Thursday, December 13, 2018

મહાભારતમાં દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ ખરેખર બન્યો હતો?


મહાભારતની કૌરવ પાંડવની દ્યૂતક્રીડા અને પરિણામ સ્વરૂપ થયેલ દ્રૌપદી વસ્ત્રાહરણની કથા અતિ ખ્યાત છે. તે કેટલાક પ્રશ્નો પણ ઉભા કરે છે. આની પ્રથમ પૂર્વભૂમિકા તપાસીએ: 

કૌરવ મહારાજ ધૃતરાષ્ટ્રના સર્વ પુત્રોમાં જ્યેષ્ઠ યુવરાજ દુર્યોધન હસ્તિનાપુરનો ઉત્તરાધિકારી હોવા છતાં તેને પાંડવોના ઇન્દ્રપ્રસ્થ રાજ્યની સમૃદ્ધિ જોઈ ઈર્ષા-અદેખાઈ થઇ ને તે મનોમન દુઃખી થયો. તેણે તે પડાવી લેવાના ઈરાદાથી ધૃતરાષ્ટ્ર પાસેથી દ્યુત રમવાની મંજૂરી મેળવી. પાંડવોને આનું આમંત્રણ મોકલતા પાંડવો પણ તેનો સ્વીકાર કરી નિશ્ચિત સમયે દ્યૂત રમવા હસ્તિનાપુર આવ્યા. હસ્તિનાપુરની રાજધાનીમાં ધૃતરાષ્ટના દરબારમાં કૌરવ મહાનુભાવો - મહારથીઓની હાજરીમાં રમાયેલ આ દ્યૂતક્રીડામાં પાંડવો ક્રમશઃ બધું જ હારી જતા અંતે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી. (સભાપર્વ: શ્લોક 58.32 થી 37). આ કારણે સભામાં હાહાકાર મચી ગયેલો અને જોતજોતામાં શકુનિએ દ્રૌપદી જીતી લીધાની જાહેરાત પણ કરી દીધી. (સભાપર્વ: 58.9 થી 43)

આની સાથે જ દુર્યોધને વિદુરને દ્રૌપદીને લઇ આવવાની આજ્ઞા કરી, પરંતુ તેમણે સાફ શબ્દોમાં ઇન્કાર કરતા સ્પષ્ટ કહ્યું: "કૃષ્ણા (દ્રૌપદી) દાસીપણું પામી શકે નહિ, કારણ કે પોતાનું સ્વામીપદ ગુમાવ્યા પછી, સ્વતંત્રતા હોય પછી એને યુધિષ્ઠિરે પણમાં મૂકી હતી!" (સભાપર્વ: 59.1 થી 12) આથી દુર્યોધને તેનો તિરસ્કાર કરી પ્રતિકામી નામના સૂતને દ્રૌપદીને સભામાં લઇ આવવા આજ્ઞા કરી. તે ગયો તો ખરો પણ દ્રૌપદીની પ્રતિભાથી અંજાઈ કઈ કહ્યા વિના જ પાછો ફરતા અંતતઃ દુર્યોધને દુઃશાસનને દ્રૌપદીને પકડી લાવવા આજ્ઞા કરી. તેને ત્યાં જઈને દ્રૌપદીને ગુસ્સાથી આદેશ આપતા કહ્યું, "તું ધર્મપૂર્વક અમને મળી છે માટે કૌરવોની સેવા કરવા ચાલ." 

આથી દ્રૌપદી ઉઠી રાજમાતા ગાંધારીને શરણે જવા દોડી, તો દુઃશાસને એકવસ્ત્રા દ્રૌપદીને કેશપાશથી પકડી, વાયુ જેમ કદલી(કેળવૃક્ષ)ને ખેંચી જાય એમ સભા તરફ ઢસડવા લાગ્યો, ત્યારે દ્રૌપદીએ "હું રજઃસ્વલા છું, મેં એક જ વસ્ત્ર પહેર્યું છે, અનાર્ય! મને સભામાં આ રીતે ખેંચી જવી જોઈએ નહિ!" એમ ઘસડાતા ઘસડાતા કહ્યું, (સભાપર્વ: 60.25) આમ છતાં દુઃશાસન તેને એ જ સ્થિતિમાં ઢસડીને કૌરવસભામાં લાવ્યો!

