Monday, September 4, 2017

શિક્ષક દિન

"शिक्षक कभी साधारण नहीं होता,
प्रलय और निर्माण उसकी गोदमें पलते हैं…"
        શિક્ષક… શિક્ષા કરે એનું નામ શિક્ષક. પહેલા એ વાતનો ખુલાસો અહીં જરૂરી બને છે આજે અને ખાસમખાસ આ વિષય પર લખતાં પહેલાં. કે જો કોઇને મારો લેખ વાંચતા એવું લાગે કે હું જરા શિક્ષકો તરફી પક્ષપાતી બની રહ્યો છું તો મને આંગળી ચીંધે. રહી વાત પક્ષપાતની તો વાત જાણે એમ છે મિત્રો કે છેવટે હું પણ લોહી તો માસ્તરનું જ છું. હાં! મારા માતા-પિતા બંને શિક્ષક છે, હતાં કહી શકાય. હવે એક નિવૃત્ત છે. એટલે થોડો શિક્ષક તરફી જોક રહે ઇતના તો બનતા હૈં ના બોસ!
        હાં! તો મૂળ વાત પર આવીએ. શિક્ષક અને શિક્ષક દિન. શિક્ષક દિન ખાસ તો આ ક્ષેત્રમાં નોંધપાત્ર સિધ્ધિ મેળવનારને કે અનુદાન કરનારને બિરદાવવાનો દિવસ છે. આમે આપણાં સમાજમાં, આપણી સંસ્કૃતિમાં અને આપણાં શાસ્ત્રોમાં ગુરૂ કે શિક્ષકને ઇશ્વર સમાન કે તેનાંથી પણ ઉપર ગણ્યા છે.
“गुरू गोविंद दोनों खडे, के को लागु पाय?
बलीहारी गुरू आपकी, गोविंद दियो दिखाय…”
        આ લખનારને નાનપણથી જ એમ શીખવવામાં આવેલું, કે દુનિયામાં સૌથી વધુ જો પુજનીય હોય તો તે છે આપણી મા. પછી પિતા. પછી ગુરૂ અને છેલ્લે ઇશ્વર. મિત્રો માતા-પિતા આપણને જન્મ આપે છે, ઉછેરે છે. પણ જીવન જીવતા અને જીવનમાં આગળ વધતાં તો ગુરૂ જ શીખવે. જીવનમાં આવનારી મુશ્કેલીઓનો સામનો કેમ કરવો, તે મુશ્કેલીઓ પર વિજય કેમ મેળવવો, કઇ રીતે પોતાનાથી નિર્બળનો ઉપહાસ અને પોતાનાથી સબળનો નિરાદાર ક્યારેય ન કરવો… આ બધી વાત ગુરૂ જ આપણને શીખવે છે. ફિલ્મ (યાર! આટલી તો લીબર્ટી મને આપવી જ પડશે. મારી કોઇ વાત ફિલ્મથી પરે નથી. એટલે એ તો વચ્ચે આવવાની જ.) ‘દો દૂની ચાર’ નો પોપલી હલવાઇ યાદ આવે છે? એ ખુબ સરસ વાત કરે છે, કે “માસ્ટર હમતો મિઠાઇયાં બનાતે હૈ, ખાયા-પીયા ઔર ખતમ. લેકીન તુમ બનાતે હો ઇન્સાન. અગર થોડી ચુક હો જાયે તો ઉસે ગુડ બોય મેં સે બેડ બોય બનતે દેર નહીં લગતી. અગર મેરે કો ભી તુમ જૈસા માસ્ટર મીલા હોતા તો મૈં ભી આજ ગુડ બોય હોતા ઔર ઇન કંજરો કો ભી બનાતા.” દોસ્તો, વાત સામાન્ય લાગે એવી છે. પણ છે ખુબ ઊંડી. આજે પણ જ્યારે તમે કે હું આપણે જેને ખરા દિલથી ગુરૂ માન્યા હોય તેની વાત આવતાં કે તે સામે મળતા માથું આપોઆપ જુકી જાય. આ બીક નથી, આ આદર છે.
        દોસ્તો, અતિષ્યોક્તિ લાગે તો માફ કરજો. પણ મેં તો આ અનુભવેલી વાત કહું છું. મારા સ્વ. પિતા એક નિષ્ઠાવાન શિક્ષક હતાં. તે સ્કુલમાં જ એટલું ભણાવતાં કે વિદ્યાર્થીને ટ્યુશનની જરૂર જ ન પડતી. આજે પણ તેમનાં મૃત્યુનાં 17 વર્ષ થઇ ગયા હોવાં છતાં પણ જ્યારે 40 વર્ષ પહેલાં તેમનાં ભણાવેલા વિદ્યાર્થીઓ જે આજે ખુબ મોટા બિઝનેસમેન કે વેપારી કે સરકારી સારામાં સારા હોદ્દા પર છે તેમને જ્યારે મળવાનું થાય અને મારા પિતાનો ઉલ્લેખ થતાં માત્ર જ એક આદર સાથે વિનમ્રતા આવી જાય છે. જ્યારે એમ સાંભળવા મળે ને કે તારા પપ્પાએ મને ઠોઠ વિદ્યાર્થીમાંથી હોંશીયાર બનાવ્યો અને આજે જો એની મહેનતનું પરિણામ. ત્યારે તેની આંખમાં તો આંસુ હોય પણ મારા ચહેરા પર એક ગર્વની લાગણી હોય. મિત્રો, મા-બાપ પછી જીવનમાં ગુરૂનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે. અરે ખુદ ભગવાન એનાં પગે પડતાં હોય તો હું અને તમે શું?

