Thursday, December 20, 2018

કરાંચીથી ભાગેલા ગુજરાતી કવિ!!


આઝાદીની હાકલ પડી ચુકી હતી. દક્ષિણ આફ્રિકામાં ગોરાઓ સામે સત્યાગ્રહની સફળ લડત કરી ગાંધીજી સ્વદેશે પરત ફર્યા હતા અને ભારતવાસીઓને એ મુક્તિમંત્ર સંભળાવ્યો હતો. એ મંત્રના શબ્દો એક લેખક-કવિને કાને પડે છે. અને એ એક નાટક લખે છે! ઇ.સ. ૧૯૧૫ની આ વાત છે. શ્રી વિજય નૌતમ નાટક સમાજ આ નાટકને ભજવે છે. કરાંચીમાં આ નાટક જોઈ જનતામાં દેશપ્રેમનો જુવાળ ઉઠે છે. નાટકના જુસ્સાભર્યા સંવાદો કરાંચીની ગલીએ ગલીએ લોકો બોલવા માંડે છે. અને એ સમાચાર ગોરા મેજિસ્ટ્રેટ રિચર્ડસનને મળે છે. નાટક બંધ કરાવવાનું વોરંટ નીકળે છે અને એટલું જ નહીં એ લેખક-કવિને કરાંચીથી તાત્કાલિક ભાગવું પડે છે!! લાગે છે ને, એક રોમાંચક ફિલ્મની સ્ટોરી!! આ રિયલ લાઇફનો પ્રસંગ છે, અને આવા જ બીજા ફિલ્મી પ્રસંગો જાણે આ કવિના જીવનમાં ઘટનાઓ રૂપે હકીકત પામ્યા છે!!

આ લેખક-કવિનો જન્મ સંવત ૧૯૪૪ આસો વદ બારસ એટલેકે ૧૪ ઓગષ્ટ, ૧૮૮૯ના રોજ ધોળકામાં થયો હતો! જ્ઞાતિએ તપોધન બ્રાહ્મણ હતા. ઘરમાં દારુણ ગરીબાઈ હતી, એટલે આ બાળક ધોળકાના ધોળેશ્વર મંદિરના ઓટલે પડી રહે. એથી લોકો એને ગાંડો ગણે. તેમ છતાં અક્ષરજ્ઞાન તો મેળવવું જ જોઈએ એ હેતુથી પિતાજીએ એને શાળામાં મુક્યો. પણ કોઈ ચોપડી એ રાખેય નહીં અને વાંચેય નહીં. શાળામાં શિક્ષક ભણાવે એ બધુ જ એને યાદ રહી જાય. ઘરે આવીને સ્લેટ પણ ખીટીએ ટીંગાડી દેવાની!! અને આમ છતાં, વરનાક્યુલરની છેવટની પરીક્ષામાં પ્રથમ નંબરે ભાઈ પાસ થયાં!!

એક વિદ્વાન સાધુના સંપર્કમાં આવ્યા પછી જ્ઞાનપિપાસા વધી અને એથી જ તીર્થોમાં પ્રવાસ વધ્યા. ભારતના અલગ અલગ પ્રાંતોમાં લાંબા પ્રવાસ થયાં...જેના પરિણામે તેઓ ગુજરાતીનો મહાવરો છૂટી ગયો અને બધા જોડે હિન્દીમાં જ વાતો કરવા લાગ્યા!! એમના પિતાજીને આ વાત ના ગમી. અને એક દિવસ કહ્યું,

"દીકરા, જ્ઞાનની વાત તો બરાબર. પણ ગુજરાતી એ આપણી માતૃભાષા કહેવાય, અને તું એ જ ભૂલી જાય એ કેમ પાલવે?"

આમ કહી, અનેક ગુજરાતી પુસ્તકો એને આપ્યા. અને ધીરે ધીરે વાંચન, મનનથી ગુજરાતી પર પ્રભુત્વ મેળવી હવે એ લેખક-કવિએ ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં કવિતાઓ લખવા માંડી!!

