Sunday, September 17, 2017

સફર પ્રતિકૂળ પ્રવાહો સામેની

થોડી લાંબી વાત છે પણ....

થોડા વર્ષો પહેલા રાજકોટના એક નર્સિંગ હોમમાં એક પ્રસુતાએ દિકરાને જન્મ આપ્યો. પરિવારમાં નવા સભ્યનું આગમન થયુ એટલે દાદીએ ફોન જોડીને દાદાજીને આ ખુશખબર આપ્યા. દાદા પણ પૌત્ર જન્મના સમાચાર મળતા ખુબ આનંદીત થયા.

થોડી વારમાં બાળકના દાદીએ ફરીથી દાદાને ફોન કર્યો. આ વખતે દાદીનો અવાજ ખુબ ભારે હતો. એમણે દુ:ખી હદયે એમના પતિને વાત કરતા કહ્યુ, " ભગવાને આપણને પૌત્ર આપ્યો પણ એને હોઠ, નાક, તાળવું કે આંખો કંઇ જ નથી. હવે આપણે શું કરીશું ? " દાદાએ પત્નિને સાંત્વના આપીને ભગવાન પર ભરોસો રાખવા કહ્યુ.

થોડા દિવસ પછી હોસ્પીટલમાંથી આ ખોડખાપણવાળા બાળકને ઘરે લાવવામાં આવ્યો. જુદા-જુદા ડોકટરોએ જુદા-જુદા અભિપ્રાયો આપ્યા. એક ડોકટરે તો એમ પણ કહ્યુ કે આ બાળકને ઇન્જેકશન આપીને શાંત કરી દઇએ કારણકે જો જીવશે તો તમે પણ દુ:ખી થશો અને બાળક પણ દુ:ખી થશે.

બાળકના દાદાએ પરિવારના બધા સભ્યોને ભેગા કરીને કહ્યુ, " જુઓ, આવડી મોટી દુનિયામાં આવો છોકરો ભગવાને આપણને જ કેમ આપ્યો ? ભગવાનને આપણા પર કેટલો મોટો વિશ્વાસ હશે કે હું આ છોકરાને જે ઘરે મોકલું છું ત્યાં બધા એને સાચવશે. ભગવાને આપણા પરિવાર પર મુકેલા વિશ્વાસને આપણે તુટવા નથી દેવો. આપણે બધા સભ્યો એની થોડી થોડી જવાબદારી વહેંચી લઇએ અને એને મોટો કરીએ."

આ છોકરા પર એક પછી એક 8થી વધુ ઓપરેશન થયા. બાળકના દાદાએ એને પગભર કરવા માટે શાળામાં દાખલ કર્યો. શરૂઆતમાં તો કોઇ શાળા એને સ્વિકારવા તૈયાર ન થઇ પછી એક શાળામાં એને એડમીશન મળ્યુ અને આ છોકરો ભણવામાં બીજા બાળકો કરતા પણ ધીમે ધીમે આગળ નીકળી ગયો અને શાળામાં પ્રથમ નંબર લાવતો થયો. ત્યાર પછીતો દાદાજીએ બાળકને ઓર્ગન, તબલા, બ્રેઇલ લીપી, કમ્પ્યુટર શીખવાડ્યા અને છોકરો બધામાં પાવરધો થયો.

દાદાને ઇચ્છા કે પૌત્ર સારો ગાયક બને એટલે એને ગાયકીના વર્ગોમાં મોકલવાની શરૂઆત કરી. તાળવું ન હોવા છતા ખુબ સારા ગાયન દ્વારા આ છોકરાએ એના કલાગુરુને પ્રભાવિત કર્યા અને કલાગુરુએ આ છોકરાની ગાયકીનો એક પ્રોગ્રામ રાજકોટ ના હેમુ ગઢવી હોલમાં કર્યો. ઉભા રહેવાની પણ જગ્યા ન મળે એવી જનમેદની વચ્ચે એકથી એક ચઢીયાતા ગીતો ગાઇને એણે બધાના દીલ જીતી લીધા.

આ છોકરાનું નામ છે ઉત્તમ મારુ અને એને તૈયાર કરનાર એના દાદાજી કુવરજીભાઇ મારુ. આજે આ છોકરાને 80થી વધુ ગીતો યાદ છે અનેક શ્લોકો અને પ્રશ્નોના જવાબો એને મોઢે છે. દુનિયા અને ભારતની સામાન્ય જ્ઞાનની અદભૂત સમજ ધરાવે છે.

બીજું કુંવરજીભાઈને પૂછવામાં આવ્યું કે, "ભગવાને આવું ખોડખાપણવાળું બાળક તમારે ત્યાં આપ્યું તો તમે ભગવાનને કંઈ ફરિયાદ ન કરી, કોઈ બળાપો ના કાઢ્યો."

કુંવરાજીભાઈએ જે જવાબ આપ્યો એ રૂંવાડા ખાડા કરી દે એવો છે. કુવારજીભાઈએ કહ્યું, " સાહેબ, આમાં ભગવાનને શું ફરિયાદ કરવાની હોય. ભગવાન આવડા મોટા બ્રહ્માંડના બધા જ પ્રાણીઓ, માણસો, સજીવોને સાચવતા હોય તો મારે તો ખાલી આ એક ઉત્તમને જ સાચવવાનો હતો.

ભગવાન તો અબજોની સંખ્યામાં ખોડખાપણવાળા જીવો-સજીવોને સાચવે છે તો હું એકને ન સાચવી શકું. મેં તો ભગવાનને એમ કહ્યું કે પ્રભુ, આપ કોઈ ચિંતા ના કરતા આને હું સાચવી લઈશ. આપ આપનુ કામ કરો અને હું મારુ કામ કરીશ."

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...