Wednesday, December 26, 2018

કરાંચીથી કેમ ભાગેલા આ ગુજરાતી કવિ? તખ્તો બોલે છે...


ગયા અંકમાં આપણે જોયું કે ગુજરાતના જ એક કવિ-લેખકશ્રીએ શોર્યરસથી ભરપૂર નાટક લખ્યું જે કરાંચીમાં ભજવાયું અને લોકોમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. આઝાદીનાં લોકજુવાળ અને વિદ્રોહને વેગ આપતું એ નાટક હતું. જેના પ્રત્યેક સંવાદ લોકજીભે ચડી ગયા હતા. જેની અસર ગોરા અંગ્રેજ કલેક્ટર પર થતાં એમણે કવિની ધરપકડનો આદેશ આપ્યો અને કવિ કરાંચીમાંથી ભાગી વડોદરા સિંધીનાં પોષાકમાં પહોંચ્યા જ્યાં એક અમલદારે એમની મદદ કરી અને કરાંચીમાં અબુલ કલામ આઝાદ, જે ત્યાં વકીલાત કરી રહ્યા હતા એમને કેસ સોંપી કવિશ્રીનો આબાદ બચાવ કર્યો!! હવે આગળ....

આ નાટક હતું "સ્વામીભક્ત સામંત"!! જે વીર દુર્ગાદાસના જીવન પર આલેખાયેલું હતું. એમાં કવિશ્રીએ દેશની સ્વતંત્રતા અને બ્રિટિશરોની ગુલામીમાંથી મુક્તિની વાતને વણી લીધી હતી. ચુનીલાલ લક્ષ્મીરામ નાયકે એનું દિગ્દર્શન કર્યું હતું અને પોતે જ દુર્ગાદાસની મુખ્ય ભૂમિકામાં ઉતર્યા હતા. કવિશ્રીની શોર્યરસથી છલકાતી તેજ કલમને એમણે આંગિક, વાચિક અને આહાર્ય અભિનયથી સંપૂર્ણ ન્યાય આપ્યો અને તે નાટકથી ચુનીલાલ નાયક "દુર્ગાદાસ" તરીકે પ્રસિદ્ધિ પામ્યા!! શ્રી વિજય નૌતમ નાટક સમાજે કરાંચીમાં પારસી થિયેટરમાં તા. ૨૭.૦૧.૧૯૧૭નાં રોજ રજૂ કર્યું, સંગીત હતું ત્રિકમલાલ લક્ષ્મીરામ નાયકનું અને સન્નિવેશ મશહૂર પેઇન્ટરો ખંડુભાઈ અને હિરજીભાઈ મિસ્ત્રીએ બનાવ્યા.

આ કવિ-લેખકશ્રી હતાં, વૈરાટનગરી તરીકે ઓળખાતી ધોળકામાં જન્મેલા ગૌરીશંકર રાવળ પરંતુ વૈરાટનગરીમાં જન્મેલા હોવાથી ગૌરીશંકર "વૈરાટી" કહેવાયા!! પિતાજીનું નામ આશારામ અને માતાજી રેવાબહેન!! સ્વામીભક્ત સામંત લખ્યું ત્યારે કુટુંબની પરિસ્થિતિ સાવ સાધારણ હતી. માતાની ગોદ તો તેમણે નાનપણમાં જ ગુમાવી હતી અને પિતાજી પણ વૃદ્ધ થઈ ચૂક્યા હતા. એમના પત્ની સવિતાબહેન, જેઓ કવિશ્રી કરતા ૧૪ વર્ષ નાના હતા!! (જન્મ ૦૫.૧૦.૧૯૦૩) કવિશ્રી કુટુંબના નિભાવકાજે શાળામાં શિક્ષકની નોકરી કરતા હતા અને જોડે જોડે નાટ્યલેખન અને નૃત્યનાટિકાઓમાં પ્રવૃત્ત થયાં હતાં. સ્વામીભક્ત સામંત બાદ કવિકુલગુરુશ્રી કાલિદાસનું નાટક માલવિકા અગ્નિમિત્ર એમણે ગુજરાતીમાં લખ્યું. આ નાટકોની સફળતાથી કવિશ્રીને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે કુટુંબ-નિર્વાહનો ભાર તેઓ પોતે ઉપાડી શકશે અને પિતાશ્રી નિવૃત જીવન ગાળી શકશે.

કવિ વૈરાટીએ લગભગ ૧૧૭ નાટકો, ૭ ચલચિત્રની કથા-પટકથા અને ૨૦૦૦ ગીતો લખ્યા છે!! (સંદર્ભ: સ્મૃતિગંથ, રમણલાલ પટેલ) છે ને અધધધ....?? આ બહોળું સાહિત્યસર્જન સૂચવે છે કે એ સમયે રંગભૂમિ કેટલી સક્રિય હશે!!