આ પછીની કથા પ્રસિદ્ધ છે. આ સમયે દ્રૌપદીએ  ન્યાયયુક્ત દલીલો કરી. પોતે પાંચ પાંડવોની પત્ની હોઈ એકલા યુધિષ્ઠિર તેને હોડમાં મૂકી શકે નહિ, તેમ જ જે હારી ગયા છે તે પછી તેને હોડમાં મૂકી શકે નહિ વિગેરે વિગેરે, પણ કૌરવસભામાંથી કોઈ તેની તરફેણમાં આવ્યું નહિ. ભીષ્મ જેવા મહારથી પણ નીચું મોં કરી મૌન સેવી રહ્યા. ત્યારે એકમાત્ર કૌરવ વિકર્ણએ જ દ્રૌપદી વતી ન્યાયસંગત દલીલો કરી તેનું સમર્થન કર્યું. પરંતુ તેનું અપમાન કરી કર્ણએ તેને બેસાડી દઈ દુઃશાસનને પાંડવોના અને દ્રૌપદીના વસ્ત્રો ઉતારી એવા કહેતા પાંડવોએ તેમના ઉત્તરીય ત્યાં સભામાં ઉતારી નાખ્યા. દ્રૌપદીના વસ્ત્રને દુઃશાસન ભરસભામાં બળજબરીથી ખેંચવા લાગ્યો, પરંતુ એક નીચે બીજું એમ એ જ રંગના વસ્ત્રોના જાણે ચમત્કારિક પ્રાદુર્ભાવ થયો! આ સમયે ભીમસેને દુઃશાસનની છાતી ચીરીને લોહી પીવાની ભયંકર પ્રતિજ્ઞા લીધી. કૌરવ સ્ત્રીઓ પણ આક્રંદ કરવા લાગી. સભાજનો પણ કૌરવો પર ફિટકાર વરસવા લાગ્યા. છેવટે જયારે સભામધ્યે વસ્ત્રોનો ખડકલો થયો ત્યારે દુઃશાસન થાકીને અને ભોંઠો પડીને  બેસી ગયો. (સભાપર્વ: 61.42 થી 48) આ સમયે દ્રૌપદી શ્રીકૃષ્ણ સાથેનું સખ્ય સતત સંભારતી રહી.

સમગ્ર ભારતમાં વિવિધ ભાષાઓમાં મળતા મહાભારતમાં દ્રૌપદી વસ્ત્રાહરણની આ કથા વિસ્તારથી વર્ણવાયેલ છે. પરંતુ ભાંડારકર પ્રાચ્યવિદ્યા અનુસંધાન કેન્દ્ર, પૂના દ્વારા પ્રકાશિત મહાભારતની સમીક્ષિત વચન (ક્રિટિકલ એડિશન)માં આ પ્રસંગને ક્ષેપક (એટલેકે, મૂળ નહિ પણ પાછળથી ઉમેરાયેલો) માનવામાં આવેલ છે.  આ એડિશન એ 50થી ઉપરાંત વર્ષ સુધી નામાંકિત ઇતિહાસ અને પુરાતત્વવિદોએ મહાભારતની લગભગ તમામ હસ્તપ્રતો અને ઉપલબ્ધ સાહિત્યનો અભ્યાસ કર્યા બાદનો સર્વસ્વીકૃત સંદર્ભ ગ્રંથ છે. આમ, આ પ્રસંગ પાછળથી ઉમેરાયેલો હોવાની સત્યાસત્યતાના પ્રમાણ મહાભારતમાં પણ મળે છે. આમાંના થોડા તપાસીએ:

⇒કૌરવોની સભામાં વસ્ત્રો ખેંચવા લાગ્યા ત્યારે દ્રૌપદીએ શ્રીકૃષ્ણને આર્તસ્વરે પોકાર કરવા માંડેલ. આ સમયે શ્રીકૃષ્ણ દ્વારકામાં હતા. ત્યાં દ્રૌપદીનો મદદનો પોકાર કાને પડતા જ તેમણે શીઘ્ર દોડી જઈ, દ્રૌપદીની સમક્ષ પોતાની યોગશક્તિથી પ્રગટ થઇ, તેને વસ્ત્રો પૂર્યા. પરંતુ મહાભારતના વનપર્વ (અ 13-14)માં આ પ્રસંગ વિષે શ્રીકૃષ્ણ પોતે કહે છે, "તે દ્યૂત પ્રસંગે હું શલ્ય રાજાનો વધ કરવા તેના આનર્તદેશમાં આવેલ સૌભનગરીમાં ગયેલ. આથી જ તો મને આ અંગે (દ્યૂત વિષે, દ્રૌપદીને થયેલી સતામણી વિષે વગેરે અંગે) કંઈ જાણ ના હતી. હું જયારે દ્વારિકા પાછો આવ્યો ત્યારે સાત્યકિએ આ બધી માહિતી, સમાચાર આપતા હું તમને મળવા શીઘ્ર આવ્યો છું." આમ, શ્રીકૃષ્ણે સ્વમુખે કહેલી આ વાત એ વાતને સ્પષ્ટ કરે છે કે તેઓ દ્રૌપદી પાસે યોગશક્તિથી જ પ્રગટ થયા હતા! આમ, તેમણે દ્રૌપદીને વસ્ત્ર પૂર્યા ન હતાં!

