Monday, March 20, 2017

લાલ બહાદુર શાસ્ત્રી


લાલ બહાદુર શાસ્ત્રી 
(02.10.1904 - 11.01.1966)

વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી એક એવી વ્યક્તિ હતા કે જેઓ પ્રશંસાથી દૂર રહેવામાં અને જાહેર સન્માનોને શક્ય એ રીતે ટાળવામાં માનતા. તેમના જીવનમાં ઘણા એવા બનાવો બન્યા હતા કે તેમણે સામે પગલે ચાલીને પોતાના માનમાં સન્માન સભારંભ નહિ યોજવા લોકોને વિનંતી કરી હતી.

તેમને ત્યાં એકવાર તેમના એક જુના મિત્ર આવ્યા. બંને મિત્રો વચ્ચે થોડો સમય આડીઅવળી વાતચીત થયી. ત્યાર બાદ મિત્ર બોલ્યો, " શાસ્ત્રીજી એક વાત પૂછું ?"

" કઈ વાત?"

" આપ પ્રશંસાથી દૂર રહેવાનું કેમ પસંદ કરો છો? આપના  માનમાં સભારંભ યોજાય એ પણ આપણે મહદંશે પસંદ નથી. આનું કઈ કારણ? "

લાલ બહાદુર શાસ્ત્રી બોલ્યા, "ઘણા સમયથી હું પ્રશંસાથી દૂર રહુ છું. પ્રશંસાથી દૂર રહીને, આપણે જે કામ કરવાની જવાબદારી સ્વીકારી હોય તે સતત કર્યે જવાની એમ હું હંમેશા માનતો આવ્યો છું. મને આ બોધ લાલા  લજપતરાય પાસેથી શીખવા મળ્યો હતો." 

" એક વાર એમણે  મને કહ્યું હતું કે શાસ્ત્રી! આપણે પ્રશંસાથી દૂર રહીને આપણું કર્તવ્ય બજાવતા રહેવું. જુઓ, તાજમહાલ માં બે પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કિંમતી સંગેમરમરનો ઉપયોગ તાજમહાલના ગુંબજ, છત, દીવાલો વગેરેમાં કરવામાં આવ્યો છે; જયારે સાધારણ પથ્થરોનો ઉપયોગ તેના પાયામાં કરવામાં આવ્યો છે. લોકોને ધ્યાન ભલે જતું નથી, પણ તાજમહાલને ટકાવી રાખનાર આ પાયાના પથ્થરો જ છે! આ પાયાના પથ્થરો ખુબ  મહત્વના હોવા છતાંય તેઓ લોકોની પ્રશંસાથી દૂર જ રહે છે. આપણે જો લોકોની અથવા તો રાષ્ટ્રની સેવા કરવી હોય તો ચુપચાપ લોકોની પ્રશંશાની ઈચ્છા રાખ્યા વગર કે જાહેર સન્માન થાય તેવી ભાવના  રાખ્યા વગર સેવા કર્યે જવી. પ્રસંગોનો જો મોહ રાખવામાં આવે તો સેવા માં જરૂરથી વિક્ષેપ પડે છે. 

આ વાત પુરી કરીને લાલ બહાદુર શાસ્ત્રી એ મિત્રને કહ્યું, " બસ, એ દિવસથી મને થયું, કે જે કઈ સેવા / કામ મારે કરવું છે, તે બધું મારે પ્રશંશાથી દૂર રહીને જ કરવું. સેવા બદલ આપણે જો જાહેર સન્માનની ઈચ્છા રાખીયે તો તે સેવા મટીને એક પ્રકારનો વ્યવસાય/વેપાર જ બની જાય છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...