Tuesday, September 26, 2017

એન્થની ગોન્સાલ્વીસ


એન્થની ગોન્સાલ્વીસને કોણ નહીં ઓળખતું હોય? મનમોહન દેસાઈની ફિલ્મ‘અમર અકબર એન્થની’માં એન્થની ગોન્સાલ્વીસની ભૂમિકા કરનાર અમિતાભ બચ્ચને આ પાત્રને ઘેરઘેર જાણીતું કરી દીધું હતું. ‘માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વીસ’ ગીતની આ લીટી સાંભળીએ એટલે અનાયાસે જ તેના પછીની લીટી ‘મૈં દુનિયામેં અકેલા હૂં’ હોઠ પર આવી જાય. જાણકાર હોય એ એમ પણ કહે કે આ એન્થની ગોન્સાલ્વીસ નામની એક વ્યક્તિ વાસ્તવમાં છે અને એ પણ ફિલ્મી દુનિયામાં.આટલું જણાવીને એ રહસ્ય ખોલતા હોય એમ જણાવે કે અસલી એન્થની ગોન્સાલ્વીસ એટલે સંગીતકાર પ્યારેલાલના ગુરુ. અને આ ગીત દ્વારા પ્યારેલાલે ખરેખર તો પોતાના આ ગુરુને અંજલિ આપી છે. વાત સાચી છે. 

૨૦૧૨ના જાન્યુઆરીની ૧૯મી તારીખે એન્થની 
ગોન્સાલ્વીસનું અવસાન થયું ત્યારે પણ ટી.વી.ચેનલ પર કે અખબારોમાં આટલી જ માહિતી આપવામાં આવી હતી. એ બહાનેય એન્થની ગોન્સાલ્વીસને યાદ કરાયા એ આનંદની વાત છે. પણ તેમની ઓળખ ફક્ત આટલી જ છે? આ ઓળખ  સાચી  ખરી,  પણ અધૂરી  કે  એકાંગી  કહી  શકાય. અમિતાભ બચ્ચનની  ઓળખ કેવળ  ઐશ્વર્યાના સસરા તરીકે  કે રાજ કપૂરનો પરિચય રણબીર કપૂરના દાદા તરીકે આપવા જેવી ચેષ્ટા એ કહેવાય.

વાસ્તવમાં એન્થની ગોન્સાલ્વીસનું કામ હિન્દી ફિલ્મ સંગીતમાં એવું અને એટલું પ્રચંડ  અને પાયાનું છે કે કોઈ એક ઓળખમાં તેમને કેદ કરવા મુશ્કેલ બને. સંગીતના વાતાવરણમાં જ જન્મેલા એન્થનીનો, તેમના પ્રદાનનો પરિચય મેળવવા જેવો છે.

૧૯૨૭માં ગોવામાં જન્મેલા એન્થનીના પિતા જોઝ ગોન્સાલ્વીસનું પોતાનું ‘યુનિવર્સલ’  નામનું બેન્ડ હતું.

ગોન્સાલ્વીસ કુટુંબમાં કોયર (ચર્ચમાં ગવાતાં સમૂહગાન) ની પરંપરા હતી. જોઝ પોતે સંગીતશાળા ચલાવતા. તેમની પાસેથીએન્થનીને વાયોલીન શીખવા મળ્યું. વાયોલીન પર તેનો હાથ 
એવો બેઠો કે માત્ર તેર વરસની  ઉંમરે  તો  એ પોતાના પિતાને ત્યા ભણવા આવતા અન્ય વિદ્યાર્થીઓને શીખવવા લાગ્યો, જે તેનાથી ઉંમરમાં  ઘણા મોટા હતા. સોળ વર્ષની ઉંમરે તરુણ વયનો એન્થની સંગીતકાર તરીકે નસીબ અજમાવવા માટે મુંબઈ આવ્યો. 

