Sunday, September 17, 2017

પ્રામાણિકતાની ખુમારી


"બોલો હું જોય છે?"
તદ્દન ભાવવિહીન ચહેરે, કૈંક ચીડભર્યા અવાજે થડા પર બેઠેલા દુકાનદારે પૂછયુ.

"દહનું તેલને દહનો મસાલો...." મેલાઘેલા સાડલાના છેડાથી કાંખમાં તેડેલા છઆઠ મહિનાના બાળકનું ગળતું નાક લૂછીને બાઈ બોલી

"એય, છેટો 'રે ન્યાંથી...."
ગલ્લા પર મૂકેલી નાની મોટી બરણીમાં ભરેલી, પાવલીની કીમતની પણ રૂપિયામાં વેચાતી રંગબેરંગી પીપરમેન્ટ સામું કયારનો જોઈ રહેલો નાનકડો છોકરો હાથ લંબાવીને બરણી સુધી આંગળીઓ પહોંચાડે તે પહેલા જ દુકાનદારના રોફભર્યા અવાજે કરંટ માર્યો હોય એમ એણે હાથ પાછો ખેંચી લીધો! 

"છોકરાવને દુકાને નો લ્યા'વતા હો તો... આંયા અમારે ગરાગી ટાણે આમ રાયડુ નાખવી કે ધંધો કરવો? બયણી પછાડશે તો નુકસાન કોણ ભરશે?

"એય સોરા.... આમ આઘો મર્યને..." છાતી પરથી સાડલાનો છેડો ખેસવવા કોશિશ કરી રહેલા બાળકનો હાથ વારે વારે આઘો કરતી બાઈએ, ચીડાયેલા અવાજે બોલી રહેલા દુકાનદારનું બોલવું પૂરું થાય એ પહેલા જ છોકરાના વાંસે એક હળવો ધબ્બો મારીને બાવડેથી ઝાલીને પોતાની નજીક ખેંચી લીધો! 

"પૈસા.....????"
દુકાનદારે ફરી એક વાર એવી કરડી નજરથી બાઈ સામું જોયુ... 

"દઉ સુ... જલદી જોખી દયો ને..." કાંખમાં તેડેલા બાળકની ભૂખની અગન છાતીમાં ભડકતી હોય ને એનો તાપ જીરવાતો ન હોય એમ બાઈ બોલી. 

"આય્ગલા ય દહ બાકી છે... આ હંધાય આવા ને આવા જ હાયલા આવે છે. એ ય... પચા ગરામ રિફાઈન્ડ જોખ..." 

હોલસેલ વેપારીને ત્યાંથી રિક્ષામાં ખીચોખીચ ભરાઈને આવેલો સામાન, દુકાનની પાછળ ભંડકિયા જેવા ખાંચામાં ગોઠવીને બહાર આવેલા નોકર સામું જોઈને બોલતા જ એણે બાઈ સામું હાથ લંબાવ્યો... 
"લાવો પૈસા...." 

દુકાનદારના લંબાયેલા હાથની હથેળી પર, બ્લાઉઝના ઉંડાણમાં ભરાવી રાખેલી પચાસની નોટ કાઢીને એણે મૂકી દીધી. 
નોટને એક નજરે જોઈને એણે ચાવીબંધ ગલ્લામાં મૂકી. નજીક જ રાખેલા ઘોડાના ખાનામાં ગોઠવેલા પતરાના ગોળ ડબ્બાઓ ખોલીને ભેળસેળવાળા હળદર, મરચાં ને ધાણાજીરાનું અત્યંત ચોકસાઈભર્યું વજન, ઈલેક્ટ્રીક કાંટા પર જોખીને પડીકું બાંધી આપીને એણે નોકરે જોખી લાવેલી તેલની કોથળી કાંટા પર મૂકી. લાલ ચટક આંકડા સત્તાવન અઠ્ઠાવન વચ્ચે ઉછળકૂદ કરતા કરતા સત્તાવન પર સ્થિર થઈ ગયા. 

"આલે......ય! કેટલીવાર કીધુ, પચા એટલે પચા ગરામ જ જોખવાનું. હરખુ જોયખ..."
નવાસવા રાખેલા નોકર પર બરાડતા એણે ખુદ ઊભા થઈને કોથળીમાંથી થોડું તેલ ડબ્બા પર મૂકેલી પળીમાં ઠાલવી કાઢ્યું. ફરી પાછી કોથળી કાંટા પર મૂકી. ઓગણપચાસ પર અટકી ગયેલા આંકડા સામું જોયું ન જોયું કરીને એણે કોથળીને દોરો બાંધવા માંડયો. 

