Thursday, April 14, 2016

ગાંધીજી અને ટીકા



રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા ડૉ. મણિભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીનું બહુ સુંદર દષ્ટાંત એમને પૂછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાં આપ્યું હતું. 

એમણે કહ્યું હતું : ‘પૂ. બાપુજીના સેક્રેટરી તરીકે હું કામ કરતો હતો ત્યારે એમના પર આવતા પત્રો અને તાર વગેરે ફોડીને વ્યવસ્થિત રીતે પહોંચાડવાનું કામ મને સોંપાયું હતું. 

બાપુ પર રોજના પાંચ-સાત પત્રો કે તાર એવા આવતા કે જેમાં બાપુની ભરપેટ નિંદા જ હોય ! એવા તાર અને પત્રો હું જુદા જુદા તારવી લેતો અને બાપુને આપતો જ નહીં. 
એક દિવસ બાપુ કહે, ‘મણિભાઈ ! તમારા આવ્યા પછી હું આટલો બધો સજ્જન કેવી રીતે થઈ ગયો ?’ શરૂઆતમાં તો મને કંઈ સમજ ના પડી. પછી બાપુએ ફોડ પાડ્યો. તમે રોજ લોકનિંદાભર્યા તાર કાઢી લો છો ને ? મેં હા પાડી. 

બાપુએ એક મોટી ફાઈલ ખેંચી કાઢી અને મને બતાવ્યું, ‘જુઓ, આ આખી ફાઈલ એવા નિંદાભર્યા તારની જ છે. જાઓ, તમે એ તારવી લીધેલા તાર લઈ આવો.’ હું એ તાર એમની પાસે લઈ ગયો. એ જોઈને બાપુ કહે,

‘જે આપણા અહમ તરફ આંગળી ચીંધે છે એ આપણો સાચો મિત્ર.’ આપણે જાણીએ છીએ કે બાપુએ ટીકાઓથી ડરીને પોતે જેને સાચું માનતા હતા એને કદી છોડ્યું નથી અને પોતાની ભૂલ જ્યારે એમને લાગી છે ત્યારે એનો ખુલ્લે દિલે એકરાર કરતાં તેઓ અચકાયા નથી. 

આવો અનાસક્ત સ્થિતપ્રજ્ઞ ભાવ તો વિરલ વ્યક્તિઓમાં જ હોય છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...