Thursday, September 21, 2017

અમિતાભ બચ્ચન અને મનજીભાઈ પેઈન્ટર

મળીએ અમદાવાદી ‘પેઇન્ટિંગ કિંગ’ તરીકે જાણીતાં મનજીભાઈ રામાણીને જે આજે કેટલાંયે લોકોના પ્રેરણાસ્ત્રોત બની ગયા છે! 
ઇશ્વરે પૃથ્વી પર જન્મ આપેલા તમામ જીવોને એકસરખા નથી બનાવ્યા. કોઇ વ્યક્તિમાં વિશેષ કલા હોય છે તો કોઈને કંઇક અલગ રીતે જ કાર્યક્ષમ બનાવે છે પરંતુ તે બધામાંથી જે પરિશ્રમ કરે છે તે જ દુનિયામાં સૌથી આગળ આવે છે. જિંદગીમાં ફક્ત જીવવાનું મહત્વ નથી, મહત્વ છે સ્પર્ધા કરવાનું, મહામુશ્કેલીઓ સામે જુસ્સો ટકાવી રાખવાનું. સામાન્ય માનવી ધારે તો દુનિયાનું કોઇ પણ કાર્ય કરી શકે પરંતુ જ્યારે વાત આવે છે વિકલાંગ માનવીની તો તેણે સૌથી પહેલા તો પોતાની વિકલાંગતા સાથે લડવાનું હોય છે ત્યાર બાદ તે કાર્ય સાથે. સામાન્ય માનવી સાથે વિકલાંગ માનવી સ્પર્ધા કરવા સક્ષમ છે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. જોકે હવે તો સમય એવો છે કે વિકલાંગ વ્યક્તિ પણ પોતાની કલાશક્તિની મદદથી સમાજમાં પોતાનું આગવું સ્થાન નિશ્ચિત કરી રહી છે. આવું જ એક ઉદાહરણ છે અમદાવાદના મનજીભાઇ રામાણી.
અમદાવાદના અખબારનગર વિસ્તારમાં રહેતા મનજીભાઇ રામાણી ભલભલા ચિત્રકારને પણ ઢાંકી દે તેવા પેઇન્ટિંગ્સ બનાવે છે પરંતુ તે હાથથી નહીં, મોંઢાંથી પેઇન્ટિંગ કરે છે. 10 વર્ષની ઉંમરે પોતાના ખેતરમાં શેરડીનો રસ કાઢવાના મશીનમાં શેરડી નાંખતી વખતે તેમના બંને હાથ તે મશીનમાં ફસાઇ ગયા હતા, પરિવારના સભ્યો બેબાકળા બનીને તેમને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ડોક્ટરે પરિવારને જણાવ્યું કે બાળકનો જીવ બચી ગયો છે પરંતુ તેમના બે હાથ સંપૂર્ણ રીતે મશીનમાં ફસાઇ ગયા હોવાથી તેને તાત્કાલિક કાપવા પડશે અને મનજીભાઇએ 10 વર્ષની નાની ઉંમરે જ તેમના બે હાથ કાયમ માટે ગુમાવ્યા હતા. જોકે બે હાથ ગુમાવી ચૂકેલા મનજીભાઇએ હિંમત ન હારી અને જીવન સામે સંઘર્ષ કરવાનું નક્કી કર્યું હતું. હાલમાં 56 વર્ષના મનજીભાઇ રામાણીએ માઉથ પેઇન્ટિંગની દુનિયામાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે
સ્વનિર્ભર રહેવાનો સંકલ્પ કર્યો
બે હાથ ગુમાવવાનો અર્થ થાય છે જિંદગીના તમામ કામો માટે બીજા પર નિર્ભર રહેવું. ગ્લાસમાં પાણી પીવાથી લઇને અન્ય તમામ રોજિંદા કાર્યો માટે બીજા વ્યક્તિ પર નિર્ભર રહેવું પડે છે પરંતુ મનજીભાઇએ સ્વનિર્ભર રહેવાનો સંકલ્પ કર્યો અને હાથ ન હોવા છતા પણ તમામ કાર્યો પોતાની જાતે જ કરવાની ટેવ પાડી. હાથ ન હોવાથી મનજીભાઇએ મોંઢાં વડે લખવાની પ્રેક્ટિસ કરવાની શરૂ કરી. આ ઉપરાંત તેઓ મોં વડે ચિત્ર બનાવવાની પ્રેક્ટિસ પણ કરવા લાગ્યા.