એ સમયે એન્થની વાયોલીન વગાડતો. ફિલ્મોના સંગીત માટે ત્યારે એવો રિવાજ પ્રચલિત હતો કે વાદકો સમૂહમાં વગાડતા અને સંગીતકાર એમાંથી નક્કી કરતા કે સોલો ટુકડા કોણ વગાડશે.
 
એન્થનીને કારદાર પ્રોડક્શન્સની ફિલ્મ ‘શારદા’ (૧૯૪૨) માં કામ મળ્યું, જેના સંગીતકાર હતાનૌશાદ/Naushad. નૌશાદની ઓરકેસ્ટ્રામાં જોડાયેલા એન્થનીએ પાર્શ્વસંગીતનું પાસું બખૂબી સંભાળી લીધું. 
નૌશાદ સાથે તેમને એવું ફાવી ગયું કે એ પછી નૌશાદ માટે તેણે અનેક ફિલ્મો કરી, જેમાં સ્ટેશન માસ્ટર(૧૯૪૨), સંજોગ(૧૯૪૩), ગીત (૧૯૪૪), રતન(૧૯૪૪), અનમોલ ઘડી (૧૯૪૬), દુલારી(૧૯૪૯), દાસ્તાન (૧૯૫૦), જાદુ(૧૯૫૧),  બૈજુબાવરા(૧૯૫૨), મધર ઈન્ડીયા(૧૯૫૭) વગેરેનો સમાવેશ થાય છે. વાયોલિન  વગાડવા ઉપરાંત એન્થનીનું મુખ્ય કામ હતું નોટેશન્સ બનાવવાનું, ગોવાના અનેક વાદકો ત્યારે ફિલ્મસંગીતના ક્ષેત્રે નસીબ અજમાવવા માટે મુંબઈ આવી રહ્યા હતા. એ સમયે ત્યારના જાણીતા વાયોલીન વાદક પીટર સેક્વેરા સાથે એન્થનીનો પરિચય થયો અને તેમના થકી ઓળખાણ થઈ સંગીતકાર અનિલ બિશ્વાસની. દેવિકા રાણી અને અનિલ બિશ્વાસ ત્યારે બોમ્બે ટૉકીઝ માટે પ્રતિભાશાળી વાદકોની તલાશમાં હતા. શરૂઆતમાંતો ગીતમાં ઈન્ટરલ્યૂડ (બે અંતરાની વચ્ચેના ભાગના) સંગીતમાં વૈવિધ્ય ભાગ્યે જ જોવા (સાંભળવા) મળતું. મોટે ભાગે સીધાસાદા આરંભ પછી ગીતના શબ્દો આવે અને ગાયન દરમ્યાન તેમજ બે અંતરાઓની વચ્ચે ટ્રમ્પેટ કે અન્ય વાદ્યની એકધારી સંગત ચાલ્યા કરતી. એન્થનીએ ધીમે ધીમે આ પદ્ધતિમાં પરિવર્તનનો આરંભ કર્યો અને સૂરોની ગોઠવણીમાં ફેરફાર કરવા માંડ્યો. નૌશાદથી ઘણા સિનીયર, છતાં તેમના સહાયક સંગીતકાર ગુલામમહમ્મદને આ રીતમાં મઝા ન આવતી. એટલે તે કહેતા, ‘બેસૂરા લગતા હૈ.’ જોકે, એન્થનીની આવી સ્વરબાંધણીઓ લોકપ્રિય  થવા લાગી.

