Thursday, August 2, 2018

કઈ રીતે તૈયાર થયા કિશોરદા ગુજરાતી ગીત ગાવા માટે?

હજુ બે અઠવાડિયા પહેલા શરુ કરેલ આ ડો. કાર્તિકની કલમે નામની સિરીઝમાં ગુજરાતી રંગભૂમિ, સંગીત અને ફિલ્મો સાથે સંકળાયેલા કલાકારો અને કસબીઓ અંગેની રસપ્રદ વાતો આપ સૌ સાથે શેર કરવાની શરૂઆત સાથે ફોન પર અનેક લોકો સાથે કિશોરકુમારની કૉલમની વાત થઈ ત્યારે કહે, ‘તમારી કૉલમની ખાસ વાત મને એ ગમે છે કે કિશોરકુમારના સ્વભાવના એ પાસાની વાતો લોકો સુધી પહોંચાડો છો જેની બહુ ઓછાને ખબર છે. લોકોને મન તો તે એક ધૂની, તરંગી અને કંજૂસ વ્યક્તિ હતા જે કોઈ પણ કારણ વગર લોકોને મુશ્કેલીમાં મૂકતા. પણ ખરેખર તો તેઓ એક સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમના આ પાસાની મોટા ભાગના લોકોને જાણ જ નથી. હું માનું છું કે ઘણાને તેમના આ સ્વભાવનો પરિચય થયો છે. ક્યારેક વિગતવાર વાતો કરીશું.’

‘વાત ૧૯૭૫ની છે. નિરંજન મહેતા અને દિગંત ઓઝા ઘનિષ્ઠ મિત્રો. તેઓ ગુજરાતી ફિલ્મો, ખાસ કરીને રવીન્દ્ર દવેના પબ્લિસિટી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હતા. એ સમય ગુજરાતી ફિલ્મોનો ટોચનો સમય હતો. એટલે તેઓ બન્નેએ પણ ગુજરાતી ફિલ્મોનું નિર્માણ  કરવાનો વિચાર કર્યો.

વાતવાતમાં ૧૦૦૦ વર્ષ પહેલાંના કચ્છના રાજાના જીવન પરથી એક ફિલ્મ બનાવવાનું તેઓએ નક્કી કર્યું. એ સમયે ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, સ્નેહલતા જેવા કલાકારોનું ચલણ હતું. સંગીતકાર તરીકે મોટા ભાગે અવિનાશ વ્યાસ જ હોય. પણ તેઓએ નક્કી કર્યું કે નવા કલાકારો, સંગીતકાર લઈને ફિલ્મ બનાવીએ.

એટલે તેઓએ રાજીવકુમાર અને રીટા ભાદુરીને હીરો-હિરોઇન તરીકે લીધાં અને સંગીતકાર તરીકે અવિનાશભાઈના પુત્ર ગૌરાંગ વ્યાસની પસંદગી કરી. કલાકેન્દ્રના જમાનાથી મહેતાજીનો અવિનાશ વ્યાસ સાથે પરિચય એટલે ગૌરાંગ વ્યાસની ગુજરાતી ફિલ્મ સંગીતકાર તરીકેની શરૂઆત આ ફિલ્મથી થવાની હતી એ વાતથી તેઓ પણ ખુશ હતા. જોકે ગીતો લખવાનું કામ એમણે અવિનાશભાઈને જ સોંપ્યું.

એ સમયે ગુજરાતી ફિલ્મોની એક ફૉમ્યુર્લા હતી કે ફિલ્મમાં એક રાસ-ગરબો, એક કૉમેડી ગીત, એક ગંભીર ગીત અને એક-બે પ્રણયગીતો હોય. દિગંત ઓઝાના મનમાં એક વિચાર આવ્યો કે આપણી ફિલ્મનું કૉમેડી ગીત જો કિશેારકુમાર ગાય તો મજા આવી જાય; પરંતુ તે હા પાડે કે નહીં, તેમનું બજેટ આપણને પોસાય કે નહીં આવા પ્રશ્નો પણ મનમાં હતા.’

