Thursday, September 28, 2017

અમિતાભ ઉર્ફ અમિત શ્રીવાસ્તવ ઉર્ફ મુન્નો ઉર્ફ અમિતાભ બચ્ચન


વાસ્તવિક જિંદગીમાં આ સવાલનો જવાબ શોધવા માટે બહુ દૂર સુધી લાંબા થવું પડે છે. કોઇએ કહ્યું છે ને કે મોરનું પીંછું શોધતાં-શોધતાં ગોકૂળમાં પહોંચી જવાય છે...!! અમિતાભનું પગેરુ શોધતાં-શોધતાં છેક ઉત્તર પ્રદેશના બસ્તી જીલ્લાના ગામ અમોઢા સુધી પહોંચી જવાય છે. અમિતાભ બચ્ચનના પૂર્વજો મૂળ આ ગામ અમોઢામાં વસતાં શ્રીવાસ્તવ બ્રાહ્મણો હતા.બસ્તી જીલ્લો એ શ્રીવાસ્તવના અપભ્રુંશમાંથી બનેલુ નામ છે. પ્રાચિન શ્રીવાસ્તવના રાજઓ શ્રાવ નામથી પ્રખ્યાત હતા. શ્રીવાસ્તવ જાણીતા અને મહત્વના માણસો પોતાના નામની પાછળ શ્રીવાસ્તવ લગાડવા માંડ્યા. આના પરથી શ્રાવસ્તીના કાયસ્થ બ્રાહ્મણો ધીમે-ધીમે શ્રીવાસ્તવ બની ગયા. 

આજથી લગભગ ત્રણસો એક વરસ પહેલાં શ્રાવસ્તીના અનેક કાયસ્થ બ્રાહ્મણ પરિવારો કોઇ અકળ કારણને લઈને શ્રાવસ્તી નગરી છોડીને ચાલ્યા ગયા. એમાંથી મનસા નામનાં એક દરીદ્ર પુરુષે પ્રતાપગઢમાં આવીને નિવાસ શરૂ કર્યો. આ મનસા અત્યંત કંગાળ બ્રાહ્મણ હતો. થોડાક સમય બાદ પત્નીને લઈને એ પ્રયાગમાં આવી વસ્યા. પ્રયાગ એ જ આજનું અલ્લાહાબાદ. અહીં જન્મેલો જાતક આગળ જતાં આવું ગાવાનો હક્કદાર ગણી શકાય : “મૈં છોરા ગંગા કિનારે વાલા...” મનસા એટલે એ જમાનાના પ્રયાગના સુદામા. એમની છઠ્ઠી પેઢીએ પ્રતાપનારાયણનો જન્મ થયો. આ પ્રતાપનારાયણ એ આપણા મહાનાયક અમિતાભના દાદા થાય. એ બંન્નેને જોડતી કડી એટલે હરિવંશરાય

પ્રતાપનારાયણની પત્નીનું મૂળ નામ સરસ્વતી હતું, પણ લોકમુખે થઈ ગયું સુરસતી. એમણે કુલ આઠ સંતાનોને જન્મ આપ્યો. હરિવંશરાય એમનું છઠ્ઠું સંતાન. એમના પછી અવતરેલો શાલિગ્રામ નામનો દીકરો અને શૈલજાકુમારી નામની દીકરી જીવી ગયાં; અન્ય પાંચ સંતાનો મ્રુત્યુ પામ્યા. 

છઠ્ઠા પુત્રના જન્મના સમાચાર જ્યારે મળ્યા, ત્યારે પિતા પ્રતાપનારાયણ હરિવંશ વાંચી રહ્યા હતા; તરત જ એમણે દીકરાનું નામ પાડી દીધું : હરિવંશરાય. નાનકડાં હરિવંશને ઘરમાં સૌ લાડથી બચ્ચન કહીને બોલાવતા હતા.આપણાં ગુજરાતમાં પણ એવો રીવાજ પ્રચલિત હતો (આજે પણ છે) કે જો બાળકો જીવીત રહેતા ન હોય તો જન્માતાની સાથે જ એને "પારકા" કરી દેેેવામાં આવે! એ બાળક ભલે ઊછરે પોતાના જ ધરમાં, પણ એના માતા-પિતા એને પરાયું સંતાન સમજીને ઊછેરે. ‘ત્યાગીને ભોગવી જાણો’ એ આપણું શાસ્ત્ર-વાક્ય આવા કિસ્સાઓમાં અલગ અર્થ પામીને ઊઘડે છે. 

પ્રતાપનારાયણે પણ પોતાના આ નવજાત બચ્ચનને એક હરિજન પરિવારે દત્તક આપી દીધો. ભાવનાત્મક દ્રષ્ટિએ જ માત્ર નહીં. લછમનિયા નામની હરિજન માતાને ધાવીને એ મોટા થયા. આજે ન્યાત-જાતના ભેદભાવ મિટાવી દેવાની ગુલબાંગો દેશના નેતાઓ છાશવારે પોકારતા રહે છે, પણ સાંપ્રત સમયમાં આવા ભેદભાવ ભૂંસે નાંખવાનું જવલંત દ્રષ્ટાંત જો કોઇએ જોવું હોય તો તે બચ્ચન પરિવરનું છે. હરિજન માનાં ધાવણથી જીવીત રહેલા હરિવંશરાયનો એ પરિવાર સાથેનો સંબંધ એમના પુત્ર અમિતાભે જાળવી રાખ્યો છે. બ્રાહ્મણો હોવાં છતાં છેલ્લી ત્રણ પેઢીઓથી એમણે યજ્ઞોપવિતનો ત્યાગ કરી દીધો છે, બ્રાહ્મણ જ્ઞાતિનો ઊલ્લેખ ચૂડી દીધો છે અને ખાનદાની અટક શ્રીવાસ્તવે પણ ભૂંસી નાખી છે. અમિતાભને જ્યારે પણ તક મળી છે ત્યારે સમગ્ર પરિવારની સાથે તેઓ લછમિયાનાં ધરમાં જઈને, જમીન ઉપર બેસીને પોતાના આ ભાઈ-બહેનોની સાથે એક જ પંગતમાં ભોજન આરોગવા પહોંચી ગયા છે. આ સંસ્કારનું મૂળ પિતા હરિવંશરાયના માનવવાદમાં રહેલું છે. 

