Thursday, April 14, 2016

જીવનલક્ષ્ય "શિવાજી"



જીવનલક્ષ્ય

પોતાની સેનાથી વિખૂટા પડેલા શિવાજી એવા નિર્જન સ્થાન પર જઈ પહોંચ્યા, જ્યાં દૂર દૂર સુધી વસ્તી દેખાતી ન હતી. સાંજ પડી ગઈ. અંધકાર ફેલાઈ ગયો, ત્યારે થોડેક દૂર દીવાનો ઝાંખો પ્રકાશ દેખાયો. શિવાજી એ તરફ ગયા તો સામે એક ઝૂંપડી જોઈ. એક વૃદ્ધા ઝૂંપડીમાંથી બહાર આવી અને એ અતિથિને અંદર લઈ ગઈ. શિવાજી થાકેલા અને ભૂખ્યા હતા. વૃદ્ધા એમને વ્યાકુળ જોઈને સમજી ગઈ. તેણે પાણી ગરમ કરીને હાથ-પગ ધોવાનું કહ્યું. બેસવા માટે ચટ્ટાઈ પાથરી દીધી. શિવાજી હાથ-પગ મોં ધોઈને આરામથી બેઠા. થોડી વાર બાદ વૃદ્ધા ગરમાગરમ કોદરી થાળીમાં પીરસીને રાખી ગઈ.

શિવાજીને કકડીને ભૂખ લાગી હતી. તરત જ ખાવા માટે હાથ નાખ્યો કે દાઝીને હાથ પાછો ખેંચીને ઝાટકવા માંડ્યા. વૃદ્ધાએ એ જોયું અને બોલી ઊઠી : ‘તું તો શિવા જેવા સ્વભાવનો લાગે છે.’

શિવાજીએ પૂછ્યું : ‘માતા, તેં શિવા સાથે મારી સરખામણી કઈ રીતે કરી ?’

વૃદ્ધા બોલી : ‘જે રીતે શિવા આસપાસના નાના નાના કિલ્લા જીતવાને બદલે મોટા-મોટા કિલ્લાને જીતવાની ઉતાવળ કરે છે, એમ તું પણ કિનારી પર ઠંડી થયેલી વાની ખાવાને બદલે વચ્ચેથી મોટો કોળિયો ભરવા જતાં હાથ દઝાડ્યો. બેટા, ઉતાવળે કામ કરવાથી કામ બનતું નથી, બગડે છે. માણસે ઉન્નતી માટે નાનાં નાનાં ડગલાં ભરીને સાવધાની અને ધીરજ સાથે આગળ વધવું જોઈએ. ઉતાવળથી મોટાં મોટાં ડગલાં ભરીને કોઈ મોટું લક્ષ્ય પ્રાપ્ત થતું નથી. જે દિવસે શિવા નાના નાના કિલ્લાથી પોતાનું વિજય અભિયાન શરૂ કરશે, ત્યારથી તેણે ક્યારેય પીછે હઠ કરવાની આવશ્યકતા નહીં રહે. અને એક દિવસ એવો આવશે જ્યારે તે એનું મનવાંછિત લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે.’ શિવાજીએ પેલી વૃદ્ધાની શિખામણ ગાંઠે બાંધી લીધી, પરિણામે તેઓએ ઈતિહાસમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓનું નામ ભારતના ઈતિહાસમાં મહાન શિવાજી તરીકે લેવાય છે.

લક્ષ્ય સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય. એની સાધનામાં ઉતાવળ કરતાં જે ધીરજવાન બની, દઢતાપૂર્વક ધીમે ધીમે આગળ વધે છે એ વ્યક્તિ અવશ્ય સફળતા પ્રાપ્ત કરે છે, જે વ્યક્તિ છલાંગ લગાવીને જલ્દી જીવનલક્ષ્ય પ્રાપ્ત કરવાની ઉતાવળ કરે છે, ઘણુંખરું પોતાની સાધનામાં અસફળ થાય છે, ઉપહાસને પાત્ર બની જાય છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...