અંગ્રેજોની વાત નીકળતાં જ એમનું ત્રીજું લોચન ખુલતું! કેમકે અંગ્રેજો તેમને ય ગોરા કહીને બોલાવતા!! (ગૌરીશંકરનું ગોરા!)

તે કહેતા, મહેરબાની કરીને મને ગોરા ન કહેશો, ગોરાઓએ તો દેશને ગુલામ બનાવ્યો છે!! તેમનું અન્ય એક વીર પૂજન નાટક ખૂબ ચાલ્યું, એ નાટકના સંવાદો, ગીતો મશહૂર થયાં. ખુદ રસકવિ શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ એ નાટકને જોવા આવ્યા અને બોલ્યા,

"આ નાટક તો શબ્દશ: પ્રેક્ષકોએ કંઠસ્થ કર્યું છે!!"

ખુદ કવિશ્રી પોતે પણ એકવાર પ્રેક્ષકો સાથે નાટકના એક ગીત "આ બાલ્યવયમાં કોઈના માતા-પિતા મરશો નહીં!" જોતાં, આંખમાંથી શ્રાવણીયો વરસતા રોકી શક્યા નહોતા!! સતત નવ મહિના સુધી આ નાટક ચાલ્યું, જેની પ્રથમ હરોળની ટિકિટના એ સમયે ૧૦૦ રૂપિયા દર બોલાયા!!

ભગવાન શ્રી રામના પુત્ર લવકુમારની ૬૩મી પેઢીએ નકસેન રાજા થયો, એણે ગુજરાતમાં વડનગરમાં વસાવ્યું. તેની ચોથી પેઢીએ વલ્લભસેન જન્મ્યો જે વલ્લભી વંશનો મૂળ પુરુષ "પરમ ભટ્ટારક" કહેવાયો. એના વંશનો છેલ્લો તે શિલાદિત્ય અને એ જ વલ્લભીપતિ તરીકે ઓળખાયો!! આ "વલ્લભીપતિ" નાટક પણ પ્રસિદ્ધ રહ્યું!

૧૯૨૭ના ગુજરાત મહાપુર પર લખાયેલું "જલપ્રલય" નાટક જોવા સરદાર વલ્લભભાઈ પટેલ અને ભુલાભાઈ દેસાઈ આવેલા. જેમાં પ્રસંગોનુરુપ મંચ જોઈ સરદારે કવિશ્રીની પીઠ થાબડી અભિનંદન આપ્યા. કવિએ કહ્યું, "મને આપના કોંગ્રેસ મંડળમાં જોડી દો."

વંદન કરતા કવિના હાથ સરદારે પકડી લીધા, અને એમને ઉઠાડીને મક્કમ અવાજે બોલ્યા,
"તું જ્યાં છે ત્યાં જ તું ઉપયોગી છે. એમાંય તું બહેરો! ( કવિશ્રીને સાંભળવાની થોડી તકલીફ હતી) ઉગમણી કોર બૂમ પડે અને આથમણી કોર તું ભાગે અને પોલીસની ગોળી તને જ સૌથી પહેલી વાગે!! તું આ જે કરે છે ઉત્તમ રાષ્ટ્રસેવા જ છે! અને તારા સમો રાષ્ટ્રસેવક મારે ગુમાવવો નથી! સેવકો તો લાખો મળે પણ અણીના સમયે મદદગાર થઈ શકે એવા તારા જેવા જવલ્લે જ મળે! તું કરે છે તે જ કરતો રહેજે!"


૧૯૨૭-૧૯૪૦નો સમય એવો હતો એક સાથે ૫-૭ નાટ્યસંસ્થાઓના તખ્તા પર એક જ "વૈરાટી"નું નામ ગાજતું હતું! પુરાણકથાઓ, ૩૮ ઐતિહાસિક ઘટનાઓ, ૨૪ સામાજિક કથાઓ પર એમના નાટકો લખાયેલા છે! ત્યારબાદ ધીમે ધીમે પ્રવાહ ઓસરતો ગયો જેનું મુખ્ય કારણ ચલચિત્ર જગતનું આગમન ગણી શકાય! જેના લીધે, ફિલ્મની કથા અને પટકથા લખવાની માંગણીઓ પણ થવા લાગી. રણજિત ફિલ્મ કંપનીને શરૂઆતમાં 'દેહના દાન' અને 'સોરઠી બહારવટિયા' કથાઓ લખી પણ આપી! એમની ૫૦ વર્ષની રંગભૂમિની સફર વિશે એમના જ શિષ્ય જીતેન્દ્ર જ. ઠાકરે લખવું શરૂ કર્યું. આ માહિતી સંશોધકો માટે ઘણી જ ઉપયોગી છે.

