Thursday, September 7, 2017

સ્વામી રામતીર્થ

ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓને પણ ઘણી વાર અત્યંત મુસીબતમાંથી પસાર થવું પડતું હોય છે. ઘણા તો એટલી બધી ગરીબીમાં જીવન ગુજારે છે કે બે ટંક પૂરું ખાવાયે નથી મળતું. અને છતાં જેનામાં અંતરની લગન હોય છે, તેઓ ગમે તેવી મુસીબતોનો સામનો કરીને પણ આગળ વધે જ છે. તીર્થરામ પણ આવો જ એક ગરીબ પણ બહુ તેજસ્વી વિદ્યાર્થી હતો. એ ભણવામાં એટલો બધો હોશિયાર હતો કે તેને શિષ્યવૃત્તિ મળતી. પણ તેમાંથી જ ખાવાપીવાનો અને બીજો બધો ખર્ચ કાઢવો પડતો. ઘણી વાર તો શિષ્યવૃત્તિની ઘણીખરી રકમ પુસ્તકો ખરીદવામાં જ ખર્ચાઈ જતી અને ખાવાપીવા માટે બહુ જૂજ રકમ બચતી. એક વાર આવું જ થયું. તીર્થરામે હિસાબ લગાડ્યો તો જણાયું કે આ મહિને રોજના 3 પૈસા ખાવા પાછળ ખર્ચવા માટે બચ્યા હતા. એટલે તે રોજ સવારે બે પૈસાની રોટી લઈને ખાતો અને સાંજે એક પૈસાની.
પરંતુ બે-ચાર દિવસ થયા અને દુકાનદારે તેને કહી દીધું કે ‘એ છોકરા, તું રોજ એક પૈસાની રોટી સાથે દાળ મફતમાં ખાઈ જાય છે. જા, હું એક પૈસાની રોટી નથી વેચતો !’ તીર્થરામે નક્કી કર્યું કે કાંઈ નહીં, બીજી રકમ ન આવે ત્યાં સુધી હમણાં રોજ એક ટંક જ ખાઈશ. આટલી ગરીબી અને બેહાલી છતાં તીર્થરામ હંમેશાં મસ્તીમાં જ રહેતો. એ કદી નિરાશ ન થતો. અથવા પોતાનાં રોદણાં ન રડ્યા કરતો. અને દિલ દઈને ભણતો. એ એટલો બધો તેજસ્વી હતો કે 13 માંથી 9 સવાલ કરવાના હોય ત્યારે એ તો તેરતેર સવાલ કરી નાખે ! એટલા વખતમાં બીજા વિદ્યાર્થીઓ માંડ ત્રણ-ચાર સવાલ કરી શક્યા હોય !
આમ આગળ વધતો વધતો એ બી.એ. થયો, એમ.એ. થયો. બી.એ.માં તો આખી યુનિવર્સિટીમાં પહેલો આવેલો. પછી અધ્યાપક બન્યો. એ પોતાની તંગીભર્યા દિવસો ભૂલ્યો નહોતો. દર મહિને પગાર આવતાંવેંત કૉલેજના જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને અને ચપરાશી વગેરેને થાય તેટલી મદદ કરતો. પૈસાનો એને કદી મોહ ન થયો. આ સંસારમાં પણ તેનું દિલ ન લાગ્યું. એ તો ઈશ્વરની ખોજમાં હિમાલય ચાલ્યો ગયો. આ તીર્થરામ તે બીજ કોઈ નહીં, પણ આગળ જતાં દુનિયા આખીમાં વિખ્યાત થયેલા, સ્વામી રામતીર્થ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...