સચિન દેવ બર્મન નો ફિલ્મસંગીત  ક્ષેત્રે  ‘શિકારી’થી પ્રવેશ થયો ત્યારે તેમને પણ એન્થનીની જરૂર પડી. માસ્ટર ગુલામ હૈદર, ખેમચંદ પ્રકાશ, જ્ઞાન દત્ત, હુસ્નલાલ-ભગતરામ, સી.રામચંદ્ર જેવા લોકપ્રિય અને પ્રતિભાશાળી સંગીતકારો પણ એન્થનીની પ્રતિભાનો લાભ લેવા  લાગ્યા. ચાલીસના દાયકામાં ઓરકેસ્ટ્રાથી સજાવેલાં ગીતોનું સંગીત રચવામાં એન્થની ગોન્સાલ્વીસનું પ્રદાન મહત્વનું બની રહ્યું. ગીતની મૂળભૂત મેલડી(માધુર્ય) ને જાળવી રાખીને એન્થની તેમાં ઓરકેસ્ટ્રાના સંગીતની એવી મેળવણી કરતા ગીતની અસર વધુ પ્રભાવક બની જતી. પશ્ચિમી સંગીતના તૈયાર ટુકડાઓને એમના એમ ગોઠવી દેવાને બદલે એ નવું પાશ્ચાત્ય સંગીત રચતા, જેમાં પૂરેપૂરી ભારતીયતા રહેતી. 

હિંદી ફિલ્મોમાં મ્યુઝીકલ એરેન્જમેન્ટનો આરંભ તેમણે પોતે કર્યું હોવાનું એન્થનીએ કુશલ ગોપાલક સાથેના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.  એન્થની પોતે ફ્રી-લાન્સર તરીકે કામ કરતા હોવાથી એ સમયના અનેક મહારથી સંગીતકારો સાથે કામ કરવાનો મોકો  તેમને મળ્યો. 

રાજ કપૂરની ‘આવારા(૧૯૫૧) ફિલ્મનું સંગીત તૈયાર કરતી વખતનો એક પ્રસંગ બહુ જાણીતો  છે. ‘તેરે બિના  આગ  યે ચાંદની’ ગીતના આરંભે આવતા વાયોલિનના પીસની પ્રેકટીસ  એન્થની અને તેમના સાથીદાર ડોરાડો કરી રહ્યા હતા. આ ટુકડા બહુ અટપટા હતા. એ અરસામાં રાજ કપૂર ત્યાં આવી ચડ્યા. ફિલ્મમાં વિલંબ થયો હોય કે બીજું કોઈ કારણ હોય, રાજ કપૂર આ દૃશ્ય જોઈને નારાજ  થઈ ગયા. તેમણે આ બન્નેને ફિલ્મના સંગીતમાં દખલ ન કરવાની તાકીદ કરી દીધી. બન્ને જણા પોતાનો સામાન બાંધીને ચૂપચાપ નીકળી ગયા. એ પછી ગીતનું રેકોર્ડિંગ ગોઠવાયું ત્યારે એક પણ વાયોલિનીસ્ટ  આ અટપટા ટુકડા વગાડી શક્યો નહીં. છેવટે રાજ કપૂરે એન્થનીને વિનંતી કરી અને તેમને માનભેર બોલાવ્યા. એન્થની વિનંતી સ્વિકારીને આવ્યા. એ વખતે સામાન્ય રીતે વાદકોના સમૂહ વચ્ચે એક કે બે માઈક મૂકવામાં આવતાં, એને  બદલે ખાસ   આ બન્ને વાયોલિનીસ્ટ વચ્ચે માઈક મૂકવામાં આવ્યું. ગીત રેકોર્ડ થયું.  

એન્થનીએ એમ પણ કહેલું કે લતામંગેશકર એવી ગાયિકા હતી કે જે બીજો ‘ટેક’લેવા માટે કદીઈન્કાર નહોતી કરતી. અન્ય સાજિંદાઓ થાકીને કંટાળી ગયા હોય તો પણ લતા તેને પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી ‘ટેક’નો આગ્રહ રાખે છે.

