Thursday, September 21, 2017

બે રત્નો


ગૌતમભાઈ સંસારી સાધુ જેવા હતા. સંસારમાં હતા તોય લાલસા કે લોલુપતા નહોતી. પ્રામાણિક રીતે પોતાનો ધંધો કરી ઘર સારી રીતે ચાલે એટલું કમાઈ લેતા. તેમનાં પત્ની શોભનાબહેન પણ ધર્મપરાયણ અને સરળ સ્વભાવનાં હતાં. દંપતીને બે પુત્રો હતા. બંને ભણવામાં હોશિયાર. ગૌતમભાઈને એક વાર ‘માસિવ હાર્ટઍટેક’ આવી ગયેલો, પણ ઈશ્વરકૃપાથી ઊગરી ગયેલા. ડૉક્ટરોએ તેમને કાળજીપૂર્વક જીવવાની સલાહ આપેલી.
એક વાર ગૌતમભાઈ ધંધાના કામ માટે બે-એક મહિના પરદેશ ગયા. તેમના ગયા પછી પંદરેક દિવસમાં જ તેમના બંને પુત્રો અકસ્માતમાં મૃત્યુ પામ્યા. શોભનાબહેનને માથે આભ તૂટી પડ્યું પણ તેમની ઈશ્વરશ્રદ્ધા, મજબૂત મનોબળ અને સગાં-સંબંધીઓનો સહવાસ- આશ્વાસનથી તે આઘાત સહી શક્યાં. એમની ચિંતા એ હતી કે ગૌતમભાઈને જાણ કેવી રીતે કરવી ? તેમને એકાએક ટેલિફોન કે પત્ર મળે તો તેમની શી દશા થાય ? પારકે પરદેશ એમને ‘હાર્ટઍટેક’ આવી જાય તો ? ગૌતમભાઈ પાછા આવે પછી જ તેમને જણાવવું એવું શોભનાબહેને નક્કી કર્યું. ઈશ્વરને એ રોજ પ્રાર્થના કરતાં કે ગૌતમભાઈને જાણ કરવાનો રસ્તો સુઝાડે અને ખરેખર ઈશ્વરે રસ્તો સુઝાડ્યો.
ગૌતમભાઈ આવ્યા. શોભનાબહેનને ભેટી પડ્યા. ઘરના ખબર-અંતર પૂછ્યા અને તરત છોકરાઓ કેમ દેખાતા નથી, તેની ફરિયાદ કરી. શોભનાબહેને કહ્યું કે બંને મજામાં છે. શિક્ષણ માટેની ખાસ સફરે ગયા છે. રાત સુધીમાં આવી જશે. ગૌતમભાઈ અને શોભનાબહેન જમવા બેઠાં. ગૌતમભાઈએ વિવિધ અનુભવોની વાત કરી. શોભનાબહેને વાતવાતમાં કહ્યું કે એક ખાસ વાત કરવાની છે. મારી એક બહેનપણી મને બે સુંદર હીરા સાચવવા આપી ગઈ છે. મને હીરા બહુ ગમી ગયા છે. મારે એ પાછા આપવા નથી. તે માટે કોઈ રસ્તો બતાવો. શોભનાબહેનની વાતથી ગૌતમભાઈ ડઘાઈ ગયા. શોભનાબહેનને કદી આવું વિચારતાં તેમણે જોયાં નહોતાં. તેમણે કહ્યું, ‘તું આ કેવી વાત કરે છે ? આ તો ચોરી કહેવાય. બહેનપણી માગે ત્યારે હીરા પાછા આપી જ દેવા જોઈએ.’ શોભનાબહેનની આંખોમાંથી આંસુનો ધોધ વહ્યો, ‘ગૌતમ આપણને પણ ભગવાને બે રત્ન જેવા દીકરા સાચવવા આપ્યા હતા. ઈશ્વરે હવે તે પાછા લઈ લીધા છે. ઈશ્વર આપણી કસોટી કરવા માગતો હશે.’ શોભનાબહેને દીકરાઓના અકસ્માત-મૃત્યુની વાત કરી. પતિ-પત્ની એકબીજાને ભેટીને ખૂબ રડ્યાં, પણ ઈશ્વર તરફની બેઉની શ્રદ્ધા એવી જ રહી.
આપણા પ્રિયજનને મૃત્યુ છીનવી લે તે બહુ આકરી બાબત છે, પણ ઈશ્વરે જે આપેલું તે ઈશ્વર પાછું લઈ લે એમ માની સહન કરી લેવાથી શ્રદ્ધા ટકી રહે છે. સર્વ નાશવંત છે, ઈશ્વર કસોટી કરે છે એમ મન વાળવું જોઈએ. નહીં તો જીવનમાં નિરર્થક વિષાદ છવાઈ જાય છે.
(પાંદડે પાંદડે દિવા માંથી)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...