ઘણીવાર કેરીનો સ્વાદ જાણવા માટે આંબાને જાણવો જરૂરી થઈ પડે છે. એમ સંતાનને જાણવા માટે એના માવતર વિષે માહિતી મેળવવી ફરજીયાત બની જાય છે. માટે આજના અમિતાભને સારી રીતે જાણવા ને પામવા માટે ગઈ કાલના કવિ હરિવંશરાય બચ્ચનજીને જાણવા જરૂરી છે. 


વિધાતાની એક ક્રૂર મજાક જુઓ.... ભવિષ્યમાં જે મહાન કવિની રચનાઓ યુનવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન મેળવવાની હતી, તે પોતે મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં નપાસ થયો હતો !
કવિ હવે સંપૂર્ણપણે કવિતા તરફ વળી ગયા. પાંચ વરસ દરમ્યાન બીજા ત્રણ કાવ્યસંગ્રહો પ્રકટ થયા જેને કારણે કવિનું નામ હિંદી સાહિત્ય વિશ્વમાં મશહૂર બની ગયું. ઘરનું હુલામણું નામ બચ્ચન હવે એમણે પોતાના તખલ્લુસ તરીકે અપનાવી લીધું.

પણ આ શબ્દ બચ્ચનની ખરી પ્રગતી થવાની બાકી હતી. હિંદી ફિલ્મોના મહાનાયક અભિતાભને જ્યારે પહેલીવાર શાળામાં દાખલ કરવાનો સમય આવ્યો ત્યારે રજીસ્ટરમાં વિદ્યાર્થીનું પુરૂ નામ લખાવવાનો પ્રસંગ ઉભો થયો. 

કવિ હરિવંશરાયને  જ્ઞાતિસૂચક અટક સામ સખત અણગમો હતો. આથી એમણે હેડમાસ્તરને કહી દીધું અમારી અટક શ્રીવાસ્તવ છે, પણ મારા પુત્રના નામમાં અટકના સ્થાને માત્ર મારૂ તખલ્લુસ લખજો. આમ વિદ્યાર્થીનું નામ દર્જ થયુ અમિતાભ હરિવંશરાય બચ્ચન. અમિતાભ બચ્ચનને ઘરમાં સૌ મુન્નો કહીને બોલાવતા હતા; ખાસ તો એમની માતા તેજી બચ્ચન. મુન્નો જ્યારે અઢી વર્ષનો હતો ત્યારે એક વાર ખોવાઈ ગયો હતો.....એ પ્રસંગ
ફરી ક્યારેક.....!!


બંટી અને અમિતાભ (મુન્નો)

અમિતાભ અને અજિતાભ વચ્ચે સાડા ચાર વરસનો ફરક છે. જ્યારે અમિતાભનો જન્મ થયો ત્યારે 1942ની ‘હિંદ છોડો’ ચળવળ ચાલતી હતી. કવિ બચ્ચનજીનાં મિત્ર અમરનાથ ઝાએ સૂચન કર્યું હતું, “તમારા દિકરાનું નામ ઈન્કિલાબ રાય પાડો! ‘42ની ચળવળની સ્મૃતિ કાયમી બની જશે.”

પણ તેજી બચ્ચનને આવું નામ પસંદ ન પડ્યું. કવિ સુમિત્રનંદ પંતના હોઠો પરથી અનાયાસ સરી પડેલો શબ્દ ‘અમિતાભ’ એમને ગમી ગયો. સાડા ચાર વરસ પછી જ્યારે બીજા દીકરાનો જન્મ થયો ત્યારે પણ આવું જ બન્યું. 1947નું વરસ હતું. ભારતની આઝાદી હાથવેંતમાં હતી. ફરીથી એ જ મિત્ર અમરનાથ ઝાએ સૂચન કર્યું, “આ બીજા દીકરાનું નામ આઝાદરાય રાખો!”

આ નામ પણ તેજીને પસંદ ન પડ્યું. જોગાનુજોગ આ વખતે પણ કવિ સુમિત્રાનંદ પંત એમના ઘરે મહેમાન બનીને પધારેલા હતાં. એમણે કહી દીધું, “જો મોટો ભાઈ અમિતાભ હોય તો નાનો ભાઈ અજિતાભ જ હોઈ શકે.” આમ નાનાં દીકરાનું નામ પણ નક્કી થઈ ગયું.

આમ મુન્નો અને બંટી એટલે આજના અમિતાભ અને અજિતાભ બચ્ચન (મૂળ શ્રીવાસ્તવ બ્રાહ્મણ)!!!

સંકલન ...વધુ આવતા લેખમાં......

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...