Wednesday, July 5, 2017

મનની મોટાઈ


ઈંગલેન્ડમાં આવેલું નોરફોકનું પરગણું. ત્યાંનો એરૂનડેલનો કિલ્લો જેટલો પુરાણો એટલો જ ખ્યાત નામ.


નોરફોકના રેલ્વે સ્ટેશન પર એક દિવસ ગાડી આવી થંભી. ગાડીના ડબ્બામાંથી એક બાળા ડોકાઈ. પહેલીવહેલી વાર એ અહીં આવી હશે એમ મોંના ભાવ પરથી લાગતું હતું. બાળા આઈરીશ હતી. તે નીચે તો ઊતરી પણ તેની બૅગ કેમ ઉતારવી ? ખૂબ ભારેખમ હતી એ. એના પોતાના વજનથી બમણી. આમતેમ નજર દોડાવતી રહી. ટ્રેન ઊપડે તે પહેલાં કોઈ મજૂર મળે તો….. તે નાની બાળા એરૂનડેલના કિલ્લામાં કામવાળીની હેસિયતથી અહીં આવી હતી.

કિલ્લો માઈલ જેટલો દૂર હતો અને વેરી બની બેઠેલી બૅગ એની મૂંઝવણ અનેકગણી વધારી દેતી હતી. ત્યાં જ તેની નજર સ્ટેશન પર ઘરાકની શોધમાં ઊભેલા એક મજૂર પર પડી. તે દોડતી તેની પાસે પહોંચી ગઈ અને તેને બૅગ ઊંચકી એરૂનડેલના કિલ્લા સુધી પહોંચાડવા વિનંતી કરવા લાગી. હા-ના ની રકઝક લાંબી ચાલી. એક શિલિંગમાં પેલો કિલ્લા સુધી મસમોટી બૅગ પહોંચાડવા તૈયાર નહોતો. બાળાના ગજવામાં શિલિંગ સિવાય કશું જ નહોતું. હરપળ તેની દ્વિધા વધતી જતી હતી છતાં પેલો ટસથી મસ નહીં. આંખમાં ધસી આવવા મથતા અશ્રુપ્રવાહને પરાણે ખાળતી બાળા આસપાસ વિહ્વળ બની જોતી હતી ત્યાં જ એક બીજો માણસ તેની સામે આવી ઊભો. વસ્ત્રો જરા લઘરવઘર હતાં એટલે બાળાને થયું કે એ પણ મજૂરી રળવા જ ત્યાં ઊભો હશે. ત્યાં તો પેલાએ જ ચોખવટ કરતાં કહ્યું, ‘હું તને કિલ્લા સુધી પહોંચાડી દઈશ, ચાલ.’

પેલાએ બૅગ ઉપાડી લીધી. બાળા તેની પાછળ દોરાઈ. પછી તો પગલે પગલાં મેળવતાં ને વાતોના તડાકા મારતાં બન્ને ચાલ્યાં. ત્યાં તો સામો કિલ્લો દેખાયો. બાળાએ પેલાને એના ગજવામાં પડેલી એક છેલ્લી શિલિંગ આપી. આભાર માની પેલાએ તે લીધી અને ત્યાંથી ચાલતી પકડી.

બીજા દિવસનું વહાણું વાયું. તે દહાડે એવું કાંઈક બન્યું કે બાળાના આશ્ચર્યનો તો પાર જ નહીં. અત્યંત વૈભવશાળી કિલ્લાના એક ભભકાદાર ખંડમાં એની સામે એના માલિક ઊભા હતા. પ્રેમથી તેમણે બાળાને પૂછ્યું, ‘અહીં ગમે છે ખરું ને ?’ સહેજ શરમાઈને મનની ગભરામણ મનમાં દબાતી બાળાએ હકારમાં ડોકી હલાવી અને સહેજ માથું ઊંચું કરી માલિક સામું જોયું ત્યાં તો વીજળીનો કરન્ટ લાગ્યો હોય તેમ બાળા તો સડક ! અરે, આ તો ગઈ કાલે રાતે એની બૅગ ઊંચકી કિલ્લા સુધી એને સહીસલામત મૂકી જનાર પેલો લઘરવઘર વસ્ત્રોવાળો જેને એ મજૂર માની બેઠેલી અને પોતાની એક પૂરી શિલિંગ મજૂરી રૂપે આપેલી તે પોતે ! એરૂનડેલ કિલ્લાનો માલિક ! ડ્યુક ઑફ નોરફોક પોતે !

એ દિવસે બાળાને સમજાયું કે જે મનથી મોટો છે તે નાનામાં નાનું કામ કરવામાં કદી નાનપ અનુભવતો નથી. જિંદગીભર તેણે આ યાદ રાખ્યું.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...