        શાસ્ત્રો ખોલીને જોઇ લો, ગુરૂની આજ્ઞા પર રાજપાટ છોડી દેનાર ભગવાન રામનો ઉલ્લેખ છે, ગુરૂની આજ્ઞા વશ ત્રિલોકનાં નાથ એવા ભગવાન વિષ્ણુ, કૃષ્ણવતારમાં જંગલમાં લાકડા વિણે છે. ગુરૂની ઊંઘને વિક્ષેપ ન પહોંચે એ સહેતુ મહાબલી – દાનવીર કર્ણ ભમરાનાં અસહ્ય ડંખ સહી જાય છે. ગુરૂની આજ્ઞાને આધિન થઇ એકલવ્ય પોતાનો અંગૂઠો કાપી નાંખે છે. રાક્ષસો કે જેઓ કોઇનાં કહ્યામાં નહોતાં તે ગુરૂ શુક્રાચાર્યની સામે નરમઘેંશ જેવા થઇ જાય છે તેનો પડ્યો બોલ તેની આજ્ઞાને આધીન થઇને રહે છે.
સિકંદરની એક વાત યાદ આવે છે. એક વખત સિકંદર અને તેના ગુરુ એરિસ્ટોટલ જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં વરસાદના પાણીનો વહેળો આવ્યો. એરિસ્ટોટલ અને સિકંદરમાં એ વાતે વિવાદ થયો કે પહેલા વહેળો કોણ પાર કરશે? સિકંદરે નક્કી કર્યું કે પહેલાં તે વહેળો ઓળંગશે. એરિસ્ટોટલે સિકંદરની વાત માની લીધી. પણ પછી થોડા દુ:ખી થઈને એમણે કહ્યું, ‘તેં મારી આજ્ઞાનું પાલન ના કર્યું.’ સિકંદરે જવાબ આપતા કહ્યું, ‘ગુરુજી, મારી કર્તવ્યનિષ્ઠાએ જ મને એમ કરવા માટે પ્રેરણા આપી. એરિસ્ટોટલ હજારો સિકંદર તૈયાર કરી શકશે, પણ સિકંદર તો એક પણ એરિસ્ટોટલ તૈયાર નહીં કરી શકે.

