Sunday, April 2, 2017

"વિશ્વાસ"


ગયા અઠવાડિયાની એક સત્યઘટના:
"વિશ્વાસ"
" સાહેબ, મારી પત્નીને શુ બીમારી છે? એનો જીવ આપના હાથમાં જ છે. ગમે એ કરો પણ તમારે જ એને સાજી કરવાની છે...!"

મેં કહ્યું, " ભાઈ, એમને આંતરડાના કેન્સર ની જટિલ બીમારી છે. પાછું સ્ટેજ 3 માં છે, એઆજુબાજુ ના અવયવો સાથે પણ ચોંટી ગયું લાગે છે. ગામડાં માં આની સવલત ના હોવાથી તમારે અમદાવાદ જ આવવું પડે ત્યાર બાદ બીજી સારવાર પણ લેવી પડે. અને કદાચ, મારા સિવાય જો કોઈ બીજા સર્જનનો અભિપ્રાય લેવો હોય તો તમારે એ લઇ લેવો જોઈએ."


ના અમારે ક્યાંય નથી જવું. તમે કાઈ ખોટું થોડું વિચારો અનારા માટે. અમને તો તમારા પર જ ભરોસો.

" ખર્ચ બોલો કેટલો થશે? "

હવે હું જરાક વિચાર સાથે એમની આર્થિક નબળી પરિસ્થિતિ જોઈ બોલ્યો. ભાઈ, આનું ઓપરેશન કરવું પડે. કદાચ એવું પણ બને કે ગાંઠનું ઓપરેશન આપણે સંપૂર્ણ ના કરી શકીયે ને ખાલી બાયપાસ જ આપવું પડે....પછી કેમોથરાપીને એવું બીજું ઘણું...અમદાવાદ જેવા સેન્ટરમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં 10 દિવસ રહેવુય પડે...ખરચ થાય કદાચ સિવિલ હોસ્પિટલ માં તમારે સારું રહેશે.


"ના. તમારે જ કરવાનું. જે થાય તે પછી."

મેં કહ્યું, જુઓ ભાઈ, આપની લાગણી હું સમજ્યો. જો બધું સલામત કોઈ પણ કોમ્પ્લિકેશન વગર પતે તો આમ તો 1.5-2 લાખનો ખર્ચ થાય. જો કોઈ કોમ્પ્લિકેશન ઉભું થાય તો વધે પણ ખરો. લોહી 5 ટકા જ છે. લોહી જોઇશે 5-6 યુનિટ.

એ સાંભળી ભાઈ થોડાં ઢીલા પડ્યા. મેં એ રૂબરૂ જોયું. એના પત્ની માટે એ કાઈ પણ કરી છૂટવા તૈયાર હતો એ સ્પષ્ટ જણાતું હતું. "પણ મારી આટલી કેપેસિટી નથી. હું તો એક સરકારી બસ નો ડ્રાયવર છું" મારી પાસે આટલી માતબર રકમ ના હોય. " 

મને ખબર છે. પણ આ ખર્ચતો થવાનો.કદાચ 5-10 % આઘો પાછો.
ના પણ હું વ્યવસ્થા કરીશ. તમે બોલો ક્યારે દાખલ થવાનું?

મેં કહ્યું કાલે જ. એમાં ઢીલ શાની. પહેલા લોહી તો ચઢાવું જ પડશે.
ભાઈની આ તૈયારી જોઈ મેં તરત જ કીધું. તમે ચિંતા ના કરો મારી ફી જાવા દો. તમને મેં કીધું એના 50 ટકા થી પણ ઓછા ખર્ચ માં સારવાર હું કરી આપીશ. દવા, સ્ટેપ્લર, એનેસ્થસિયા, icu, બ્લડ, તપાસો, સીટી સ્કેન આ બધું થયી ને લગભગ 60-70 હજાર નો ખર્ચ તો એનો જ છે...તમે ખાલી એ ભરી દેજો. બાકી ઉપર હજાર હાથ વાળો બેઠો છે. એ સંભાળી લેશે.

ભાઈ, મારા આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે એની પત્ની ને લઈને અમદાવાદ પહોંચ્યા. પહેલા જ દિવસે, એમણે ટેબલ પર 70 હજાર રૂપિયા મૂકી દીધા. લો સાહેબ, આ તમે કીધું તું ને....તમે તમારું કામ ચાલુ કરો.મારી પાસે જે હતું તે બધું ગોઠવણ કરી મેં આ રૂપિયાની વ્યવસ્થા કરી છે. મેં કહ્યું, અરે આની કોઈ ઉતાવળ નથી. તમે પછી આપજો...

ના, તમે તમારી ફી ઓછી કરો. કાઈ બધું મફત થોડું થાય. અમે ભલે ગામડાના માણહ પણ એટલું તો અમને ય ખબર પડે....હું દંગ રહી ગયો..!

