Tuesday, September 12, 2017

ડોક્ટર ની અગોચર છઠ્ઠી ઇન્દ્રિય


"શાહ સાહેબ, એક મેડિકલ ઓફિસરના પપ્પા ને થોડી પેટની તકલીફ ઉભી થઇ છે તો એ આપની સલાહ લેવા માટે આવવા માંગે છે. તમે કહો ત્યારે એને સમય આપી દઉં."― અમદાવાદના જ એક અગ્રગણ્ય જનરલ પ્રેક્ટિશનર ડો.કૌશિક નો ફોન પર અવાજ હતો!!
"અરે એમાં તે કંઈ પૂછવાનું થોડું હોય? મોકલો અત્યારે જ."― મેં પ્રત્યુત્તર આપ્યો.

"શહેરની નામાંકિત ABC કોર્પોરેટ હોસ્પિટલમાં એ મેડિકલ ઓફિસર જોબ કરે છે, ત્યાં પણ એ ટ્રીટમેન્ટ લઈ શકે પણ એ તમારી હોસ્પિટલ જ આવવા માંગે છે....એટલે સાચવી લેજો ને એમને!!" ― ડો. કૌશિક બોલ્યા.

એ મેડિકલ ઓફિસર ને એમના પપ્પા નિયત સમયે આવી પહોંચ્યા. દર્દીને અને એમના રિપોર્ટ્સ ચકાસીને મૂળ વાત પર હું આવ્યો. "જુઓ ભાઈ, આપના પપ્પાને પિત્તાશયમાં પથરીઓ છે એમ સોનોગ્રાફી દર્શાવે છે. ને ત્યાં એના લીધે આજુબાજુ ઇન્ફેક્શન અને ઘણો જ સોજો પણ આવી ગયેલ છે. વળી પાછું તેમના શ્વેત કણો વધી ગયા છે અને......"

"અને શું??", એ ઓફિસર બોલ્યા.

" વાત એમ છે કે એમનું હિમોગ્લોબીન એટલે કે લોહી ખૂબ જ ઓછું છે, માત્ર ૬ ટકા!! આ સંજોગોમાં તમારે દાખલ થવું પડે. ને પિત્તાશય કાઢવા માટેનું ઓપરેશન કરતા પહેલા લોહીની ટકાવારી સરખી કરવી પડશે,  લોહી ચઢાવવું પડશે!! "

એ વડીલ દાખલ થયા. ને સારવાર શરૂ થઈ. ૬ ટકા લોહીનું જો ૧૦ ટકા થાય તો એનેસ્થેસિયા ને સર્જરી નું જોખમ થોડું હળવું થાય. માટે ચારેક યુનિટ લોહીની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું. 2-3 દિવસ આ સારવાર ચાલી કેમ કે એક સાથે લોહી આપવું અશક્ય હતું. ફરી રિપોર્ટ કર્યો. તો આ શું? અમારા બધાંની ધારણા વિરુદ્ધ રિપોર્ટ આવ્યો, ૮ ટકા...!! જેની અમને ૧૦ ટકા કે એની ઉપર આવાની આશા હતી.  મને અચરજ તો થયું. પણ આગળ વિચાર્યા બાદ ભાઈને કીધું, લોહીની ટકાવારી ૧૦ થી ઉપર થાય એ બાદ જ હું સર્જરી કરીશ. પણ આમ કેમ થયું એ માટે આગળ બીજા બ્લડ રિપોર્ટ્સ, પેટનો સીટી સ્કેન તથા હિમેટોલોજીસ્ટનો ઓપિનિયન આપણે લઇ લેવો જોઈએ!!

મને આ સાધારણ નથી લાગતું કે એક ખાતાપીતાં ઘરના વડીલનું લોહી આટલું ઓછું કેમ રહે?

થોડી અસ્વસ્થતા ઓફિસરના ચહેરા પર હું પારખી ગયો!! "સાહેબ, ખોટો ખર્ચ ના થાય તો સારું. જરૂર હોય તો જ કહેજો ને તો જ અમે રિપોર્ટ કરાવીએ. હું ABC હોસ્પિટલ છોડીને એમને આપની પાસે એટલે જ તો લાવ્યો છું...!"

