોને આપવાની સગવડો અને સાધનોનો સવાલ છે ત્યાં સુધી, ‘પુષ્કળ’ અને ‘અતિરેક’માં જીવે છે. પોતાની જીવનશૈલી કે આર્થિક સ્થિતિ ગમે તેવી હોય પણ સંતાનોને શ્રેષ્ઠ, ગજા બહારનું અને જરૂર કરતા ઘણું વધારે આપવાનું, તે પણ રાહ જોવડાવ્યા વગર અને માંગ્યા વગર! સરવાળે આપણા સંતાનો ફૂલ-ફટાક ફેશનેબલ, બ્રાન્ડથી લદાયેલા, ટેનોલોજીથી ઘેરાયેલા, બહારથી લીલાછમ, નરેશના છોડ જેવા, પરંતુ જીવનમાં નાની મુસીબતો,અડચણો કે અસફળતાનો પવન ફૂંકાય એમાં મૂળ સહિત ઉખડી જાય! યુવાનોમાં હતાશા-ડિપ્રેશન, વ્યસનો, આત્મહત્યા, ગુનાખોરી વગેરેના વધી રહેલા કિસ્સાઓ મારી આ વાતનું પ્રમાણ છે.

આપણા બાળકોની પરિસ્થિતિઓ કે નાની-મોટી મુશ્કેલીઓ સામે લડવાની ક્ષમતા ઘટી રહી છે, તે ઝડપથી નાસીપાસ થઇ જાય છે. તેમને વ્યક્તિ,વ્યસનો કે ટેક્નોલોજીના સતત આધારની જરૂર રહે છે! બાળકોને ઉત્તમ સગવડો-સાધનોને સ્થાને તમારું ‘ઉત્તમ’ આપો, સમય-સંસ્કાર-સ્નેહ-સહકાર-સાથ વગેરે. તેમનું વ્યક્તિત્વ ખોખલું કે બોદું નહીં રહે, ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં તે ટકી રહે એવા ઘડતર માટે આ અનિવાર્ય બાબતો છે. આપણા સંતાનને શ્રેષ્ઠતમ આપવાની આપણી ઈચ્છા હોય તેમાં કઈં ખોટું નથી પરંતુ આ ઈચ્છા વિવેકપૂર્વકની હોવી ખુબ જરૂરી છે. સગવડો અને સાધનોથી એને એટલું પણ પરવશ ના બનાવો કે જયારે પડકાર સામે આવીને ઉભો રહે ત્યારે એ સંતુલન પણ ખોઈ બેસે!

મેં ઘણા માં-બાપો એવા જોયા છે કે સંતાનના ઘરે સંતાન આવી ગયા હોય તેમ છતાં તેને ‘કમ્ફર્ટ-ઝોન’માંથી બહાર ના આવવા દીધા હોય. આવા ઘણા યુવાનોને નાની નાની વિષમતાઓમાં કે વિકટ પરિસ્થિતિઓમાં આંતરિક હિંમત, આત્મવિશ્વાસ કે માનસિક સંતુલન ગુમાવી દેતા મેં જોયા છે. આપણે સંતાનને તેની આંગળી પકડીને ચાલતા શીખવવું પડે છે તેની ના નહીં, પરંતુ એ જ આંગળી ક્યારે છોડવી તે ડાહપણ આપણી પાસે હોવું જોઈએ.