તેમણે આ વાત અવિનાશભાઈને કરી, કારણ કે તેમનો કિશોરકુમાર સાથે સારો પરિચય હતો. (એક આડવાત. ૧૯૫૪માં ફિલ્મ ‘અધિકાર’ (કિશોરકુમાર, ઉષાકિરણ) માટે અવિનાશભાઈએ ‘કમાતા હૂં બહુત કુછ પર કમાઈ ડુબ જાતી હૈ’ (કિશોરકુમાર / ગીતા દત્ત), ‘દિલ મેં હમારે કૌન સમાયા (કિશોરકુમાર / આશા ભોસલે) અને ‘તિકડમબાઝી મિયાં રાઝી, બીવી રાઝી, ક્યા કરેગા કાઝી’ આ ત્રણ ગીતો રેકૉર્ડ કર્યાં હતાં. એ ઉપરાંત અવિનાશભાઈએ ઘણી હિન્દી ફિલ્મોમાં સંગીતકાર તરીકે મોહમ્મદ રફી, લતા મંગેશકર, આશા ભોસલે, તલત મેહમૂદ, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર સાથે ગીતો રેકૉર્ડ કર્યાં છે. એ વાતો વિગતવાર ફરી કોઈ વાર)

અવિનાશભાઈ કહે, ‘ચોક્કસ. આપણે જરૂર કોશિશ કરીએ.’ તેમણે ફેમસ સિનેલૅબના રેકૉર્ડિસ્ટ ભણસાલીને ફોન કરી પૂછ્યું કે આજકાલમાં કિશોરકુમારનું કોઈ રેકૉર્ડિંગ છે? જવાબ મળ્યો, કાલે જ છે. મળવું હોય તો આવી જાઓ.

બીજા દિવસે નિરંજન મહેતા, દિગંત ઓઝા અને અવિનાશભાઈ ફેમસમાં ૧૦ વાગ્યે પહોંચી ગયા. થોડી વારમાં કિશોરકુમાર આવ્યા અને અવિનાશભાઈને જોઈને જ તેમને પગે લાગતાં લાગણીવશ (હા, સહેજ પણ અતિશયોક્તિ નથી આમાં!! વળી કિશોરકુમારને પગે લાગતા જોઈને જ બંને પ્રોડ્યુસરો પણ મનોમન ખુશ થઇ ગયેલા) થઈને કહે, ‘અરે અવિનાશભાઈ, કિતને સાલોં કે બાદ આપસે મુલાકાત હુઈ. આપ કૈસે હો? કહીએ ક્યા બાત હૈ?’  જે અહોભાવથી કિશોરકુમાર વાત કરતા હતા એ જોઈને બન્ને પ્રોડ્યુસરો મનોમન ખુશ થઈ ગયા કે હવે આપણું કામ થઈ જશે.

અવિનાશભાઈએ ઓળખાણ કરાવતાં કહ્યું કે આ બન્ને યુવાનો ગુજરાતી ફિલ્મ બનાવે છે અને એમાં એક ગુજરાતી ગીત તમારે ગાવાનું છે. આ સાંભળી કિશોરકુમાર બોલી ઊઠ્યા, ‘ના ભાઈ ના, મારી આખી જિંદગીમાં હું બે વાક્ય પણ ગુજરાતીમાં બોલ્યો નથી. આ પહેલાં મેં કોઈ ગજરાતી ગીત ગાયું નથી. મને તમે આમાં ન ફસાવો. મારાથી ગુજરાતી ગીત નહીં ગાઈ શકાય.’ 

આ સાંભળી પેલા બંને તો નિરાશ થઈ ગયા, પણ અવિનાશભાઈ કહે, ‘મારો દીકરો પહેલી વાર ફિલ્મમાં સંગીતકાર તરીકે આવે છે. મને તમારો સપોર્ટ જોઈએ છે. આ મારી પર્સનલ રિક્વેસ્ટ છે.

આ સાંભળી કિશોરકુમાર થોડા ઢીલા પડ્યા. ‘પણ અવિનાશભાઈ, આમાં તો મને તમારા સપોર્ટની જરૂર પડશે. મને ગુજરાતી શીખવાડવું પડે. સમજાવવું પડે. મને ડર લાગે છે. એક કામ કરો. આવતી કાલે તમે મારા ઘરે આવો. ડીટેલમાં વાતો કરીએ. એ પછી હું તમને ફાઇનલ જવાબ આપીશ.