⇒મહાભારતના વનપર્વમાં (અ. 12) દ્રૌપદીએ જયારે શ્રીકૃષ્ણને બનેલી બધી જ ઘટના કહી સંભળાવી ત્યારે પણ તેણે "વસ્ત્રાહરણ"ની ઘટનાનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. દ્રૌપદીએ કૃષ્ણને એટલું જ કહેલ કે "હું રજઃસ્વલા હોવાથી એકવસ્ત્રા હતી ત્યારે દુઃશાસન મને ભરી સભામાં ખેંચી ગયો હતો."

⇒કર્ણપર્વ (અ. 91)માં જયારે શ્રીકૃષ્ણ કર્ણને તેણે ઉઠાવેલ પ્રશ્નનો જવાબ દેતા કહે છે, "હે કર્ણ! ભરસભામાં દ્રૌપદીને ખેંચી લાવી તેને ન કહેવાના વચનો કહેવાય રહયા હતા ત્યારે તારો ધર્મ ક્યાં ગયો હતો?" આમ કૃષ્ણ પણ, દ્રૌપદી વસ્ત્રાહરણનો ઉલ્લેખ નથી કરતા.

⇒વનપર્વ (અ. 49)માં ધૃતરાષ્ટ્ર-સંજય કૌરવો વિષે વિચારી રહ્યા હતા ત્યારે સંજય કહે છે, "સભામાં દ્રૌપદીને ખેંચી લાવવામાં આવી: દુર્યોધને દ્રૌપદીને પોતાનો ખુલ્લો સાથળ બતાવ્યો". વિગેરે વિગેરે. અહીં પણ સંજય દ્રૌપદીના વસ્ત્રાહરણ અંગે કઈં કહેતા નથી.

⇒શલ્યપર્વ (અ. 61) અનુસાર મહાભારતના અંતિમ સમયે જયારે દુર્યોધનનો ઊરૂભંગ ભીમ કરે છે ત્યારે શ્રી કૃષ્ણ એને પૂછે છે,"ભરસભામાં દ્રૌપદીને ખેંચી લાવી હતી ને?" અહીં પણ તેઓ વસ્ત્રાહરણનો ઉલ્લેખ કરતા નથી.

⇒શાંતિપર્વ (અ.16) અને દ્રોણપર્વ (અ.197)માં ભીમ તેમ જ ધૃષ્ટદ્યુમ્ન સભાની ઘટના વિષે બોલતા વસ્ત્રાહરણનો ઉલ્લેખ કરતા નથી. આજ રીતે શલ્યપર્વ (અ.31)માં તો ધર્મરાજ એટલું જ બોલે છે, "દ્રૌપદીને ભરસભામાં ખેંચી લવાઈ  હતી." એમાં પણ વસ્ત્રાહરણનો ઉલ્લેખ નથી.

⇒વિરાટપર્વ (અ. 18)માં જયારે વિરાટરાજાને ત્યાં પાંડવો અજ્ઞાતવાસ ગાળતા હતા ત્યારે એક દિવસ વિરાટનો સાળો કીચક દ્રૌપદી પાર્ટીએ કામાંધ બની તેને સભામાં લઈ ગયેલ. રાત્રે દ્રૌપદી ભીમને પાઠશાળામાં ગુપ્ત રીતે મળી તેને સ્મરણ કરાવે છે કે "દુઃશાસન મને ભરસભામાં ખેંચી ગયો તે પ્રસંગ મારુ અંતઃકરણ બાળતો રહે છે." અહીં પણ તે તેના વસ્ત્રાહરણનો ઉલ્લેખ કરતા કઈ કહેતી નથી. તો વિરાટપર્વ (અ. 50)માં અશ્વત્થામા ફક્ત એટલું જ કહે છે કે,"દ્રૌપદીને સભામાં લવાઈ હતી."

