Thursday, August 23, 2018

ગુજરાતી સુગમસંગીતનાં Don અને Dawn!!


પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત પ્રત્યેના પર્દાપણ અને તેમની સંગીતની સાધનાને આજે 80 વર્ષે પણ સંગીત પ્રેમીઓ પ્રેરણાદાયી માની રહ્યા છે અને ભવિષ્યમાં પણ માનતા રહેશે. 3 વર્ષની ઉંમરથી શરૂ થયેલી તેમની સંગીતની સફર યાદગાર રહી છે. 1940 – ‘ નરસિંહ ભગત’ ફિલ્મનું ગીત અમદાવાદમાં નાટક મંડળીમાં જ્યારે તેઓએ ગાયું ત્યારે 17 વખત વન્સ મોરની બૂમો પડી હતી. 

તેઓ સંગીત પ્રત્યે એટલા રૂચિકર હતા કે 1944ની સાલમાં તેઓએ ઘર છોડી દીધુ અને ફિલ્મોમાં કામ કરવા માટે મુંબઇ પહોંચી ગયા હતા. પણ તેઓ તરત પાછા પણ ફરી ગયા. પછી 1947માં કાયમ માટે મુંબઇ ગયા. જ્યાં તેઓ  જીવણલાલ કવિના ઘેર ઘરઘાટીઓ સાથે ઓટલા પર સૂઇ રહેતા.

પહેલી વાર મુંબઇમાં દિલીપ ધોળકીયા સાથે તેઓએ રાસ ગીત ગાયું. આપ માનશો નહીં પણ, જીવનમાં તીવ્ર સંઘર્ષ વેઠી ચૂકેલા શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય શરૂમાં એમનાં મહેનતાણાની રકમ લેવા ગોરગાંવથી અંધેરી, ફાટેલા ચંપલે ચાલતા ગયા હતાં..! અવિનાશ વ્યાસે તેમનો અવાજ પારખી એક ગુજરાતી ફિલ્મમાં ગીત ગવડાવ્યું અને પોતાને ઘેર જ રાખ્યા.

1950 પછી – અવિનાશ વ્યાસ સાથે ‘ભારતીય વિદ્યા ભવન’ માં ઘણી નૃત્ય નાટિકાઓમાં તથા "આ માસનાં ગીતો"માં ગીતો સ્વરબદ્ધ કર્યા અને ગાયા. અવિનાશ વ્યાસ જોડે એમનો ગુરુ-શિષ્યના સંબંધ કરતાં બાપ-દીકરાનો સંબંધ વધુ લાગતો. ખુદ અવિનાશજી પણ એમ કહેતા કે એમને બે દીકરા છે: એક શ્રી પુરુષોત્તમભાઈ અને બીજા શ્રી ગૌરાંગભાઈ!!

આશા ભોંસલે તેમની હારમાં બેસી સાથે ગાતા. 19 વર્ષની વયે પોતાની પહેલી સ્વર રચના “ઓલ્યા માંડવાની જૂઇ “ ; રેડીયો પર લાઇવ પ્રોગ્રામ કર્યો. જે બાદ ગુરૂ અવિનાશ વ્યાસના પુત્ર ગૌરાંગ વ્યાસ તેમના શિષ્ય બન્યા. તેમણે 2000થી વધુ ગીતો કમ્પોઝ કર્યા છે. સૌથી વધુ સ્પર્શતી બાબત તેમનો અવાજ છે. ગુજરાતી સુગમસંગીત પુરૂષોત્તમભાઇને પામીને જાણે ધન્ય બની ગયું છે. કોઇપણ યુવાન કલાકાર માટે પુરૂષોત્તમભાઇ એક આદર્શ છે. કારણકે સંગીતની દુનિયામાં પુરુષોત્તમ ઉપાધ્યાય પૂર્ણ પુરુષોત્તમથી કંઇ કમ નથી.

૧૯૮૧માં અમદાવાદમાં શ્યામલ-સૌમિલ મુન્શી અને હું, અમે મોરપીંછ નામે કાર્યક્રમ કર્યો હતો... એની વાત મુંબઈ સુધી પહોંચી અને એક દિવસ તેઓ શ્યામલ-સૌમિલના ઘરે રીક્ષામાં આવી પહોંચ્યા.’ એમ જાણીતા કવિ અને કાર્યક્રમ સંચાલક શ્રી તુષાર શુક્લ એક ખાસ પ્રસંગમાં કહે છે.

એ પ્રસંગ હતો ગુજરાતી ભાષાના - સુગમ સંગીતના ગીતોને લોકપ્રિય બનાવનાર ગાયક-સ્વરકાર પુરુષોત્તમ ઉપાધ્યાયને રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રી મળ્યાના વધામણારૂપે એમના ઓવારણા લેવાનો, સંભારણા વાગોળવાનો. 