મેં કીધું રિપોર્ટ કરાવી લેવા પડશે ને એના બીજા ૧૦-૧૨ હજાર ખર્ચ તો ચોક્કસ થશે.
"સાહેબ, અત્યાર સુધી આટલા તો ખર્ચાઈ ગયા, બીજા એટલા?
એટલામાં તો ઓપરેશન પણ થઈ જાત કદાચ!!". અમે તમને વિચારીને જવાબ આપીએ.

મારા આશ્ચર્ય વચ્ચે અડધો કલાક પછી ડો. કૌશિકભાઈ નો મને ફોન આવ્યો. (જેઓએ પણ આ ઓફિસરને  મારી ભલામણ કરી હતી) "શાહ સાહેબ, શુ થયું ? કેમ ઓપરેશનમાં વિલંબ થયો? આમ તો આવું તમે કરો નહીં, પણ આ ઓફિસર અત્યારે મારી જોડે બેઠા છે ને કહી રહ્યા છે કે શાહ સાહેબ ખોટો ખર્ચ કરાવે છે..જુઓને શુ થઈ શકે એમ છે એમાં??"

મેં કહ્યું, "કૌશિકભાઈ સાહેબ, તમે તો મને ઓળખો છો. મારા સ્વભાવમાં જ નથી એવું. મને ખરેખર જરૂર લાગે છે અને આ લોહી ઓછું થવાનું કારણ જાણ્યા વગર તથા હિમોગ્લોબીન ઓપ્ટિમમ ન થાય ત્યાં સુધી સર્જરી હું નહીં કરું!"

ઓફિસરે એમના પિતાજીનો મારી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાવી લીધો. હું સમજી ગયો આગળનો ઘટનાક્રમ. પણ સલાહ આપવાનું જ મારું કામ હતું..એથી વિશેષ હું કાઈ ન કરી શકુ.

બરાબર ત્રીજા દિવસે, ડો. કૌશિકભાઈનો પાછો ફોન આવ્યો, "પેલા મેડિકલ ઓફિસરે પછી ફલાણા સર્જન પાસે ઓપરેશન કરાવી લીધું. કોઈ હિમોગ્લોબીન ને સીટી સ્કેન કંઈ એમને ના કરાવવું પડ્યું..બીજા દિવસે રજા પણ મળી ગઈ!! તો આપણે કેમ એને ના કર્યું? પેલા ઓફિસર મારા પર ગરમ થઇ ગયા કે આવું કેવું ? ડો. શાહ સાહેબતો પછી ખોટો જ ખર્ચ કરાવતા ને???"

મેં કહ્યું, "કૌશિકભાઈ આ મેડિકલ સાયન્સ છે, મને જે યોગ્ય લાગ્યું તે મુજબ મેં સલાહ આપી. તેઓ આવ્યા હતા પિત્તાશયની પથરી લઈને પણ એ જ એકલું નહોતું એમના શરીરમાં!! એથી વિશેષ કોઈ રોગ મને જણાતો હતો કે જેના લીધે એમનું લોહી ઓછું રહેતું હતું..મેં બસ ખાલી નિદાન સંપૂર્ણ થાય એ માટે જ એમને સલાહ આપી હતી. જે મારા મત મુજબ યોગ્ય જ હતી. હશે, કઇ વાંધો નહીં. એમનું ઓપરેશન થઈ ગયું ને એમને સારું છે એટલે સરસ! આપણે બીજું શું જોઈએ...?"

"અર્રે, એ તો તમને મળવા માંગે છે ને ખૂબ ક્રોધમાં છે, અહીંથી નીકળ્યા છે."
"કાઈ વાંધો નહીં, એમનીય મૂંઝવણ દૂર કરશું. હું અહી બેઠો જ છું"

બરાબર 1 મહિના પછી,  કૌશિકભાઈનો પાછો ફોન આવ્યો. મેં સાહજિક જ ઉપાડી વાત શરૂ કરી. "પેલા મેડિકલ ઓફિસરના પપ્પા યાદ છે?" હું એ વાત ને ભૂલી ચુક્યો હતો પણ પાછું તાજું થયું. મેં પૂછ્યું હા બોલો.