પ્યારેલાલને તેમના પિતા રામપ્રસાદ શર્મા એન્થની પાસે તાલિમ લેવા મોકલેલા અને પ્યારેલાલે તેમની પાસે તાલિમ લઈનેઆગળ જતાં સ્વતંત્ર (જોડીમાં) સંગીતકાર તરીકે પોતાની પ્રતિભા પુરવાર કરીહતી.  એ ઘટનાના દાયકાઓ પછી ‘અમર અકબર એન્થની’ ફિલ્મ બનવાની હતી અને તેનાં ગીતો લખાયાં પછી રેકોર્ડિંગની તૈયારી ચાલતી હતી. આ ફિલ્મમાં હિંદુ, મુસ્લિમ અને ગોવાનીઝ ખ્રિસ્તીના ત્રણ મુખ્ય પાત્ર પૈકી ખ્રિસ્તી પાત્રનું નામ એન્થની ફર્નાન્ડીસ રાખવામાં આવેલું. અને તેને માટે ‘માય નેમ ઈઝ એન્થની ફર્નાન્ડીસ’ ગીત પણ આનંદ બક્ષીએ લખેલું. પણ રેકોર્ડિંગ સમયે ગીતકાર અને સંગીતકારને લાગ્યું કે આ પહેલી લીટી બરાબર જામતી નથી. એ વખતે ફિલ્મની સંગીતકાર જોડી લક્ષ્મીકાન્ત પ્યારેલાલ પૈકીના પ્યારેલાલને પોતાના ગુરુનું નામ યાદ આવ્યું. આ નામ રાખીને તેમણે તર્જ બેસાડી જોઈ તો વાત જામી ગઈ. બસ, પછી તો પૂછવું જ શું? અસલી એન્થની ગોન્સાલ્વીસને કોઈ ઓળખે કે ન ઓળખે, તેમનું નામ લોકોના હોઠો પર ગૂંજતું થઈ ગયું. ભલે ને લોકો એન્થનીગોન્સાલ્વીસ તરીકે પરદા પરના અમિતાભને ઓળખતા હોય! એ પછી તો ‘માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વીસ’/ My name is Anthony Gonsalves નામની ફિલ્મ પણ આવી ગઈ. તેને પણ આ ગીતની જેમ જ અસલી ગોન્સાલ્વીસ સાથે કશી લેવાદેવા નહોતી. 

એન્થનીની કાર્યશૈલી એવી હતી કે વિખ્યાત રેકોર્ડીસ્ટ કૌશિક તેમને‘પરફેક્શનિસ્ટ’ કહેતા. તેમણે લખેલી એકે એક નોટનું સંગીતમાં આગવું સ્થાન અને મહત્વ હતું.
૮૫ વરસનું દીર્ઘ આયુષ્ય ભોગવનાર સંગીતના આ ઉસ્તાદે જાણીબૂઝીને પાછલાં વરસોમાં ફિલ્મક્ષેત્રથી છેટું રાખ્યું હતું. છતાંય પ્રતાપ અમિતાભે ભજવેલા ફિલ્મના પાત્રનો કે તેમના અવસાનના સમાચાર પ્રસારમાધ્યમોમાં ચમક્યા.બાકી તો ફિલ્મસંગીતના પાયાના પથ્થર સમા આવા કેટલાય કલાકારો નિવૃત્તિ પછી ગુમનામ અવસ્થામાં જ જીવ્યા છે અને મૃત્યુ પામ્યા છે. બાકી તો સ્થિતિ એવી છે કે ફિલ્મના ક્રેડીટ ટાઈટલ્સમાં સ્પોટ બૉયનું નામ જોવા મળશે,પણ વાદકોનાં નામ ભાગ્યે જ જોવા મળશે.


રેડિયો સિલોનને લોકપ્રિયતા અપાવવામાં આ મહાશયનો પરોક્ષ ફાળો હતો. પણ એ વાત ફરી ક્યારેક.

(માહિતી સ્રોત: ‘ધ અનસન્ગ હીરોઝ’ અને ‘બીહાઈન્ડ ધ કર્ટન્સ’ પુસ્તકો)





No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...