Wednesday, August 15, 2018

સત્યઘટના -- ડો. કાર્તિક શાહ

હેમુ ગઢવી: એક સત્ય પ્રસંગ


સંકલન: ડો. કાર્તિક શાહ 


ગુજરાતી કલા સંસ્કૃતિ ક્ષેત્રે હેમુ ગઢવી એક ખાસ સ્થાન ધરાવે છે. આ 20મી ઓગસ્ટે એમની 53મી પુણ્યતિથિ આવી રહી છે તો એમને યાદ કરી એમના જ જીવનનો એક બહુ જ ઓછો જાણીતો પણ આપ સૌની આંખો ખરેખર અશ્રુભીની કરી દે એવો એક પ્રસંગ અહીં ટાંકી રહ્યો છું. આશા છે કે આપ સૌને એ વાંચી કેમ હેમુભાઈ આટલી નાની ઉંમરે પણ લોકહૃદયમાં અમરત્વ પામી ગયા છે એનો ખ્યાલ આવી જશે.

4 સપ્ટેમ્બર 1929ના રોજ સાયલાના ઢાંકળિયા ખાતે તેમનો જન્મ થયો હતો. 
તેમના પિતાનું નામ નાનભા અને માતાનું નામ બાલુબા હતું તેમજ તેમના પત્નિનું નામ હરિબા હતું.


લોકગીત અને ભજનનો તેમને નાનપણથી જ શોખ હતો. જેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિ પ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાનાં પગારે જોડાયા હતાં. જેમાં તેને પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભુમિકા ભજવીને પોતાનાં અભિનયથી જોવા આવનાર લોકોનાં મન મોહી લીધા હતાં. તે દરમિયાન તેમણે "ગામડુ મુજને પ્યારૂં ગોકુળ" પ્રથમ ગીત ગાયુ હતું. એક વખત તેઓ જામનગર શહેરમાં રાણકદેવી નામનું નાટક ભજવવા ગયેલા. જેમાં તેઓએ રાણકદેવીનું સ્ત્રીનું પાત્ર ભજવ્યુ હતુ અને લોકોનાં દીલ જીતી લીધેલા અને તેનાથી પ્રભાવિત થઈને તે સમયે જામનગર શહેરમાં ચાલતા રાણકદેવી ચલચિત્રનાં નિર્માતા છેક મુંબઈથીઆવીને તેઓએ બાળકલાકાર હેમુભાઈને નવાજ્યા હતાં. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટકમાં ભજવવામાં ઉપયોગ કરતા હતાં. આમ તેઓએ ઈ.સ. ૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યુ હતું. એક સફળ ગાયક, નાટ્યકાર, અભિનેતા એવા હેમુ ગઢવી 1955માં આકાશવાણીમાં તાનપુરા કલાકાર તરીકે જોડાયા. ત્યાં તેમણે સતત દશ વર્ષ સુધી લોકસંગીતના પ્રચારપ્રસારનુ ભગીરથ કાર્ય કર્યું. 

1962-63માં કોલંબિયા કંપનીએ તેમની 78 સ્પીકની રેકર્ડ "સોની હલામણ મે ઉજળી" રીલીઝ કરી. ગુજરાતી લોકસંગીતનું નાક, લોકસંગીતનો પાણતિયો, રખોપિયો, અષાઢી ગાયક, ગહેકતો મોરલો જેવા જુદા જુદા ઉપનામે જાણીતા થયેલા હેમુ ગઢવીએ ખરા અર્થમાં ગુજરાતી કલા સંસ્કૃતિની સેવા કરવામાં જરાય કચાશ ન છોડી. 