પણ અત્યારના કવિઓ માટે પણ જે સત્ય છે એ કે માત્ર કવિતાઓ કરવાથી ઘર ના ચાલે!! એક દિવસ, કોઈ સ્ટંટ ફિલ્મની વાર્તાની જેમ એક શ્રીમંતનો ઘોડો તોફાને ચડ્યો છે અને નાયક એને કાબૂમાં લાવે છે, બરાબર એ જ રીતે એક શ્રીમંતના ભાગી ગયેલા ઘોડાને વશમાં કરી આ કવિએ એ ઘોડો શ્રીમંતને સુપરત કર્યો. અને એ જ શ્રીમંતે પછી એને આબકારી ખાતામાં ઇન્સ્પેક્ટરની નોકરી અપાવી. પણ ત્યાં ભ્રષ્ટાચાર જોઈ મન માન્યું નહીં, પછી રેવેન્યુ ખાતામાં, સિવિલ કોર્ટમાં કારકુન, એક શિક્ષક વિગેરે નોકરીઓ કરી! પણ બધે આ જ અનીતિ અને ભ્રષ્ટાચાર જોઈ નોકરી કરવાનું જ માંડી વાળ્યું!!

ભાગ્યયોગે અમદાવાદના એક પુસ્તક વિક્રેતાના સંપર્કમાં આવ્યા જેમણે વાંચનમાળાની સમજૂતિ લખવા આપી. અને જીવનનિર્વાહ આગળ વધ્યો. હીરા, મોતી અને ઝવેરાતના એક દલાલ અતુલચંદ્ર પાસેથી બંગાળી પણ શીખી. અને એક બંગાળી નાટક "ઉલ્લુપી"નો ગુજરાતીમાં "ગંગાશાપ"નાં નામે અનુવાદ કર્યો!! આ એમની પ્રથમ નાટ્યકૃતિ!! પછી બીજા અનુવાદો પણ કર્યા. ધીમેં ધીમે કલમ વધુ નિખરતી ગઈ અને હવે એક સ્વતંત્ર નાટક "કનક કેસરી"ના નામે લખ્યું. અને શ્રી વિજય નૌતમ નાટક સમાજ નાટક સંસ્થા એ વખતે અમદાવાદ આવી હતી. જેના માલિક વિઠ્ઠલદાસ હેમજી જોડે પરિચય થયો. આ નાટક વાંચી તેઓએ પ્રભાવિત થઈ આ યુવાનને સંસ્થાના કવિપદે નિયુક્ત કર્યા!!

અને હવે આ સંસ્થાના માલિકે નવું એક શોર્યરસથી ભરપૂર બીજું નાટક માંગ્યું. જે આપણે ઉપર વાત કરી એ! કરાંચીમાં ધમાલ મચી ગઇ એ નાટક થી!! કરાંચીના મેજિસ્ટ્રેટ રિચર્ડસનને લાગ્યું કે આ નાટકથી લોકોમાં વિદ્રોહનો જુવાળ ઉઠશે એટલે કવિના નામનું ધરપકડનું વોરંટ નીકળ્યું!! સંસ્થાના માલિક વિઠ્ઠલદાસને આ વાતની જાણ થઈ એટલે પોલીસ કવિને પકડે એ પહેલાં જ પહેરેલ કપડે એ કવિને કરાંચી છોડવા કહ્યું!! નગરપતિએ એ કવિને સ્ટેશને વળાવવા આવ્યા એટલું જ નહીં પણ સાથે સિંધી પોશાક પણ લાવ્યા અને એ પહેરીને છટકી જવા કહ્યું કે જેથી એ કવિને કોઈ ઓળખે નહીં!