"બીજુ હું જોય છે? માની પાછળ સંતાઈને હજુ યે પીપર ચોકલેટની બરણીઓ તરફ અપલક નજરે તાકી રહેલા છોકરા સામું પડી ગયેલી નજર ઝડપભેર ફેરવી લેતા એણે પૂછયું. 
"કાંય ન'ઈ... છોકરું તેડેલા હાથે તેલની કોથળી અને મસાલાની પડીકી ઊંચકીને બીજા હાથે ફેલાવેલા પાલવના છેડામાં નાખીને બાઈએ છેડો કમરે ખોસી દીધો. 

બાકી રહેતા પૈસા ગલ્લામાંથી કાઢવા માટે હજુ ચાવી ફેરવી જ હતી કે સોની કડકડતી નોટ ગલ્લા પર પડી!

"પાંચ નારિયેલ લાવો તો...." માનતાના છે હો! ખોટા નો નીકળે ઈ જો'જો!" 
મોઢામાં ભરેલા માવા સાથે બોલવાને કારણે મ્હોં ઉંચુ રાખીને બોલતા, બગલાની પાંખ જેવા સફેદ કપડા પહેરેલા એ ઘરાકને સારા નાળિયેર શોધી આપવા એણે ઝટપટ સોની નોટ ગલ્લામાં સરકાવી દઈને ખુદ ઊભા થઈને, દુકાનની બહાર એક તરફ ખડકેલા કોથળામાંથી ખખડાવી ખખડાવીને નાળિયેર કાઢવા માંડયા. 

બાઈએ તેડેલું છોકરું હવે કજિયે ચડ્યું હોય એમ ઉંહકારા ભરતું વારે વારે છાતી પરથી સાડલાનો છેડો સરકાવવા મથી રહ્યું હતું. દુબળી પાતળી તેજહીન કાયા પરના એ એકમાત્ર સાચુકલા ઘરેણાં પર પેલા બગલાની આંખો મંડાઈ રહી. બાઈ આડું મોં કરીને બીજી તરફ ફરી ગઈ. 
"હિસાબ દઈ દયો ને... મોડું થાય સે... સોકરો રે'તો નથી...." બાઈ જરા વિનવણીના સૂરમાં બોલી રહી. 

"દઉં જ છું... આંયા મારેય બીજા ગરાગ ખોટી થાય છે....." નાળિયેર લઈને વિદાય થઈ ગયેલા બગલાના સ્થાને આવીને ઊભેલા દૈનિક બચત નિધિના એજન્ટ સામું જોઈને બોલતા એણે ગલ્લામાં ચાવી ફેરવી. 

"વરસ કયારે પૂરું થાય છે?" એજન્ટના હાથમાં સો સોની પાંચ નોટ મૂકતા પહેલા ફરી એકવાર ગણી લઈને એણે પૂછયું. 
"કાં.... પૈસાની જરૂર છે?" એજન્ટે હસતા હસતા પૂછ્યુ. 
"હા, હમણા મંદી હાલે છે!" 
"કરિયાણાના ધંધામાં મંદી આવે? ને એ ય આવા છૂટક ધંધામાં" નાકની દાંડી પર સરકી આવેલા ચશ્માને ઊંચા ચડાવ્યા વિના જ નીચું જોઈને ગજવામાંથી કાઢેલી અન્ય નોટો જોડે આ પાંચ નોટ ભેળવી દઈને બધી જ નોટ એકસાથે ગણીને, બેવડી વાળીને ખિસ્સામાં સરકાવતા, ઢળેલા ચશ્માની ઉપરથી જ હકડેઠઠ ભરેલી દુકાન સામું એક સરસરી નજર કરીને પેલી બાઈ સામું સૂચક નજરે જોતા એજન્ટથી બોલ્યા વિના ન રહેવાયું. 
"અરે હાવ ટાઢું છે હમણા! સિજન જ નથી!" અંદરના અંધારિયા ખૂણે ઝબકી રહેલા ઝાંખા બલ્બને સ્વિચ પાડીને ઠારી નાખીને દુકાનદારે જવાબ આપ્યો. જો કે, શહેરના ઝડપથી વિકસિત થઈ રહેલા વિસ્તારમાં આવેલી આ દુકાનમાં કાયમ ઘરાકી જામેલી રહેતી. 

"શેઠ પૈસા...." થોડા ડરેલા અવાજે બાઈ બોલી. 

