Thursday, May 25, 2017

શબ્દો ની કિંમત

જેવો સમય એવા શબ્દો

એકવખત લક્ષ્મી અને પનોતી વચ્ચે વિવાદ થયો. લક્ષ્મી કહે કે હું સારી દેખાવ છું અને પનોતી કહે કે હું સારી દેખાવ છું. છેવટે બંનેએ નક્કી કર્યુ કે કોઇ માણસને મળીને આપણે એમને જ પુછીએ કે આપણામાંથી વધુ સુંદર કોણ દેખાય છે ?

લક્ષ્મી અને પનોતી બંને પૃથ્વી પર આવ્યા. રસ્તામાં જ એક માણસ મળી ગયો. લક્ષ્મીજી એ પુછ્યુ , ” અમારા બંનેમાંથી કોણ વધુ સુંદર દેખાય છે ? ” પેલાએ તો તુરત જવાબ આપ્યો , ” લક્ષ્મીજી આપ વધુ સુંદર છો.” પનોતીને ખોટુ લાગ્યુ અને એણે પેલા માણસને લક્ષ્મી હોવા છતા એ લક્ષ્મીનું સુખ ન લેવા દીધુ.

થોડા આગળ ગયા અને એક બીજો માણસ મળ્યો એમને પણ આ જ પ્રશ્ન પુછવામાં આવ્યો. એમણે કહ્યુ , ” પનોતીજી આપ વધુ સારા લાગો છો. ” આ સાંભળીને લક્ષ્મીજીને દુખ લાગ્યુ અને એણે પેલા માણસને નિર્ધન બનાવી દીધો.

થોડા આગળ ગયા અને ત્રીજો માણસ મળ્યો. એમને પણ અગાઉ જેવો જ સવાલ પુછવામાં આવ્યો. ઉતાવળે જવાબ આપવાને બદલે એણે થોડો વિચાર કર્યો અને પછી જવાબ આપ્યો , ” આપ બંને ખુબ સુંદર લાગો છો. લક્ષ્મીજી આપ આવતા હોય ત્યારે સુંદર લાગો છો અને પનોતીજી આપ જતા હોય ત્યારે સુંદર લાગો છો. ”

જવાબ સાંભળીને બંને રાજી થયા અને બદલામાં પેલો માણસ ન્યાલ થઇ ગયો.

ક્યા સમયે શું બોલવું એ ખુબ મહત્વનું છે. સમય અને સ્થિતી જોઇને જે માણસ બોલી શકે એના પર લક્ષ્મીજીની કૃપા તો વરસે જ પણ પનોતીજી પણ એની રક્ષામાં રહે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...