20 ઓગસ્ટ 1965ના રોજ પડધરી ખાતે રાસડાઓનું રેકોર્ડીંગ કરતી વખતે જ અકસ્‍માતમાં તેમનું અવસાન થયું. મૃત્યુ વખતે તેમની ઉંમર હતી માત્ર 36 વર્ષ!! જો કે તેઓ તેમની ઉંમરના પ્રમાણમાં ઘણા મોટા કહી શકાય એવા માન સન્માન પામ્યા હતા. તેમાં રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર, ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયક તરીકે ગૌરવ પુરસ્કાર વગેરે ઉલ્લેખનીય કહી શકાય. રાજકોટમાં તેમના સન્‍માનમાં હેમું ગઢવી નાટ્ય હોલ બનાવવામાં આવ્યો છે. હા, આ બધી માહિતીઓ લગભગ સાર્વત્રિક ઉપલબ્ધ જ છે. હવે આવે છે એક ખાસ પ્રસંગ જે બહુ ચર્ચાયો નથી અને જે હેમુભાઈની સંવેદનાઓનો પરિચય આપે છે. કીકતમાં, મારું એવું અવલોકન છે કે જેટલાં પણ મહાન ગાયકો, સંગીતકારો, કલાકારો, લેખકો, કવિઓ અને અન્ય  હસ્તીઓ વિગેરે છે એ તમામનું અન્ય સૃષ્ટિજીવો પ્રત્યેનું સંવેદન હંમેશા તેમને પ્રભાવશાળી બનાવનારુ અને ઋજુ રહ્યું છે.


વર્ષો પહેલાની વાત છે જયારે હેમુભાઈની લોકપ્રિયતા એની ચરમસીમા તરફ આગળ વધી રહી હતી. હેમુભાઈ રાજકોટ રેડિયો સ્ટેશન માંથી રેકોર્ડિંગ કરી એક મિત્ર સાથે બહાર નીકળ્યા. મિત્ર એ પૂછ્યું ક્યાં જવું છે હેમુભાઈ એ કહ્યું એસ.ટી.સ્ટેન્ડ જઈએ.

હેમુભાઈ એટલા સરળ અને કોમળ હતા કે મિત્ર પૂછી ના શક્યો કે એસટી માં ક્યાં જઈશું?? એસટી સ્ટેન્ડ પર થોડી વાર રાહ જોઈ અને એ બસ આવી જેમાં સફર કરવા ની હતી. મિત્ર સાથે એ બસ માં ગોઠવાઈ ગયા ટિકિટ લીધી 5-6 કલાક ની સફર પછી એક ગામ માં બસ પહોંચી ત્યાં ઉતરી ગયા એક ભાઈ ખેતર માંથી આવતા હતા એને ખિસ્સામાંનું પોસ્ટ કાર્ડ કાઢી, એમાંથી વાંચી એક ગામનું પૂછ્યું તો એ વ્યક્તિ એ કહ્યું 8-10 ગાઉ જટલું છેટું છે ચાલી ને જ જવું પડે. બેવ જણ ચાલવા લાગ્યા...

થાકી લોથપોથ થઈ ગયા ત્યારે એક ગામ નો વડલો દેખાયો. મિત્ર એ પૂછ્યું "અહીં કોણ છે?..." હેમુભાઈ કહે "બેન ને મળવા જવું છે."

નાનપણ નો મિત્ર હેમુભાઈ ના આખા પરિવાર ને ઓળખે એમ છતાં પૂછી ના શકયો કે અહીં તો કોઈ તમારી બેન નથી રહેતી. ત્યાંજ એક ભાઈ દેખાયા એમને પૂછ્યું કે આ બેન નું ઘર ક્યાં છે તો એ ભાઈ એ ચીંધ્યું. ચાલી ને બેવ ઘર નજીક પહોંચ્યા. 

ગરીબ ખોરડું આમ તો ઝૂંપડું જ કહેવાય. કાચી દીવાલ ઘાસ-પાન થી છત બનેલી આંગણામાં બે ભાઈ બહેન 8-10 વર્ષ ની ઉંમર ના રમતા હતા. ઘરે મહેમાન ને આવતા જોઇ ઘર માં દોડી જઇ માને કહ્યું કોઈ આવ્યું છે .

