Saturday, April 8, 2017

ક્રોધ

હિંદુ શાસ્ત્રોમાં કામ, ક્રોધ ,લોભ ,મોહ , મદ અને મત્સર એ બધી માણસની વૃતિઓને ષડરીપુ એટલે કે છ પ્રકારના દુશ્મનો કહેવાયા છે .

માણસ માટે ક્રોધ એ એના શરીર અને મન માટે એક ધીમું ઝેર છે . ક્રોધ માણસને અંદરથી ખોખલો બનાવી દે છે .

એની અસર નીચે એ સારા કે નરસાનું ભાન ગુમાવી દે છે. બધાં જ દર્દોની એક દવા-જડીબુટ્ટી જેવી આપણી શ્રીમદ ભગવદ ગીતામાં શ્રી કૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં જે લક્ષણો બતાવ્યાં છે , એમાં પણ જણાવાયું છે કે –

*'વિષયોનું રહે ધ્યાન, તેમાં આસક્તિ ઉપજે,*
*જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નિપજે.*
*ક્રોધથી મૂઢતા આવે , મૂઢતા સ્મૃતિને હરે,*
*સ્મૃતિલોપે બુદ્ધિ નાશ , બુદ્ધિનાશે વિનાશ છે.'*

સંત કબીરે પણ એમના એક દુહામાં ગાયું છે કે;
*"કામ, ક્રોધ, મદ, લોભકી, જબલગ મનમેં ખાન,*
*તબલગ પંડિત મુરખ હી, કબીર એક સમાન.*

*જ્યારે માણસની બુદ્ધિ ઉપર ક્રોધની લાગણી હાવી થઇ જાય છે ત્યારે ન કહેવાનું કહેવાઈ જાય છે અને ન કરવાનું કાર્ય થઇ જાય છે.ક્રોધ કર્યાં પછી જ્યારે માણસની બુદ્ધિ ઠેકાણે આવે છે ત્યારે એને સાચી વાત સમજાતાં પુષ્કળ પસ્તાવાની લાગણી થતી હોય છે.*

"એક પિતા એમની ગુલાબના ગોટા જેવી નાની નિર્દોષ બાલિકાને એમણે હમણાં જ ઘસી ઘસીને ચકચકિત કરેલી મોટર ગાડી ઉપર કલરના ક્રેયોનથી કઈક લખતી જુએ છે અને આ પિતાનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી જાય છે .
તેઓ ગુસ્સામાં કશું જોયા વિચાર્યા વિના એમને બહું પ્રિય એવી એમની ગાડીનું બારણું જોરથી બંધ કરે છે .

આ બારણામાં એમની નાની દીકરીના એક હાથની નાજુક આંગળીઓ ચગદાઈ જાય છે .
ગાડીનું બારણું બંધ કરીને જ્યારે પિતાએ જોયું તો એમની પુત્રીએ ક્રેયોનથી આ લખ્યું હોય છે:  ” આઈ લવ યુ પપ્પા !!!! “

રોતી કકળતી નાની બાલિકાની એક આંગળીને હોસ્પીટલમાં  કપાવી નાખવી પડે છે .
નાની અબુધ દીકરી પિતાને પૂછે છે “મારી આ આંગળી ક્યારે પાછી ઉગશે પપ્પા .”
આ છોકરી જ્યારે મોટી થશે ,પરણશે ત્યારે જ્યારે જ્યારે કપાયેલી આંગળીઓ ઉપર નજર કરશે ત્યારે એને વર્ષો પહેલાંનો પિતાનો ક્રોધિત ચહેરો નજર સામે દેખાશે ."
આ બનાવ બન્યા પછી પિતાને પુષ્કળ પસ્તાવો થાય છે કે મેં મારી દીકરી કરતાં મારી ગાડીને વધુ મહત્વ આપ્યું એનું કેવું ખરાબ પરિણામ આવ્યું !


નાનકના શબ્દોમાં-
અબ પસ્તાયે ક્યાં હોત જબ ચીડીયા ચુગ ગઈ ખેત

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...