લોહી ચડ્યું, ઓપરેશન પણ થઈ ગયું, એમના પત્ની ખાતા પીતા પણ થઈ ગયા. ડિસ્ચાર્જ નો ટાઈમ થયો.  મેં કીધું, રજા અને કરો મજા હવે. ..ઉપર વાળો પણ ભાવના ની કદર કરે જ છે.
તરત બીજી જ ક્ષણે, ભાઈએ.પૂછ્યું, સાહેબ તમારું બિલ? મેં કહ્યું કાઈ નહીં? આપણે વાત થયી તી તો ખરી?

ના એવું ના ચાલે? એ ગદગદ થયી બોલ્યો. મને એ ડંખશે. 

એક કામ કરો, હું આવતા અઠવાડિયે તમને ફરી બતાવવા લઈને આવું ત્યારે લેતો આવીશ ખાલી. મને આંકડો કહી દો.મેં ચોખ્ખી ના પાડી.


બીજા અઠવાડિયે, ભાઈ આવ્યા. એમના પત્ની ને સારું હતું. ટાંકા પણ નીકળી ગયા. પરિવાર આનંદ માં હતો. પછી ભાઈ એ વાત કાઢી. હું અત્યારે કદાચ ફી નહીં આપી શકું, પણ મારા ખેતર માં અત્યારે ઘઉં થાય છે. બહુ જ સરસ પાક ઉતાર્યો છે. તમે મારા પરિવાર માટે આટલું વિચાર્યું તો અમે તમારા પરિવાર માટે ના વિચારી શકીયે. એક કામ કરો, હું તમારા માટે પોન્ક અને ઘઉં મોકલાવીશ. એ ભાઈએ આજીજી કરી ને કહ્યું જોજો એનો સ્વીકાર કરજો...નહીંતર મારુ મન દુભાશે!!

ફરી આ ભાઈએ મને આશ્ચર્ય માં મૂકી દીધો. મેં વિચાર્યું, શુ આ માણસની માણસાઈ..ને આત્મસન્માન...મેં સહજ જ કહ્યું, ભાઈ, તમે કીધું એમાં બધું જ આવી ગયુ. આવું કૈજ તમારે નથી કરવાનું. હું તમારા ગામ માં આવી એક દિવસ ચા પી જઈશ બસ.!!

ભાઈ ને દુઃખ થયું. એ બોલ્યાં ના એ તો આવજો ત્યારે આવજો. પણ આ તો લેવાનું જ છે. બહુ આનાકાની પછી મેં કહ્યું, એક કામ કરો આ ઘઉં તમે તમારા પરિવાર માટે જ રાખો. ને હું આ થોડો પોન્કનો સ્વીકાર કરું છું.
ભાઈ સહર્ષ બોલ્યાં, પણ તમારે ઘરે લઈ જવાનો. નહીંતર મને સરનામું આપો, હું પહોંચાડી દઈશ...મેં કહ્યું ના ભાઈ ના, તમને મારા પર વિશ્વાસ નથી?
ભાઈ, છેલ્લું વાક્ય બોલ્યા, " સાહેબ, આ વિશ્વાસ નો દોરો જ તો છે જેણે અમને તમારી સાથે બાંધેલા છે. આ વિશ્વાસે જ તો મારી પત્ની ને સાજી કરી છે. એ જીવશે ત્યાં સુધી અમારો પરિવાર આપનો ઋણી રહેશે!! આ ઋણ સામે આ બધું જ કાઈ નથી!!!

એ ભાઈ આંખ માં આંસુ સાથે પોન્ક ની થેલી મને આપી વિદાય થયાં....!!
(આ જ અઠવાડિયા ની એક બીજી સત્ય ઘટના ...આનાથી એકદમ વિપરીત.આપણાં અમદાવાદ ના ઉચ્ચ શિક્ષણ પામેલા મરસીડીઝમાં આવેલા ઉચ્ચ આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારની ..ફરી ક્યારેક રજુ કરીશ!!)

આ બધું ક્યાંય કોઈ જ સમાચારપત્ર કે આપણો આ ભદ્ર સમાજ કે બુદ્ધિજીવીઓ પ્રસ્તુત નથી કરતા. માટે અહીં રજૂ કરેલ છે. આવી ઘટનાઓ પ્રત્યેક ડોક્ટર સાથે ઘટતી જ હોયછે. પણ ડોક્ટર ચર્ચાય છે તો બસ એની ઊંચી ફી માટે, બેદરકારી વિશે ને એના પર થતા assault વિશે.!!! ઉપરનો પ્રસંગ પણ ચર્ચાય તો ડોક્ટરો માટે સારું...પણ એવું નહીં થાય એ બધા જ જાણે છે..

- કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...