અને સિંધી પોશાકમાં એ કવિ વડોદરા ઉતર્યા! એમણે સાંભળ્યું હતું કે વડોદરાના મહારાજા સયાજીરાવ કળાપોષક છે. વડોદરામાં પાછું એમને કોઈ ઓળખે પણ નહીં. અને ઉપરથી સિંધી પોશાક! વડોદરામાં ચાલતા ચાલતા કવિ વિશ્વામિત્રી નદીના પુલ પરથી પસાર થતા હતા કે બે ગુંડાઓ એમની પર તૂટી પડ્યા. એમને એમ કે આ સિંધી પાસે પૈસા હશે!!

ફરી પાછું ફિલ્મના કોઈ સીનની જેમ આ કવિએ બરોબર સામનો કર્યો. જુવાન અને ખડતલ હતા એથી એક ગુંડાની છાતી પર જ ચડી ગયા...!! મારામારી ચાલુ જ હતી કે એક મોટરકાર પુલ પરથી પસાર થઈ. ડ્રાયવરને કાર ઉભી રાખવાનું કહેવામાં આવ્યું. એક વ્યક્તિ કારમાંથી નીચે ઉતરી. આ જોઈ રહેલા કવિની નજર ચૂકવી પેલો ગુંડો ભાગી ગયો!

"કયા શબ્દોમાં આપનો આભાર માનું?", કવિએ એ પેલા ગોરા વાન અને તેજસ્વી મુખમુદ્રા ધરાવતી વ્યક્તિને કહ્યું!

"તમે તો શુદ્ધ ગુજરાતી બોલો છો!!", આશ્ચર્ય સાથે પેલા ગાડીવાળા ભાઈએ કહ્યું.

"હું ગુજરાતી જ છું! મારુ મૂળ વતન ધોળકા છે અને તપોધન બ્રાહ્મણ છું."

"તો આ સિંધી પોશાક?"

"સંજોગોવશ પહેરવો પડ્યો!", એમ કહી કરાંચીની આખી વાત કવિએ કહી.

"કવિશ્રીને રાજના અતિથિગૃહમાં ઉતારો આપો. અને કોઈ તકલીફ ન પડે એનું ધ્યાન રાખજો. અને કવિરાજ લો આ 100 રૂપિયા. બીજા કપડાં સીવડાવી લેજો. મનુષ્ય કદાચ પરદેશ પર્યટન માટે પણ જાય તો ય પોતાનો પોશાક એણે બદલવો ના જોઈએ, એ યાદ રાખજો!!"

કવિ ખુશ થયા અને બદલામાં પેલા નાટકની મૂળ પ્રત એ અમલદારને આપી. એ અમલદાર હતા, વડોદરાના રાજદીવાન સર મનુભાઈ નંદશંકર મહેતા!!

બે દિવસ પછી મનુભાઈએ કવિને નાટક માટે અભિનંદન આપ્યા અને કહ્યું, "તમારી લેખનશૈલી નિરાળી છે, એમાં લોર્ડ મીંટોની શૈલીની છાંટ જોવા મળે છે. આ જ શૈલીમાં લખતા રહેજો!!"

અને પછી કરાંચીમાં જે કેસ થયો છે એની પતાવટ કરવાની મદદ કરવા પણ કહ્યું. કરાંચીમાં એ વખતે મૌલાના અબુલ કલામ આઝાદ ઉગતા વકીલ હતાં. એમને મળવાનું કહી કવિને સલાહ આપી કે જો કોર્ટ પૂછે તો એમ કહેવું કે જરૂરી કામ આવી પડવાથી રાતોરાત એમના વતન ધોળકા જવું પડ્યું હતું!! અને કોર્ટમાં આ મદદથી એમનો નિર્દોષ રીતે છુટકારો થયો. ઉલટાનું આ કેસથી કવિ વધુ પ્રસિદ્ધિ પામ્યા!!

પછી શું થયું? 
કોણ હતા આ લેખક-કવિ?
શું હતું એ નાટકનું નામ?


એ બધું લઈને હું મળીશ આવતાં શુક્રવારે, ત્યાં સુધી અલ્પવિરામ!!

➖ ડો. કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...