અને છેલ્લે એક ખાસ પ્રસંગ:

કવિશ્રીના ૮૦માં જન્મદિવસ નિમિત્તે સન્માન સમારંભ યોજાયો. ૨૦.૧૦.૧૯૬૯ના રોજ સન્માન થયું અને સન્માન ગ્રંથ પણ પ્રગટ થયો! જેમાં તેમની એક કૃતિ "નારી કે નારાયણી?" મયુર ક્લામંચે રજુ કરી. આ નાટકની કથાનું બીજ ક્યાંથી આવ્યું તે ઘણું જ રસપ્રદ છે!

વીર પૂજન નાટક રજૂ થયું એ સમયની વાત છે. એક દિવસ બાબુલનાથના યોગેશ્વરની મુલાકાત લઇ કવિશ્રી અને ચુનીલાલ પાછા ફરતા હતા. ચુનીલાલ ટેક્સી કરી. 

કવિશ્રીએ પૂછ્યું, "ક્યાં જવું છે?"
"યાદ કરો કવિરાજ, તમારું નાટક આતમ જલે-નો એક અંક સાંભળતા જ એક શેઠે એડવાન્સમાં તમને ૭૦૦ રૂપિયા આપી દીધા હતા, એ તમારા સંગદિલ મિત્ર આજે કેન્સરના રોગથી પીડાય છે. આપણે ત્યાં જ જવાનું છે! આશા છે કે આપની મુલાકાતથી એમનું દુઃખ હળવું થાય!"


"અરે, હું એવો તો કંઈ માટીનો માનવી છું કે મને મળીને એમનો રોગ ઓછો થઈ જાય?", કવિ બોલ્યા.

ટેક્સી શેઠને બંગલે આવીને ઉભી રહી. તરત જ ઝડપથી પગથિયાં ચડતાં દીવાનખંડમાં પહોંચ્યા તો હેરત પમાડે એવું એક દૃશ્ય જોયું! દીવાનખંડની પાસેના જ એક ઓરડામાં શેઠને ભોંય પર કશું જ પાથર્યા વગર સુવડાવવામાં આવ્યા હતા, અને એક ચાદર ઓઢાડવામાં આવી હતી. 

બંનેને જોઈ શેઠ તરત બોલ્યા,
"અરે, ચુનીલાલ તમે?"

"હું એકલો નથી, મારી સાથે કવિરાજ પણ છે!"

"ક્યાં છે? ક્યાં છે એ દેવપુરુષ?" બોલતાં શેઠ બેઠા થવા ગયા પરંતુ નાદુરસ્ત તબિયતે એમને બેઠા થવા ન દીધા! ચુનીલાલે ઘરના નોકરને બોલાવ્યો.


"માધિયા! પલંગને બદલે શેઠને આ નીચે પથ્થર પર શા માટે પટક્યા છે?"

"શેઠ મરવાની તૈયારીમાં છે. પલંગમાં જીવ જાય તો અવગતિ થાય માટે શેઠાણીના હુકમથી જ અહીં સુવડાવ્યા છે."

આ સાંભળતા કવિથી ન રહેવાયું, "એટલે શેઠને વહેલા સ્વર્ગે વળાવવાની શેઠાણીની આ તરકીબ છે? ચુનીલાલ,આ જ બંગલામાં હું આવતો ત્યારે શેઠાણીના મુખેથી ગીતના શ્લોકો સાંભળતો અને નારી નહીં પણ નારાયણી કહીને બિરદાવતો! આજે એ જ નારી મને હળાહળ ભરેલી નાગણી લાગે છે!"

આ પ્રસંગે કવિશ્રીના મનમાં મંથન જગાવ્યું "માણસ બીમાર-અપંગ બને છે ત્યારે એના જીવનમાં કરુણતાની કેવી ઘેરી છાયા ફરી વળે છે!"

અને આ કથાબીજમાંથી નાટક લખાયું તે "નારી કે નારાયણી!" (સંદર્ભ: °તખ્તો બોલે છે" - ભાગ ૨)


આવી જ રોજિંદી ઘટનાઓ અને અનુભવોમાંથી પ્રત્યેક કવિ અને લેખક હૃદયને એમની સર્જનાત્મક પ્રતિભા વિકસાવવા માટે ઈંસ્પીરેશન મળતું હોય છે.
જીવનના અંતિમ તબક્કામાં તેઓ પોતે પણ લકવાના ભોગ બન્યા અને તા.૧૪.૦૧.૧૯૭૨નાં રોજ આ વયોવૃદ્ધ કવિ નાટ્યકારે હંમેશ માટે આંખો મીંચી દીધી!! તો, આ ઉત્તરાયણ પર એક લબ્ધપ્રતિષ્ઠ, ભુલાઈ ગયેલી પ્રતિભા સ્વ. ગૌરીશંકર રાવળ / વૈરાટીને સાદર પ્રણામ!!

-- ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...