બીજા દિવસે સવારે નિરંજન મહેતા, દિગંત ઓઝા, અવિનાશભાઈ, ગૌરાંગ વ્યાસ અને અરુણ ભટ્ટ તેમના ઘરે જવા નીકળ્યા. (અરુણ ભટ્ટ એ સુપ્રસિદ્ધ પ્રોડ્યુસર-ડિરેક્ટર વિજય ભટ્ટના સુપુત્ર જે આ ફિલ્મનું ડિરેક્શન કરવાના હતા. જોકે સંજોગાવશાત્ આ ફિલ્મ પાછળથી નરેન્દ્ર દવેના ડિરેક્શનમાં બની.) તેમના બંગલોની બહાર તેઓએ ગાડી પાર્ક કરી. અને અંદર જતા હતા ત્યાં ચોકીદારે તેમને અટકાવ્યા.

તેઓએ ચોકીદારને કહ્યું કે સાહેબે અમને ૧૦ વાગ્યે મળવા બોલાવ્યા છે. પણ તેનો જવાબ હતો, સાહેબ તો વહેલી સવારના બહાર નીકળી ગયા છે અને રાત્રે પણ મોડા આવશે...!! આ સાંભળી સર્વે નિરાશ થઈ ગયા. મનમાં થયું ગઈ કાલે ભલે હા પાડી, પણ હવે છટકબારી શોધે છે. તેમના ધૂની સ્વભાવના જે કિસ્સા સાંભળ્યા છે એ સાચા જ હશે. તેમની પાસે ગુજરાતી ગીત રેકૉર્ડ કરવાની ઇચ્છા મનમાં જ રહી જશે. હવે કિશોરકુમાર હાથમાં નહીં આવે એમ માની એ લોકો ત્યાંથી પાછા ફર્યા.

બીજા દિવસે અવિનાશભાઈએ કિશોરકુમારને ફોન કર્યો કે અમે તમારા ઘરે આવ્યા હતા પણ તમે હતા જ નહીં. જવાબ મળ્યો, ‘અવિનાશભાઈ, મૈં તો ઘર મેં હી થા. ખિડકી સે દેખા કિ આપ પાંચ લોગ આ રહે હો તો મૈં ડર ગયા, મુઝે તો લગા થા આપ અકેલે હી આએંગે...!!’ 

અવિનાશભાઈએ કહ્યું, ‘એમાં ડરવા જેવું શું હોય? ખેર, તમે કહેશો તેમ કરીશું. એક કામ કરો, તમે મને એક ડેટ આપો. એટલે આપણે ગીત રેકૉર્ડ કરીએ.’

કિશોરકુમારને તેમની વાતથી ધરપત મળી એટલે તેમણે ત્રણ દિવસ પછીની ડેટ આપી અને છેવટે તાડદેવ ફિલ્મ સેન્ટરમાં રેકૉર્ડિંગ માટે સ્ટુડિયો બુક કર્યો.

અને પછી શું થયું એ તમે અગાઉના બંને અંકમાં વાંચી ચુક્યા જ છો. એક ઉમદા ગીત ફિલ્મ જગતને મળ્યું, "ગાઓ સૌ સાથે તમને બજરંગ બલીની આણ છે, શિષ્યો સૌ સંપીને બોલો નારી નરકની ખાણ છે!!" કે જે કિશોરકુમાર દ્વારા ગવાયેલું પ્રથમ ગુુુજરાતી ગીત હતું. 

ફિલ્મ: લાખો ફુલાણી, સંગીત: ગૌરાંગ વ્યાસ, ગીત: અવિનાશ વ્યાસ)

આ ગીત અંગેની માહિતી સંપૂર્ણ.
વધુ રસપ્રદ અન્ય કલાકાર-કસબીઓ અને સાહિત્યને લગતી માહિતી લઈને મળીશ આવતા શુક્રવારે.....

--- ડો. કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...