Thursday, May 25, 2017

પરિસ્થિતિનો આનંદ

આનંદમાં કેમ રહેવું ?

એક રાજા મોટું વહાણ લઇને દરીયાની સફર કરવા માટે નીકળ્યા.દરીયામાં આવેલા ટાપુઓ એને જોવા હતા.સાથે ઘણા બધા નોકરો અને મદદનિશો સેવા માટે લીધા હતા. વહાણ ધીમે-ધીમે સમુદ્રના મધ્યભાગમાં આવેલા ટાપુઓ તરફ આગળ વધી રહ્યુ હતુ. બધા આનંદથી ગીતો ગાતા ગાતા સફરની મજા લઇ રહ્યા હતા.

સાવ અચાનક દરીયામાં તોફાન શરુ થયુ અને ધીમે ધીમે તોફાન વધવા લાગ્યુ. વહાણ પણ હાલક ડોલક થવા લાગ્યુ. વહાણ પર રસોઇની સેવા માટે લેવામાં આવેલો એક રસોઇયો રડવા લાગ્યો. ધીમે ધીમે એના રડવાનો અવાજ એટલો વધ્યો કે બધાના કાન દુ:ખવા લાગ્યા.

રાજાએ ગુસ્સે થઇને કહ્યુ , ” આ રસોઇયાને ઉપાડીને દરીયામાં નાંખી દો. ક્યારનો રડ-રડ કરીને બીજાને પરેશાન કરે છે.” પ્રધાને રાજાને સમજાવતા કહ્યુ કે એને દરીયામાં ફેંકવાની જરુર નથી આપ મારા પર છોડી દો હું તેને રડતો બંધ કરી દઇશ. રાજાએ જે કરવુ હોય એ કરવાની પ્રધાનને મંજૂરી આપી.

પ્રધાન રસોઇયા પાસે ગયા અને તેને દોરડેથી બાંધીને વહાણમાંથી નીચે લટકાવ્યો. રસોઇયો તો એકદમ ગભરાઇ ગયો. લટકતા- લટકતા તોફાનનો સામનો કરવો ખુબ મુશ્કેલ હતો. થોડીવાર એને એમ જ રહેવા દઇને પછી પ્રધાને એને ફરીથી વહાણમાં લઇ લીધો.

જેવો એ વહાણમાં આવ્યો અને એને દોરડાઓ છોડીને મુકત કરવામાં આવ્યો કે તુરંત જ દોડીને એક ખુણામાં બેસી ગયો અને સાવ મુંગો થઇ ગયો. રાજાએ આવું કેવી રીતે બન્યુ એ જાણવા માટે પ્રધાનની પૃછા કરી તો પ્રધાને કહ્યુ , ” મહારાજ , માણસ ત્યાં સુધી બરાડા પાડે છે અને ફરીયાદો કરે છે જ્યાં સુધી એણે પોતે અત્યારે જે સ્થિતીમાં જેવી રહ્યો છે એના કરતા ખરાબ પરિસ્થિતી નથી જોઇ. જ્યારે એ હાલની પરિસ્થિતી કરતા પણ ખરાબ પરિસ્થિતીનો અનુભવ કરે છે ત્યારે એને હાલની પરિસ્થિતી વધુ સારી લાગે છે. ”

મિત્રો , આપણે આપણી હાલની પરિસ્થિતીની અનેક ફરીયાદો કરીએ છીએ. ફરીયાદો બંધ કરીને પરિસ્થિતી બદલવાના પ્રયાસો કરીશું તો તેમાં ચોક્કસ સફળતા મેળશે...

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...