"ઉતાવળ નૈ કરવાની.... આંયા અમારે હિસાબમાં ભૂલ આવે છે પછી! કહેતા એણે બેંકની નાનકડી પાસબુક એજન્ટ સામે ધરી! ડોકટરને ય આંટી દયે એવા અક્ષરમાં રકમ ભરીને સહી કરીને ચાલતા થયેલા એજન્ટની પીઠ દેખાઈ કે એણે ઊભા થઈને ઘોડાના છેક ઉપલા ખાનામાં રાખેલું બિસ્કિટનું પડીકું કાઢ્યું. ઉંદરે અર્ધોઅર્ધ કોરી કાઢેલા એ પૅકેટમાંથી બે બિસ્કિટ ખંખેરીને કાઢીને છોકરા સામું જોઈને એણે ગલ્લા પર રાખ્યા. ચાવી ફેરવીને દસ દસની સાત નોટ કાઢીને બિસ્કિટ એના પર મૂકીને બાઈ તરફ લંબાવી. 

દુકાનના અંદરના ભાગે બરણીઓમાં છૂટક વેચાતા સિંગ, દાળીયા ને રેવડીની કોથળીઓ ખાલી કરી રહેલા છોકરા સામું એક નજર કરી લઈને એણે ફરી બાઈ તરફ જોયું. છોકરાને થપથપાવીને શાંત કરવા મથી રહેલી બાઈ નોટ તરફ જોઈને હાથ અડાડયા વિના જ ખુમારી સભર ઊભી રહી. 

"બીજુ કાંય?" કહેતા એણે મોટું બગાસું ખાધું. સાંજ નમવા આવેલી. વહેલી સવારથી અત્યાર સુધી જમવાના સમયને બાદ કરતા લગાતાર આમ ને આમ ઘરાકી ચાલુ હતી. આખા યે વિસ્તારના મોટાભાગના ઘરોમાં અહીંથી જ કરિયાણા, સાબુ-સોડા અને બીજી પરચૂરણ ચીજોનું વિતરણ થાતું. એમાં યે, અર્ધા માલના આખા પૈસા આપે એવા આવા, રોજનું કમાઈને રોજ ખાનારા મજૂરિયા વર્ગના ઘરાકોનો તો સાંજ પડયે તડાકો પડતો! 

"પસા દીધા..." બાઈએ કાંઈક સાશંક નજરે જોતા કહયું.
"હા તી બાકીના તો ગણીને...." 

'...પાછા દીધા ને....' એટલું ય બોલવા રોકાયા વિના દુકાનદારે ચીલઝડપે નોટો ઉપાડી લીધી. દસ દસની બે નોટ બાઈ સામું ફેંકીને બાકીની પાંચ નોટ ગલ્લામાં સરકાવીને, કોઈ ઘરાક આવતું નથી એમ જોઈને ભીંતમાં અધ્ધર ખોડેલા મંદિરમાં દીવાબત્તી કરવાની તૈયારી કરવા માંડી. 

ચૂથાઈ ગયેલી નોટને બ્લાઉઝના પોલાણમાં ધકેલીને પીઠે વળગેલા છોકરાને આગળ ધકેલતી બાઈ ચાલતી થઈ. 
એક જ મિનિટમાં દોડીને પાછા આવેલા બાળકને, ગલ્લા પર પડી રહેલા બિસ્કિટ મુઠ્ઠીમાં દબાવીને ભાગતા જોઈ રહેલા દુકાનદારને, મનમાં ઉપજેલા દાન કર્યાના ભાવે કે પછી દીવાની ફરફરતી જ્યોતની આણે, જાણે કશું બોલવા જ ન દીધો! 

ફૂટપાથથી થોડે દૂર બેઠેલી માંદલી કૂતરીના મોં નજીક બિસ્કિટનો ઘા કરીને છોકરાએ અહીંતહીંથી ઊડી આવેલા કાગળના ડૂચા ભેગા કરીને મંગાળા હેઠ મૂકવા માંડયા. લીલા સૂકા લાકડા ફટાફટ સળગી ઊઠે ને કયારે તાવડીમાં શેકાતા રોટલાની મીઠી સોડમ માણવા મળે એની રાહમાં ફૂટપાથ પર ઠેકડો મારીને કૂદતા કૂદતા રમતા રમતા એણે માએ આજે શીખવેલો પાઠ યાદ કરવા માંડયો.... 

"ભીખના ભિસ્કુટ કૂઈતરા ખાય..... મે'નતના રોટલા મા'ણહ ખાય...."!!!!

શિર્ષક અને રજુઆત ― કાર્તિક શાહ (સંકલિત)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...