"એમને પાછું પેટમાં દુખે છે ને એ ડોક્ટરે હવે લોહીના બીજા ટેસ્ટ ને સીટી સ્કેન કરવાનો કીધો છે!!!" વાત આગળ વધારતાં બોલ્યા, " પિત્તાશયનું કેન્સર હોય એમ લાગે છે ને આજુબાજુ ફેલાવાનું ચાલુ થઈ ગયું છે !!" ફરી ઓપરેશન કરવું પડશે એમ કીધું છે.....

મારા મગજમાં બધું વીજળીના ઝબકારની જેમ દ્રશ્ય સ્પષ્ટ થઈ ગયું. એ વખતે જો આ રિપોર્ટ થઈ ગયા હોત તો આ સ્થિતિ ના થઇ હોત એમ પણ લાગ્યું!!!

આ વાત ના બીજા એક મહિના બાદ, એ મેડિકલ ઓફિસર મને મળવા આવ્યા. ને જે આગાઉ મારા નિર્ણયોથી નારાજ થઈ એમના પપ્પાને ડિસ્ચાર્જ અપાવીને લઇ ગયા હતા તેઓ સજળ નયને મને બે હાથ જોડી નમ્યા!! મને નવાઈ લાગી ને મેં એમને રોક્યા, " શુ થયું ભાઈ? કેમ  આમ કરો છો?"

એ ભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા, " પપ્પા હવે નથી રહ્યા...!! એમને પિત્તાશયનું કેન્સર હતું ને છેલ્લા સ્ટેજમાં હતું. જેની અમને પાછળથી સીટી સ્કેન કરાવ્યા બાદ જાણ થઈ. ઓપરેશન તો થઈ ગયું હતું.પણ દુઃખાવો નહોતો બંધ થતો. 2-3 વિઝીટ પછી એ ડૉક્ટરે અમને એ જ બધા રિપોર્ટ કરવાના કીધા જે તમે અમને ઓપરેશન કરતા પહેલા કરવાના કીધા હતા. એમાં આ બધું સામે આવ્યું. એ પછી બીજું ઓપરેશન પણ કરવું પડ્યું, પણ પપ્પાને ના બચાવી શક્યા અમે!! અમે જો આપની વાત માની હોત તો કદાચ પપ્પા થોડા દુખાવા સાથે તો ભલે દુખાવા સાથે પણ અહીં આપણી સાથે હયાત હોત!!"

હું સમજી ગયો સમગ્ર કાળ નો ઘટનાક્રમ..મેં એમના સ્વજન ને ગુમાવ્યાની દિલસોજી વ્યક્ત કરી. એ આગળ બોલ્યાં, " હું અહી ફક્ત માફી માંગવા જ આવ્યો છું કે મેં તમારા પર અવિશ્વાસ કર્યો ને કૌશિકભાઈ સમક્ષ તમારા વિરુદ્ધ બિનજરૂરી આક્ષેપ કર્યા હતાં..મને માફ કરજો. તમારા પર અમને હવે અતૂટ શ્રદ્ધા રહેશે...!!"

આ વાત અહીં પુરી નથી થતી. આવું કેટલાય દર્દીઓ સાથે કેટલાય ડોકટરોને અવારનવાર થતું હોય છે...ડોક્ટર એ દર્દીને સારો કરવા જ મથતો હોય છે ને ક્યારેક દર્દી/સગાની ઉતાવળ કે અધિરાઇ કે અમુક પૂર્વગ્રહ/દબાણ આવા માઠા પરિણામો સર્જે છે. આવા માઠા પરિણામો પરથી સ્વજનને ગુમાવીને બોધ લેવો એના કરતાં આપના ડોક્ટર પર સંપૂર્ણ વિશ્વાસ રાખી એને સ્વતંત્ર રીતે કોઈના પણ પૂર્વગ્રહ/દબાણ માં આવ્યા વગર જ સારવાર કરવા દેવી જોઈએ.
આ ઘટનામાં મને કોઈ અગોચર છઠ્ઠી ઇન્દ્રિયએ જ મારા શરૂઆતના નિર્ણય પર અટલ રહેવા સૂચવ્યું હોય એમ મને લાગ્યું હતું!!!

સંપૂર્ણ સત્યઘટના...ડો. કાર્તિક ડી. શાહ.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...