        દરેક વ્યક્તિનાં ઘડતરમાં બે વ્યક્તિનો ખુબ મોટો ફાળો હોય છે, એક છે માતા-પિતા અને બીજા ગુરૂ. અગાઉ કહ્યું એમ માતા-પિતા તેની ફરજ મુજબ આપણને ઉછેરે છે. આદર્શ શિક્ષક આપણને જીવનમાં આગળ વધવા માટેનું પ્રેરક બળ, દિશા અને પ્રોત્સાહન પુરૂં પાડે છે. વર્ગખંડમાં એક શિક્ષકની ભૂમિકા ખુબ જ મહત્વનું કાર્ય છે., કારણ કે તેની એકએક પળ વિદ્યાર્થીનાં જીવન સાથે જોડાયેલી હોય છે. દરેક વિદ્યાર્થીનું ભવિષ્ય શિક્ષકનાં હાથમાં રહેલું હોય છે. એક આદર્શ શિક્ષક વિદ્યાર્થીનાં ઉમદા જીવનનો પ્રણેતા બની શકે છે. તેનાં જીવનનું ધ્યેય અને તે ધ્યેય સુધી પહોચવાનો માર્ગ બની શકે છે. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય છે શિક્ષકનો. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઇમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ એક શિક્ષક કરે છે. તેઓ ઇમારતનું એવું પાકુ ચણતર કરે છે કે ગમે એવો ઝંઝાવાત આવે તો પણ એ ડગે નહીં.

        શિક્ષકદિનનાં દિવસે શ્રેષ્ઠ શિક્ષકને રાષ્ટ્રપતિનાં હસ્તે સન્માનિત કરવામાં આવે છે. આ દિવસે શાળાઓમાં સ્વયં શિક્ષક દિનની ઉજવણી પણ કરવામાં આવે છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓ એક દિવસ માટે શિક્ષક બનીને વર્ગમાં અભ્યાસ કરાવે છે. જેનાંથી વિદ્યાર્થીઓમાં નાનપણથીજ નેતૃત્વનાં ગુણ ખીલે છે. તેમજ વિદ્યાર્થીઓ શિક્ષકોનાં ઉત્તરદાયિત્વને સમજે અને જાણે કે શિક્ષક થવું કેવું અઘરૂં છે. આમ, સંસ્કૃતિનાં સંસ્કાર આપતાં શિક્ષકોનું ગરવું પર્વ એટલે ‘શિક્ષક દિન’.
                        ૫ સપ્ટેમ્બર એટલે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’. મહાન કેળવણીકાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન આપણે ત્યાં શિક્ષક દિન તરીકે ઊજવાય છે. મિત્રો તમારા માનસપટ પર કોઈ શિક્ષક પોતાના અસરકારક વ્યક્તિત્વની અમીટ છાપ છોડી જાય છે. તેને તમે જિંદગીભર ભૂંસી નથી શકતા. આવા શિક્ષકો પ્રત્યે તમારો આદરભાવ વ્યક્ત કરવાનો ખાસ દિવસ છે ‘શિક્ષક દિન’.

        ગુરૂનો મહિમા ગાતા શ્રી વિનોબા ભાવે લખે છે કે, ‘શિલવાન સાધુ હોય છે, પ્રજ્ઞાવાન જ્ઞાની હોય છે અને કરૂણાવાન મા હોય છે, પરંતુ ગુરૂ તો સાધુ, જ્ઞાની અને મા ત્રણેય હોય છે. ગુરૂ શબ્દનો ભાવાર્થા મારી દ્રષ્ટિએ કરૂં તો, ગુઃ એટલે ગુણવાન અને રૂઃ એટલે ઋષિ. તો ગુઋનો અર્થ થયો ગુણવાન ઋષિ.

“ चंदनम् शितलम् लोके, चंदनात् अपि चंद्रमा,
चंद्र – चंदनयोः मध्ये, शीतला गुरू संगतिः ”
(અર્થાતઃ આ જગતમાં ચંદન શીતળ છે, ચંદન કરતાં ચંદ્રની ચાંદની વધુ શીતળતા આપે,
ચંદન અને ચંદ્રમાંની ચાંદની કરતાં પણ ગુરૂની સંગતિ વધુ શીતળતા આપે છે.)
આવો આ દિવસે સહુ સહુનાં ગુરૂને યાદને કરીએ અને વંદન કરીએ. કારણ કે આજે આપણે જે કંઇ સફળ છીએ એમાં આપણાં ગુરૂની શિક્ષકની જહેમત છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...