સંગીતપ્રેમી સ્વજનો વિક્રમ પટેલ તથા મનીષ પટેલ, રાજેશ પટેલ દ્વારા આયોજિત સ્નેહ-મિલનમાં પુરુષોત્તમ ઉપાધ્યાયને પ્રેમ કરનારા કલાકારો અને કલાચાહકો ઉપસ્થિતિમાં આરંભે લખેલી વાત શ્રી તુષાર શુક્લે કરી. એમણે કહ્યું કે મુંબઈમાં કાર્યક્રમ કર્યો ત્યારે અમારી પીઠ થાબડીને તેમણે કહ્યું કે, ‘ભવિષ્યમાં આગળ વધો ને ખૂબ સરસ કામ કરો.’ આમ પુરુષોત્તમભાઈએ હૂંફ આપી. પુરુષોત્તમભાઈને સુગમ સંગીતના ઉત્તમ ગવૈયા અને સ્વરકાર તરીકે ઓળખાવતા તુષારભાઈએ કહ્યું કે તેઓ ડોન છે સુગમ સંગીતના, Don અને Dawn બંને પ્રમાણે આ સાચું છે.

હેમંત, આ પૈસા વધારે છે, અડધા પાછા રાખ.’ આ શબ્દો મને ૧૯૮૦માં કહેનાર માણસ એટલે પુરુષોત્તમ ઉપાધ્યાય. એવું જૂનાગઢથી આવેલા નાટ્યકલાકાર અને પુરુષોત્તમપ્રેમી હેમંત નાણાવટીએ કહ્યું..ઘટના એવી હતી કે ૧૯૮૦માં જૂનાગઢમાં મિત્રોને વિચાર આવ્યો કે પુરુષોત્તમ ઉપાધ્યાયનો કાર્યક્રમ કરવો છે. ક્યાંકથી ફોન નંબર શોધીને હેમંતભાઈએ વાત કરી, કહ્યું કે આવીશ, પ્રશ્ન પૂછ્યો પુરસ્કાર બાબતે તો હેમંતભાઈએ કહ્યું કે આવનાર અતિથિ માટે અત્યારે અમારી પાસે પાણી ભરેલો લોટો અને ગ્લાસ છે.' તો પુરુષોત્તમભાઈએ ઉમળકાથી આવવાનું સ્વીકાર્યું. આવ્યા, સરસ કાર્યક્રમ થયો. 

કાર્યક્રમમાંથી સારી એવી રકમ એકઠી થઈ હતી એટલે રૂ. ૫૦૦૦ એમને આપ્યા તો ગણીને એમાંથી રૂ. ૨૫૦૦ પાછા હેમંતભાઈને આપ્યા અને આ સંવાદ કહ્યો. આગ્રહ કર્યો પૈસા પૂરેપૂરા લેવાનો તો પણ ના લીધા. 

પુરુષોત્તમભાઈએ કહ્યું કે ‘આ રકમ મેં તમને પરત આપી, હવે એમાંથી તમે કોઈ બીજા કલાકારને બોલાવજો પણ પ્રવૃત્તિ જીવંત રાખજો.’ અને હેમંતભાઈએ આ પ્રવૃત્તિ જૂનાગઢમાં જીવંત રાખી. હેમંતભાઈએ એમને ‘પીયુ’ તરીકે ઓળખાવ્યા અને કહ્યું કે ગુજરાતી સુગમ સંગીતને પુરુષોત્તમભાઈએ સંપીલું રાખ્યું છે. આપણે સૌ એમની સક્રિયતાની શતાબ્દી પણ ઊજવીશું એવી આશા તેઓએ પ્રગટ કરી.

આ પ્રસંગનમાં ઉત્તરમાં પુરુષોત્તમ ઉપાધ્યાયે પ્રતિભાવમાં કહ્યું કે ‘મને મળેલા એવોર્ડમાં તમારો પ્રેમ સમાયેલો છે.’ 



જન્મ નડિયાદમાં, મૂળ વતન ઉત્તરસંડા કર્મભૂમિ મુંબઈ અને એમના ચાહકો વિશ્વભરમાં એવા સુરોત્તમ-પુરુષોત્તમ ઉપાધ્યાય જ્યારે જ્યારે મંચ પર કે અંગત સ્વજનોની મહેફિલમાં ગાવા બેસે છે ત્યારે કોઈ અલૌકિક વાતાવરણ ઊભું થાય છે. ૮૦ વર્ષની વયે પણ એ ૪ મિનિટ કે ૪ કલાક ગીત રજૂ કરે ત્યારે કોઈ નોખી અનુભૂતિ થાય છે. પુરુષોત્તમ ઉપાધ્યાય સ્વર પ્રસ્તુતિ કરે છે ત્યારે સૂરોના અજવાળા રેલાય છે ને શ્રોતાઓને એ અજવાળામાં આનંદની કેડીઓ જડે છે.


અને છેલ્લે, 
'હું અંગ્રેજી બોલતો થયો તો, કેટલાક અમેરિકન ગુજરાતી બોલતા પણ થયા છે.' - પુુરુષોત્તમ ઉપાધ્યાય.

માહિતી સંકલન :- ડો  કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...