Monday, April 23, 2018

મહાદેવી વર્મા - હિન્દી કવયિત્રી


સુપ્રસિદ્ધ હિન્દી કવયિત્રી મહાદેવી વર્માના શરૂઆતના દિવસોનો પ્રસંગ છે. એકવાર એમના મનમાં બૌદ્ધ ભિક્ષુણી બનવાનો વિચાર આવ્યો પણ છેવટની ઘડીએ એમનો વિચાર બદલાઈ ગયો, આમ કેમ બન્યું એ એમના જ શબ્દોમાં સાંભળીએ…..


ત્યારે હું કૉલેજના પ્રથમ વર્ષમાં ભણતી હતી. મનમાં વિચાર આવ્યો કે ભિક્ષુણી બની જાઉં. મેં લંકાના બૌદ્ધ-વિહારમાં પત્ર લખ્યો. એમને જણાવ્યું કે હું ભિક્ષુણી બનવા માગું છું. દીક્ષા માટે લંકા આવું કે આપના કોઈ ભિક્ષુ ભારત આવશે ?

એમણે જવાબ આપ્યો : ‘અમે ભારત આવીએ છીએ. નૈનીતાલમાં રોકાઈશું. તમે ત્યાં આવીને મળો.’ મેં ભિક્ષુણી બનવાનો નિશ્ચય કરી લીધો. મારી બધી મિલ્કત દાન કરી દીધી. જ્યારે નૈનીતાલ પહોંચી અને જ્યારે જોયું તો ત્યાં અંગ્રેજો જેવો ઠાઠમાઠ છે, મને થયું – આ કેવો ભિક્ષુ છે. ભાઈ, આવો જ ઠાઠમાઠ રાખવો હોય તો ભિક્ષુ શા માટે બનવું ? ખેર, તો પણ હું ગઈ.


સિંહાસન પર ગુરુજી બેઠા હતા. એમણે ચહેરાને પંખાથી ઢાંકી રાખ્યો હતો. એમને જોવા હું આગળ વધી. એમણે મ્હોં ફેરવી ફરી ચહેરો ઢાંકી દીધો. હું જોવાનો પ્રયત્ન કરતી અને તે ચહેરો ઢાંકી દેતા. કેટલીયે વાર આમ બન્યું અને અમને ગુરુનો ચહેરો જોવા ન મળ્યો. જ્યારે મંત્રીવર અમને વળાવવા બહાર સુધી આવ્યા, ત્યારે અમે એમને પૂછ્યું : ‘ગુરુજી મ્હોં પર પંખો કેમ રાખે છે ?’

એમણે જવાબ આપ્યો : ‘તે સ્ત્રીનું મ્હોં જોતા નથી.’

મેં મારા સ્વભાવ પ્રમાણે એમને સ્પષ્ટ કહી દીધું, ‘જુઓ, આવી નિર્બળ વ્યક્તિને અમે ગુરુ નહીં બનાવીએ. આત્મા ન તો સ્ત્રી છે, ન તો પુરુષ. ફકત માટીના શરીરને જ આટલું મહત્વ કે આ જોવાય અને આ ન જોવાય ?’

પછી હું પાછી આવી. એમના ઘણા પત્રો આવ્યા, વારેવારે પુછાવતા – ‘આપ ક્યારે દીક્ષા લેશો ?’
મેં કહ્યું : ‘હવે શું દીક્ષા લઈએ. આવા નિર્બળ મનોબળવાળા અમને શું આપશે ?’


અને આ રીતે મહાદેવીજી બૌદ્ધ ભિક્ષુણી બનતાં બનતાં રહી ગયાં, અને મહાદેવીના રૂપમાં હિન્દી જગતને મળ્યો છાયાવાદનો એક મહાન સ્તંભ…

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...