ફાઇન આર્ટ્સનો કોર્સ પણ કર્યો

દસમા ધોરણ બાદ મનજીભાઇએ ફાઇન આર્ટ્સનો કોર્સ કર્યો હતો અને ત્યાર બાદ તેમણે ડ્રોઇંગ ક્લાસ શરૂ કર્યા હતા. તેઓ 15 વર્ષ સુધી ઘરે - ઘરે જઇને પેઇન્ટિંગના ટ્યુશન્સ આપવા લાગ્યા હતા. હાથ વડે તો તમામ લોકો પેઇન્ટિંગ કરી શકે પરંતુ મોં વડે પેઇન્ટિંગ કરતા મનજીભાઇની પ્રસિદ્ધી વધતી ગઇ અને તેમને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પણ આમંત્રણ મળવા લાગ્યા.
લાઈવ બિગ-બીનું પેઇન્ટિંગ બનાવ્યું અને ‘માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ’ સંસ્થાના સભ્ય બન્યા
મનજીભાઇના માઉથ પેઇન્ટિંગની ખ્યાતિ વધતા તેમની મહેનતની નોંધ ‘એસોસિયેશન ઓફ માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગે’ લીધી. સ્વિટ્ઝર્લેન્ડમાં પોતાનું વડું મથક ધરાવતી આ સંસ્થાના ભારતના પ્રતિનિધિઓએ તેમનાથી પ્રભાવિત થઇને તેમને એસોસિયેશનના સભ્ય બનાવ્યા. આ સંસ્થાના સભ્ય બનવા માટે ભારતના કોઇ પણ સેલિબ્રિટીની હાજરીમાં એસોસિયેશનના કહેવા પ્રમાણે પેઇન્ટિંગ બનાવવાનું હોય છે. મનજીભાઇને બોલિવૂડના બિગ-બીની સામે આ કાર્ય કરવાનું હતું. તેમણે તમામની હાજરીમાં બિગ-બીના ચહેરાનું માઉથ પેઇન્ટિંગ બનાવીને બિગ-બી સહિત ઉપસ્થિત સહુને આશ્ચર્યચકિત કરી દીધા.

“જો હમ હાથ સે નહીં કર સકતે, વો આપને મુંહ સે કર દિખાયા!”

અમિતાભ બચ્ચન સાથે પોતાની યાદગાર પળોને યાદ કરતાં મનજીભાઇએ રામાણીએ જણાવે છે, 
“મારું પેઇન્ટિંગ જોઈ બિગ-બીએ મને કહ્યું કે જો હમ લોગ હાથ સે નહીં કર શકતે વો આપને મુંહ સે કર દીખાયા. ત્યાર બાદ તેમણે સહુને આશ્ચર્યમાં મૂકીને મારો ઓટોગ્રાફ માગ્યો.” 
આખી દુનિયાને પોતાનો ઓટોગ્રાફ આપતા અમિતાભ બચ્ચને ખુદ મનજીભાઇ પાસે તેમનો ઓટોગ્રાફ માગ્યો. અમિતાભ બચ્ચને તેમની કલાની સાચી કદર કરી તે જોઇને મનજીભાઇ સહિતના અન્ય લોકો આશ્ચર્યચકિત થઇ ગયા.

‘માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ’ સંસ્થા દ્વારા દર વર્ષે સ્કોલરશીપ

મનજીભાઇને પોતાની કલા વિસ્તારવા માટે સ્વિટ્ઝર્લેન્ડ સ્થિત માઉથ એન્ડ ફૂટ પેઇન્ટિંગ નામની સંસ્થા દર વર્ષે સ્કોરલશિપ આપે છે. મનજીભાઇએ ભારત ઉપરાંત વિશ્વના ઘણા દેશોમાં પોતાની કલાનો જાદૂ પ્રસરાવ્યો છે. તેમણે સિંગાપોર, સ્વિટ્ઝર્લેન્ડ તથા દોહા જેવા દેશોમાં જઇને માઉથ પેઇન્ટિંગ કર્યા છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...