Sunday, September 10, 2017

ખાલીપો

ખાલીપો
ગઇકાલે સાંજે મેં ખાલીપો જોયો. એકદમ સુકલકડો બાંધો અને કેડથી તે સહેજ નમી ગયો હતો. એક હાથમાં છેડે રબ્બરના બૂચ લગાડેલી લાકડી હતી અને બીજા હાથમાં લીલા કલરની એક કપડાની થેલી. ખાલીપાએ જૂના જમાનાનું બેલબોટમ પેન્ટ પહેર્યું હતું. શર્ટના કોલર પર જામેલ કાળી કિનારીઓ એ વાત ચીસો પાડી પાડીને કહી રહી હતી કે આ શર્ટ કંઇ કેટલાય દિવસોથી ધોવાયુ નથી. સતત ધ્રુજારીથી ટેવાઇ ગયેલો ખાલીપો થોડી થોડી વારે નાક ઉપર નીચે સુધી સરકી જતા ચશ્માને પકડીને યંત્રવત રીતે પાછો ગોઠવતો. ડાબા કાંડામાં ચામડી પર પડી ગયેલ ધોળી લીટી એ વાતની સાબિતી આપતી હતી કે ખાલીપો કોઇ જમાનામાં ધણા સમય સુધી સમયને ઘડીયાળ રુપે સાથે લઇને ચાલતો હશે.

એક બે વાર બાજુ માંથી પસાર થતી રીક્ષા ને ઉભી રાખવા માંટે ખાલીપાએ હાથ ઊંચો કરવાનો પ્રયત્ન કર્યો પણ પછી ખબર નહી એના ખીસ્સાએ શું કહ્યું! કે  તે વળી પાછો એજ ધીમી ગતીએ ચાલતો આગળ વધ્યો.

આગળ નાકા પરની દુકાનવાળાએ ઓટલા પર સૂતેલા કૂતરાને જોરથી લાત મારી. ઉંહકારા કરતું કૂતરું ઉછળ્યું. ખાલીપાએ ઉભા રહીને બે ધડી કૂતરાના માથે હાથ ફેરવ્યો. કૂતરુ પણ સાંધેલ સ્લિપરમાંથી દેખાતા પગને વ્હાલથી ચાટવા લાગ્યુ. ખાલીપામાં કશુંક ઉભરાયું ત્યાં તો ગલીના બીજા કૂતરાઓને જોતા એ એના હાથ માંથી ભાગ્યું. ખાલીપો આગળ વધ્યો. બે ત્રણ વાર એણે પાછુ ફરીને પેલા કૂતરાને જોવાના પ્રયત્નો પણ કરી જોયા.
ઉંમર અને અશક્તિને કારણે હવે ખાલીપાને તરસ લાગી. ફુટપાથની સામેની તરફ મફત પાણીની પરબ શબ્દો વાંચતા તરસ વધી. ત્યાં પહોંચીને કટાઇ ગયેલ સાંકળ સાથે બાંધેલ ગોબાઇ ગયેલ ગ્લાસને લઇ મોટા માટલાનું ઢાંકણ ખસેડતાજ અંદરથી એક બીજા ખાલીપણાએ બોગદો પડઘો પાડયો અને પોતાની પર હસીને ખાલીપો ત્યાંથી આગળ વધ્યો.
આગળ આવતી મસ્જિદની બહાર કોઇ પોતાની બાધા પૂરી કરવા જલેબી વહેંચી રહ્યું હતું. ઘણા વર્ષોથી નહી ચાખેલ ભૂતકાળની સૌથી વધુ ભાવતી ચીજને જોઇ અનાયાસે ખાલીપાનો હાથ એ લેવા લંબાયો. શર્ટની અરધી બાંય માંથી લગભગ સાતેક રક્ષાબંધનથી નહી બદલેલ કાળી પડી ગયેલી જનોઇએ ડોકીયું કરીને ખોંખારીને ધર્મ યાદ અપાવવાનો પ્રયત્ન કર્યો. હાથ ક્ષણ માંટે અટક્યા પણ પછી ધર્મ ઉપર સ્વાદનો વિજય થયો.

