Sunday, May 15, 2016

લાઓ-ત્સે

લાઓ-ત્સે
ચીનના દાર્શનિક લાઓ-ત્સે એકવાર જાહેરમાં કહ્યું : ‘આખી દુનિયામાં મને હરાવે એવો કોઈ નથી.’ એ વાત એક જાણીતા મલ્લ પાસે પહોંચી. એણે વિચાર્યું કે આ તો મારા માટે એક પડકાર છે. એ ઝીલવો જ પડે. અને એ લાઓ-ત્સે પાસે પહોંચ્યો અને ખોંખારીને બોલ્યો : ‘તમને હું હરાવીશ, બોલો ક્યારે કુસ્તી લડશો ?’ દિવસ નક્કી થયો. હજારો પ્રેક્ષકો આ વિચિત્ર કુસ્તી જોવા પહોંચ્યા. સૌની સામે બંને જણ અખાડામાં ઊતર્યા. લાઓ-ત્સેએ કહ્યું : ‘કુસ્તીમાં તમે હંમેશાં વિજયી રહ્યા છો, મારી સાથે લડવાનું કબૂલ કરીને તમે મોટો ઉપકાર કર્યો છે. એનાથી મારું મોટું સન્માન થયું છે.’ એટલું કહીને તેઓ અખાડાની વચ્ચે જઈને ચત્તા સૂઈ ગયા અને બોલ્યા : ‘આવો પહેલવાન, મારી છાતી ઉપર બેસી જાવ અને ગર્વથી જાહેરાત કરો કે તમે જીત્યા છો !’
પહેલવાન મૂંઝાયો, આ તે કેવી કુસ્તી કે જેમાં હરીફ પહેલેથી જ હારી જાય ! એણે કહ્યું : ‘આવું હું કેમ કરી શકું ? લડાઈ વગર હાર-જીતનો ફેંસલો ન કરી શકાય.’ અને એ અખાડાની બહાર જતો રહ્યો. એ જોઈને લાઓ-ત્સે હસતા-હસતા ઊભા થયા ને બોલ્યા : ‘હું તો પહેલેથી જ કહેતો હતો કે મને કોઈ હરાવી શકે નહિ. જેણે જીતવાની ઈચ્છા ઉપર જ જીત મેળવી હોય, તેને કોણ હરાવશે !’

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...