⇒ઉદ્યોગપર્વ (અ.82) અનુસાર જયારે શ્રીકૃષ્ણ પાંડવોના દૂત થઇ હસ્તિનાપુર જવા નીકળે છે ત્યારે દ્રૌપદી તેના લાંબા કાળા કેશ ડાબા હાથે પકડી આંસુ વહાવતા કહે છે, "હે કૃષ્ણ! દુષ્ટ દુઃશાસને મારા આ વાળ પકડીને મને ખેચી હતી. આથી તેના એ હાથ કપાઈને  જમીન પર પડી ધૂળમાં રગદોળાયેલા હું ન જોઉં ત્યાં સુધી મને શાંતિ મળશે નહિ!" 

⇒ઉદ્યોગપર્વ (અ 90) અનુસાર કુંતી કૃષ્ણને કહે છે, "તે નીચ દુઃશાસને મારી રજઃસ્વલા અને એકવસ્ત્રા દ્રૌપદીને ખેંચીને સભામાં સસરા સમક્ષ ઉભી કરી દીધી. એકવસ્ત્રા દ્રૌપદીને સૌ કૌરવો એકીટશે જોતા રહ્યા,આ કરતા અધિક દુઃખ મને પહેલા ક્યારેય થયું ના હતું." આ જ રીતે આ પર્વમાં અન્યત્ર (અ.95) શ્રી કૃષ્ણ પાંડવોના દૂત બની હસ્તિનાપુર ગયા ત્યારે તે સભામાં ધૃતરાષ્ટ્રને કહે છે, "દ્રૌપદીને ભરસભામાં તારા પુત્રો ખેંચી લાવ્યા અને તારા બીજા પુત્રોએ તેનો ઉપહાસ કર્યો."

⇒તો આ જ પર્વમાં (અ. 160) દુર્યોધન શકુનિપુત્ર ઉલુક દ્વારા પાંડવોને જે સંદેશ મોકલે છે તેમાં તે લખે-કહે છે, "હે અર્જુન, જો તું તારી જાતને મર્દ માનતો હોય તો જયારે તારી સ્ત્રી (દ્રૌપદી)ને ભરસભામાં ખેંચી લવાયેલ ત્યારે તારે તારી મર્દાનગી બતાવવી હતી ને! તારી સ્ત્રીનો અમે કરેલ ઉપહાસ ધ્યાનમાં લઇ તેનું વેર વાળવાનો અવસર હવે આવવા દે!" આ જ પર્વમાં (અ. 169)માં ભીષ્મ પિતામહ કૌરવોને કહે છે, "તમે લોકોએ ભરસભામાં દ્રૌપદીના કરેલ હાલ તેમ જ એ પ્રસંગે કરેલા કઠોર શબ્દપ્રયોગો પાંડવોના હૃદયમાંથી હજુ ગયા નથી જ." આ બધામાં ક્યાંય પણ વસ્ત્રાહરણનો ઉલ્લેખ નથી.

⇒હા, એ વાત ખરી છે કે દુઃશાસન જયારે દ્રૌપદીએ પહેરેલ એક વસ્ત્ર ખેંચવા ગયેલ ત્યારે લાચાર, નિઃસહાય દ્રૌપદીએ "હે ગોવિંદ! મારી લાજ રાખ" એવું અવશ્ય કહેલ. (ઉદ્યોગપર્વ, અ. 82)

આમ, મહાભારતના જ ઉપરોક્ત પ્રમાણોથી સ્પષ્ટ થાય છે કે દ્રૌપદી વસ્ત્રાહરણનો પ્રસંગ બન્યો ન હતો. અહીં એ પણ નોંધવું જરૂરી છે કે ભગવાનને શેરડી છોલતાં છરી વાગી ત્યારે દ્રૌપદીએ તેનું ચીર ફાડીને પાટો બાંધેલ। તે પાટામાં 999 તાર હોઈ તદનુસાર 999 ચીર પૂર્યા વગેરે ઘટના-કથાઓ ભક્તિમાર્ગની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ ભક્તની વ્હારે ચડે છે એ દર્શાવવા જુદેજુદે રૂપે મહાભારતમાં અલગ અલગ સ્વરૂપોમાં કે અનુવાદોમાં ઉમેરી દેવાઈ છે.....!!

સંકલન: ડો કાર્તિક શાહ (ઉપર્યુક્ત પ્રત્યેક કથનનાં સંદર્ભો ઉપલબ્ધ છે.)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...