ખાલીપામાં ઘણા વર્ષે કંઇક ભરાયુ હોય તેમ લાગ્યુ ત્યાં તો મસ્જિદની બાંગ સાંભળી સમયનું ભાન થતા ખાલીપો બીજી વખત જલેબી લેવાની લાલચ છોડી આગળ વધ્યો.

આખરે ખાલીપો એક વિશાળકાય બંગલાની સામે જઇ પંહોચ્યો. એક ઝાડ પાછળ સંતાઇને તે ઘરને ટીકી ટીકીને જોવા લાગ્યો. આંખોને રડવું હતુ પણ ખાલીપો જેનુ નામ સાલુ એકેય ડુસકું ભીનું ના નીકળ્યુ. . જાણે પાણી આંખ વાટે નીકળવાનો રસ્તો જ ભૂલી ગયેલું.

બંગલાના દરવાજામાંથી એક ગાડી નીકળી. ગાડી ચલાવનારને જોઇ એના ચહેરા પર સ્મિત ટહુંકવા ગયુ પણ બાજુમાં બેઠેલ સ્ત્રીને જોઇને એય ઉડી ગયુ. ગાડી પસાર થઇ જતા સહેજ નિર્ભય પણે ખાલીપો ઝાડની પાછળથી બહાર નિકળ્યો. હવે એ જોવાય એટલા ધ્યાનથી ઘર તરફ જોતો રહ્યોં. થોડીવાર થઇને ઉપરની ગેલેરીમાં નાનકડો જયુ બોલ રમતો દેખાયો. ખાલીપાએ ભરાય એટલી હદે રમતા જયુને મનમાં ભરવાનો પ્રયત્ન કર્યો. થોડીવારમાં જયુ તો અંદર જતો રહ્યોં પણ ખાલીપો હજુ ત્યાંનો ત્યાજ. 

અંતે પહેલી વાર ખાલીપો બોલ્યો "હશે!!!"

વળી પાછો એ જ રસ્તે એ પાછો વળ્યો. રસ્તામાં એક સાવ નાનકડો છોકરો બે પથ્થરને આંગળીઓમાં ભરવીને બીજા હાથેથી એની પર ઝાટકા માંરીને ગઇ રહ્યોં હતો " પરદેસી પરદેસી જાના નહી ... મુઝે છોડકે....મુજે છોડકે"

ખાલીપો અંહી અટક્યો. લીલા કલરની કપડાની થેલી માંથી એક રમકડાની લાઇટવાળી ગાડિ નીકાળી એ છોકરાને આપી અને મનમાં કહ્યું “ હેપ્પી બર્થ ડે જયુ..ગીફ્ટ ફ્રોમ યોર દાદુ”.  ગીત ગાઇને ઘર ચલાવતા એ બાળકમાં એ ગાડિ જોઇ બાળપણ આળસ મરડીને ઉભુ થયુ.. પણ રમવા બેસશે તો સાંજે ઘરના લોકોને જમાડશે શું? એવો પૂખ્ત વિચાર કરી વળી પાછા પથ્થર ને ઝાટકા માર્યા "  પરદેસી મેરે યારા... લોટ કે આના..તુમ યાદ રખના કહી ભૂલ ન જાના.."


અંતે ૮ વાગ્યાનો જમવાનો બેલ પડે તે પહેલા ખાલીપો શેઠ જમનાદાસ ઘરડાઘરમાં દાખલ થયો અને બાકિના ૮૭ ખાલિપાઓ સાથે ભળી ગયો. (ડૉ.હાર્દિક યાજ્ઞિક ના હૃદયસ્પર્શી લેખમાંનો એક)
–― માત્ર રજુઆત : કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...