બેન બહાર આવી. નાના ગામડા ની સરળ સ્ત્રી ફક્ત પ્રશ્નાર્થ નજરે જોઈ રહી. હેમુભાઈ એટલું જ કહ્યું " હું હેમુ ગઢવી છું....!" બેને તરત જ કહ્યું "આવો! આવો!" પગરખાં કાઢી બેવ ઘર માં ગયા બેને એક જૂનો ગાભો પાથર્યો એના પર બન્ને બીરાજ્યા. બેને લોટા માં પાણી આપ્યું.

ખીસ્સામાં રેકોર્ડિંગ માંથી આવેલા જે કાંઈ 300-400 રૂપિયા કાઢી બેન ના હાથ માં મુક્યા! 
બેવ બાળકો જોઈ રહ્યા હતા પૂછ્યું "મા... કોણ છે?" 
મા એ કહ્યું "મામા છે બેટા પગે લાગો." બેવ બાળકો એ ચરણ સ્પર્શ કર્યા. વિસ્મયતાથી મિત્ર તો આ બધું જોઈ જ રહ્યો છે. બેવ બાળકો ના માથે હાથ મૂકી હેમુભાઈ ઉભા થયા કહે બેન હું જાઉં. ગરીબ બેને કહ્યું ભાઈ જમી ને જાવ. હેમુભાઈએ કહ્યું બેન બીજી વાર જરૂર આવીશ ત્યારે જમીશ અને ઘર બહાર નીકળી ગયા પગરખાં પહેરી જે માર્ગે આવેલા એ તરફ મિત્ર સાથે ચાલી નીકળ્યા. પાછા એજ ગામ માં આવ્યા મુખ્ય માર્ગ પર બસ ની રાહ જોવા એક ઝાડ નીચે બેઠા.

મિત્રે મૂંઝારા સાથે પૂછ્યું "આ બધું શું છે? આ બેન કોણ?"
.


ખીસ્સામાંથી પોસ્ટ કાર્ડ કાઢી કહ્યું, "આ પત્ર કાલે રેડિયો સ્ટેશન માં મળ્યો....!"

"રોજ રેડિયો માં સવારે મારુ ગીત વાગે અને દૂર ક્યાંક રેડિયો વાગતો હોય અને આ બેન ના બાળકો પૂછે મા... આ કોણ ગાય છે? ત્યારે બેને કહ્યું આ તમારા મામા છે. બાળકો નિશાળે જતા હશે તો પોસ્ટકાર્ડ લઇ મારા નામ થી પત્ર લખ્યો... લે કાગળ વાંચ....."

મિત્ર એ પોસ્ટકાર્ડ હાથ માં લઇ વાંચ્યું.....


"પૂજ્ય મામા,

તમારું ગીત રોજ સવારે રેડિયોમાં સાંભળીએ છીએ દૂર ક્યાંક રેડિયો વાગતો હોય છે પણ એમ લાગેછે કે  તમે સામે બેસી ને જ ગાવ છો..તમારો કંઠ ખૂબ સરસ છે. મા ને પૂછીએ કે કોણ ગાય છે તો મા કહે આ તમારા મામા છે..

મામા ક્યારેક તો ઘરે આવો....! બાપુ મરી ગયા પછી મા કાયમ રડતી હોય છે....."

       મિત્ર ની આંખ માંથી ડળક ડળક અશ્રુ વહેતા હતા હેમુભાઈ મિત્ર ના ખભા પર પ્રેમ થી હાથ મુક્યો... બસ આવી!! બેવ મિત્રો બસ માં ગોઠવાયા.... ટિકિટ માસ્તર આવ્યો... 

અને છેલ્લે હવે હેમુભાઈ એટલું જ બોલ્યા, "થોડીવાર તું મારો મામો થઈ ને ટિકિટ કઢાવ... કારણ જે કાંઈ હતું એતો બેન ના હાથમાં....."

આ એક સંપૂર્ણ સત્ય ઘટના  છે અને હેમુ ભાઈ ગઢવીના આ સાડા ત્રણ દશકના ટૂંકા જીવનકાળ દરમ્યાન કેમ તેઓને લોકોએ હૃદયસ્થ કર્યા છે એનો સબળ પુરાવો છે...!

સંકલન: ડો. કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...