Monday, April 23, 2018

રુસો


ફ્રાન્સના મહાન વિદ્વાન રુસો એ સમયે બાળક હતા. તેઓ રવિવારે રજાના દિવસે દરરોજ પોતાના કાકાના ઘરે જતા હતા. કાકાના દીકરા ફેજી સાથે રુસોને સારી દોસ્તી હતી. 

રુસોના કાકાનું એક કારખાનું હતું. રવિવારે જ્યારે રુસો કાકાના ઘરે ગયા તો ફેજીએ તેને કારખાને જવા કહ્યું. રુસો માની ગયા. બંને બાળકો કારખાને પહોંચ્યાં અને મશીનો જોવા લાગ્યાં. રુસોનો હાથ એક મશીનના પૈડાં પર હતો. તે સમયે ફેજીનું ધ્યાન ક્યાંક બીજી તરફ હતું. તેણે મશીનનું પૈડું ફેરવી નાખ્યું. તેમાં રુસોની આંગળીઓ ચગદાઈ ગઈ. લોહીનો ફુવારો ઉડયો. તે દુ:ખાવાને કારણે ચીસ પાડી ઊઠ્યા. ફેજી એકદમ ગભરાઈ ગયો. તેણે તુરંત જ પૈડું ઊંધું ફેરવ્યું અને રુસોની આંગળીઓ મશીનમાંથી બહાર કાઢી. પછી તે દોડીને રુસો પાસે આવ્યો અને બોલ્યો, ભાઈ, બૂમો ના પાડ. મારા પિતાજી સાંભળી લેશે તો મને ખૂબ મારશે. રુસોએ પણ ખૂબ કોશિશ કરીને પોતાનું મોઢું બંધ કરી લીધું. ઘણા સમય સુધી ધોયા બાદ રુસોની આંગળીઓમાંથી લોહી વહેવાનું બંધ થયું. ફેજીએ એક કપડું ફાડીને આંગળીઓ પર પાટો બાંધ્યો. ફેજીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ભાઈ, હવે ઘરે જઈને તમે આ ચોટ વિશે શું જણાવશો? રુસોએ તેના ભાઈને આશ્ર્વાસન આપતાં જણાવ્યું કે, ભાઈ, ચિંતા ના કર. 

બંને જ્યારે ઘરે પહોંચ્યા તો ઘરના લોકો હાથમાં પાટો જોઈને પૂછવા લાગ્યા કે, શું વાગ્યું છે? રુસોએ ગોળ-ગોળ જવાબ આપ્યો કે, રમતાં-રમતાં વાગી ગયું છે. પૂરા ચાળીસ વર્ષ સુધી કોઈને પણ આ ઘટના અંગે ખબર ના પડી. કોઈની ભલાઈ માટે બોલાયેલું અસત્ય ક્ષમાયોગ્ય તો હોય જ છે, સાથે-સાથે આદરણીય અને વખાણવાલાયક પણ હોય છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...