હમણાં બે દિવસ પહેલા જ મેં જોયેલી એક નાનકડી ઘટના કહું. મારા રૂમની બારીની પાળી ઉપર લગભગ તાજું જન્મેલું પંખીનું બચ્ચું બેઠું હતું. હું એને જોતો હતો ત્યાં એની માં આવી અને બચ્ચાએ ચાંચ પહોળી કરીને અવાજ કરવા માંડ્યો. મને થયું કે હમણાં એના મોઢામાં એની માં કઈંક ખાવાનું મુકશે. પણ, બન્યું એવું કે માં એ પોતાની ચાંચ એના મોંમાં મૂકી, બચ્ચાએ ખોરાકની આશાએ પોતાની ચાંચ બંધ કરી કે માંએ એને થોડું આગળ ખેંચ્યું! બચ્ચાએ તરત એની ચાંચ ખોલી કાઢી,માં ઉડી ગઈ અને બચ્ચું થોડું આગળ ઢસડાઈ આવ્યું. થોડી જ વાર પછી માં પાછી આવી અને પાછો એ જ ક્રમ, બચ્ચું ઓર આગળ આવ્યું. એમ કરતા કરતા બચ્ચું પાળીની કિનારીએ પહોંચી ગયુ, મને થયું કે હવે જો એની માં એને ખેંચશે તો નક્કી એ નીચે પડીને મરી જશે. મારી કુતુહલતા ચરમસીમાએ હતી ત્યાં એની માં પાછી આવી, મારા ધબકારા વધે એ પહેલા તો તેણે બચ્ચાને ખેંચ્યું, બચ્ચું ગબડતાંની સાથે પાંખો ફફડાવતું ઉડી ગયું અને પછી મારા ધબકારા વધ્યા, વાહ રે કુદરત!! સંતાનોને વિષમતાઓ કે વિકટ પરિસ્થિતિઓનો સામનો કરતા માં-બાપે જ શીખવવું પડે છે, એ માટે થોડા કાઠા થવું પડે તો ભલે!

પૂર્ણવિરામ:
સંતાનોને ઉડવા માટે સ્વતંત્રતાનું આકાશ અને સવલતોની પાંખો આપતા પહેલા હૈયામાં ઉડવાની હિંમત અને મનમાં સફળતાની ભૂખ જગાડવી પડે, તો જ તે ઉડશે, બાકી તો ખાલી ડાળો બદલ્યા કરશે!!
ડો. હંસલ ભચેચ

4 comments:

  1. જોરદાર કાર્તિક . .aa આ આખો લેખ વાંચી ને ખુબ આનંદ થયો.ઉત્તમ કોટી નું લખાણ,અને તેથીયે ઉત્તમ વિષય વસ્તુ,
    મારા દીકરા ને તરણ શીખવાડવા mate મારે khub કાઠું થવું પડેલું,તે અતિશય રડતો, કાકલુદી કરતો,ઠંડી સહન નતો કરી શકતો,છતાં અથાગ પ્રયત્નો અને કાળજાપર પથ્થર મૂકીને એક,કડક શિક્ષકન ની પેઠે મેં એને તરણ શીખવાડ્યું. .અને આજે એ khub સહજ રીતે લગભગ બધી સ્ટાઇલથી તરે છે. .

    ફરી એકવાર vachavani maja પડી ગઈ દોસ્ત.

    ReplyDelete
  2. જોરદાર કાર્તિક . .aa આ આખો લેખ વાંચી ને ખુબ આનંદ થયો.ઉત્તમ કોટી નું લખાણ,અને તેથીયે ઉત્તમ વિષય વસ્તુ,
    મારા દીકરા ને તરણ શીખવાડવા mate મારે khub કાઠું થવું પડેલું,તે અતિશય રડતો, કાકલુદી કરતો,ઠંડી સહન નતો કરી શકતો,છતાં અથાગ પ્રયત્નો અને કાળજાપર પથ્થર મૂકીને એક,કડક શિક્ષકન ની પેઠે મેં એને તરણ શીખવાડ્યું. .અને આજે એ khub સહજ રીતે લગભગ બધી સ્ટાઇલથી તરે છે. .

    ફરી એકવાર vachavani maja પડી ગઈ દોસ્ત.

    ReplyDelete
    Replies
    1. આભાર. કાઈ ઉંમરે ચાલુ કરેલું શીખવાનું એણે?

      Delete
    2. આભાર. કાઈ ઉંમરે ચાલુ કરેલું શીખવાનું એણે?

      Delete

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...