Sunday, May 15, 2016

સિંધુ તાઈ


સિંધુતાઈ (૧૪.૦૯.૪૮)

મહારાષ્ટ્રના વર્ધા જીલ્લામાં પીંપરી નામનું એક ગામ છે. આ ગામમાં એક સામાન્ય પરિવારમાં એક દિકરીનો જન્મ થયો. છોકરીને ભણવાની ખુબ ઇચ્છા પરંતું પરિવારની નબળી આર્થિક પરીસ્થિતીને કારણે માત્ર 4 ધોરણ સુધીનો અભ્યાસ જ કર્યો. હજુ તો 10 વર્ષની ઉંમર થઇ ત્યાં તેના લગ્ન કરી દેવામાં આવ્યા અને તે પણ ઉંમરમાં તેના કરતા 20 વર્ષ મોટા પુરુષ સાથે. 10 વર્ષની આ છોકરીએ પોતાનું નસીબ સમજીને 30 વર્ષના પતિને સ્વિકારી લીધો અને પિયરમાંથી સાસરીયે પ્રસ્થાન કર્યુ.


આ છોકરી 20 વર્ષની થઇ અને એના જીવનમાં સુખનો સુરજ ઉગ્યો. ભગવાને એની કુખમાં સંતાનનું સુખ રોપ્યુ. જેમ જેમ મહીના ચઢવા લાગ્યા તેમ તેમ આ યુવતીના ચહેરા પરનું તેજ વધવા લાગ્યુ. 9મો મહીનો પુરો થવા આવ્યો હવે બાળકના જન્મની ઘડીઓ ગણાતી હતી અને તે સમયે એના પતિએ તેણીને ઘરની બહાર કાઢી મુકી. કોઇ જાતના વાંક વગર આ ગર્ભવતી મહિલાને ઉપાડીને ઘરની બહાર ફેંકી દેવામાં આવી. ચાલી શકવાની કોઇ ક્ષમતા નહોતી એટલે ઘરના ફળીયામાં જ ઢોરને બાંધવાની જગ્યા સુધી એ માંડ પહોંચી શકી અને ત્યાં એક બાળકીને એણે જન્મ આપ્યો.


મદદ માટે આજુ બાજુમાં કોઇ જ નહોતું. બાળકની નાળ કાપવા માટે બાજુમાં પડેલા ધારદાર પથ્થરનો ઉપયોગ કર્યો અને તાજી જન્મેલી બાળકીને પોતાની સાથે લઇને આ યુવતી આવી હાલતમાં અમુક કીલોમીટર ચાલીને એના પિતાના ઘરે પહોંચી. પિતાના ઘરે પણ દિકરીને આવી હાલત હોવા છતા કોઇ અગમ્ય કારણસર સહારો ના મળ્યો. યુવતીને હવે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો પણ માત્ર થોડી જ ક્ષણોમાં એણે આ નબળા વિચારને મનમાંથી હાંકી કાઢ્યો.

પોતાની અને દિકરીની ભૂખ ભાંગવા માટે એણે રેલ્વે સ્ટેશન પર ભીખ માંગવાની શરુઆત કરી. ભીખમાંગવાની આ પ્રવૃતી ચાલુ કર્યા પછી એના ધ્યાન પર આવ્યુ કે બીજા કેટલાય અનાથ બાળકો માતા-પિતાનું છત્ર ગુમાવવાના કારણે ભીખ માંગવાનું કામ કરે છે અને નરકથી પણ બદતર જીવન જીવે છે. એકલતા અને સમાજમાંથી તિરસ્કૃત થવાની પીડા આ યુવતીએ ખુદ અનુભવી હતી એટલે એણે આવા અનાથ બાળકો માટે કંઇક કામ કરવાની પ્રેરણા થઇ. એણે આવા અનાથ બાળકોને દતક લેવાનું ચાલુ કર્યુ. પરિવારથી તિરસ્કૃત આ યુવતીએ ભીખ માંગીને બચાવેલી રકમમાંથી આ બાળકોના અભ્યાસ માટેની વ્યવસ્થા કરી. જે બાળકો ભીખ માંગતા હતા તે હવે ભણવા લાગ્યા. ધીમે ધીમે બાળકોની સંખ્યા વધતી ગઇ અને આ યુવતીનો પરિવાર મોટો થતો ગયો.

આજે આ યુવતીને બધા “ સિન્ધુતાઇ “ તરીકે ઓળખે છે. એમની ઉંમર 68 વર્ષની છે. આજે પણ એ અનાથ બાળકોને દતક લઇને એમના ભણવાની વ્યવસ્થા કરે છે. કોઇ પાસેથી કોઇ પ્રકારની મદદ લીધા વગર 1400થી વધુ બાળકોને મા બનીને સાચવે છે. એમના કેટલાય દિકરા-દિકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. સિન્ધુતાઇ માત્ર બાળકોને દતક લેવાનું જ કામ નથી કરતા પરંતું તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમર લાયક થાય ત્યારે દિકરા-દિકરીને પરણાવે છે. આજે સુન્ધુતાઇને 207 જમાઇ છે અને 36 પુત્રવધુઓ છે. તમામ અનાથ બાળકોને સાચવવા માટે હવે સિન્ધુતાઇ પ્રવચનો આપે છે અને એમાંથી જે કંઇ આવક થાય એ આવકમાંથી એમના દિકરા-દિકરીઓ માટે રહેવા-જમવા-ભણવાની બધી વ્યવસ્થા કરે છે.

કરોડોના કૌભાંડ કરનારા હરામીઓ મીડીયાની નજરમાં બહુ આવે છે. છાપાઓમાં એના નામની હેડલાઇન હોય છે અને ટીવી ન્યુઝ ચેનલમાં બ્રેકીંગ ન્યુઝમાં વારંવાર એની વાતો થાય છે. આપણને કોઇને સુન્ધુતાઇ જેવી સંઘર્ષ કરનારી અને અદભૂત સેવા કરનારી સ્ત્રીની ખબર જ નથી.


સો સો સલામ આ સાક્ષાત સેવામૂર્તિને...........

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...