Thursday, September 21, 2017

સંસ્કારના પાઠ


રમેશ અને એના પપ્પા યોગેન્દ્ર કયારનાયે આવી ગયા હતા. ભૂખ્યાડાંસ હતા. પણ એમનાથી વહેલી આવી જનારી રમેશની મમ્મી નીના હજી આવી નહોતી. નાસ્તાના ડબ્બા ફંફોસ્યા, પણ કંઈ મળ્યું નહીં. દેવેન્દ્રે ગપ્પાંઓ ને તરેહતરેહની વાતોથી રમેશને બહેલાવે રાખ્યો. ત્યાં નીના આવી ગઈ. આજે એને ઓફિસમાં કામ વધારે હતું. બોસ સાથે થોડી ચણભણ પણ થયેલી. વચ્ચે રસ્તામાંથી થોડી ખરીદી, ખાસ કરીને નાસ્તાઓની કરવાની હતી. ટ્રાફિક બહુ હૅવી હતો. નીના થાકી ગઈ હતી, ધૂંઆપૂઆ હતી. આવીને એણે ઝડપથી રસોડું સંભાળ્યું.
યોગેન્દ્ર દીકરા રમેશની આંખ વાંચી શક્યો. દીકરો નીનાને કંઈક ખરુંખોટું સંભળાવવા જતો હતો. ત્યાં યોગેન્દ્ર મોટેથી નીનાને કહ્યું, ‘ટેઈક ઈટ ઇઝી, નીના. હું રમેશ ગપસપ માણીએ છીએ. તું તારે આરામથી રસોઈ કર. થઈ જાય એટલે કહેજે. આપણે સાથે જ જમીશું.’ એ પાછો રમેશ સાથે વાતે વળગ્યો. રમેશ કઈ બોલ્યો નહીં, પણ પપ્પાનું વલણ એને ઢીલું લાગ્યું. એને એ ગમ્યું નહીં. વચ્ચે વચ્ચે યોગેન્દ્ર કોઈક વાત મોટેથી બોલી કિચનમાં કામ કરતી નીનાને સાંભળવા કહેતો હતો.
ખીચડી-શાક થઈ ગયાં એટલે નીનાએ યોગેન્દ્ર-રમેશને બોલાવ્યા અને કહ્યું કે ચાલો, ગરમાગરમ પરોઠા ઉતારી આપું. યોગેન્દ્ર કહ્યું, એમ નહીં. તું બધા પરોઠા કરી નાખ. પછી સાથે જમવા બેસીએ.’ રમેશ મનમાં ને મનમાં વધુ ભડકયો. ત્રણે જણ સાથે જમવા બેઠાં. નીનાએ પીરસતાં પીરસતાં અપરાધભાવ સાથે કહ્યું, ‘સૉરી, આજે મોડું થયું ને ઉતાવળમાં રીંગણ-બટાકાનું શાક સહેજ દાઝી ગયું.’ ‘યોગેન્દ્ર કહ્યું, ‘ઓ ! ધેટ ઈઝ ગ્રેટ ! મને રીંગણાં, ભીંડા, કારેલાં જેવાં શાક સહેજ બળેલાં હોય તો વધારે ભાવે !’ એણે રમેશને કહ્યું, ‘શાકમાં જરા દહીં નાખીને ખાજે. નવો જ ટેસ્ટ મળશે.’
જમ્યા પછી બાપદીકરો વાતો કરતાં બેઠા હતા. રમેશે પૂછયું, ‘પપ્પા તમને ખરેખર દાઝેલાં રીંગણાં ભાવે છે.’ યોગેન્દ્રે જવાબ આપ્યો, ‘બેટા, ટેસ્ટ હંમેશાં વિકસાવી શકાય છે, ડેવલપ કરી શકાય છે. આપણે એવા સમયમાં જીવીએ છીએ કે બંને લગ્નસાથીઓએ કામ કરવું પડે છે. એક લગ્નસાથી નોકરી ઉપરાંત ઘરકામ પણ કરે છે. એ વ્યવસ્થામાં ડબલ બોજો ઉપાડનારને હળવાશ બક્ષવી જોઈએ. કદાચ થોડુંઘણું નિભાવી લેવું પડે, ચલાવી લેવું પડે, પણ ઘરમાં શાંતિ અને પ્રેમ માટે એવા મનસમાધાન નહીં કરીએ તો નહી ચાલે.’
રમેશના બધાંય વાંધા-વચકા ખરી પડયા. મમ્મીનો વિચાર કરતાં, એને મદદ અને પ્રેમ આપવાનું એણે નક્કી કર્યું ! સંસ્કારો કહેવાથી, ઉપદેશથી સિંચાતા નથી. એને જીવવા પડે છે. તો જ એ સંતાનોમાં ઊતરે.
(પાંદડે પાંદડે ટહુકો માંથી)

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...