Tuesday, November 22, 2016

જુલિયન એફ. ડેટમેર ની ધીરજ અને વેપારકુશળતા


જુલિયન એફ. ડેટમેર

જુલિયન એફ ડેટમેરે ડેટમેર વુલન કંપની ની સ્થાપના કરી અને તે દરજી ના વ્યાપાર માં ગરમ કપડાંની સૌથી મોટી વિતરક કંપની બની. આ ડેટમેર ની વાતોમાંની એક છે:

"વર્ષી પહેલાં, એક સવારે એક ગુસ્સે થયેલ ગ્રાહક મારી ઓફિસમાં ધસી આવ્યો. તેણે અમને 15 ડોલર્સ આપવાનાં હતાં. તેણે તેનો ઇન્કાર કર્યો, પરંતુ અમે જાણતા હતા કે એ જુઠ્ઠો હતો. આથી અમારા ક્રેડિટ ડિપાર્ટમેન્ટે તેને નિયમિત યાદ કરવાનું શરૂ કર્યું. અસંખ્ય વખત યાદ દેવડાવ્યા બાદ તે એમ કહેવા માટે મારી શિકાગોની ઓફિસમાં આવ્યો કે તે માત્ર બિલ જ નહોતો ચૂકવવાનો પણ ભવિષ્યમાં ક્યારેય ડેટમેર  વુલન કંપનીમાંથી એક ડોલરનો પણ માલ ખરીદવાનો નહોતો."

"તેને જે કહેવાનું હતું તે બધું જ મેં  ધૈર્ય પૂર્વક સાંભળ્યું. મને વચ્ચે બોલવાની લાલચ થઈ પણ મને લાગ્યું કે તે ખરાબ રીત બનશે, આથી મેં તેને પોતાને જ બોલવા દીધો. છેવટે જ્યારે તેનો ઉભરો શમ્યો, ત્યારે મેં શાંતિ અને ધીરજપૂર્વક કહ્યું:"

"આના વિશે તમે કહેવા છેક શિકાગો આવ્યાતે માટે હું તમારો આભારી છું. તમે મારા પર ઘણો જ ઉપકાર કર્યો છે કારણકે જો અમારા ક્રેડિટ ડિપાર્ટમેન્ટે તમને પજવ્યા છે, તો તે અન્ય ગ્રાહકોને પણ ચીડવી શકે છે અને તે અત્યંત ખરાબ થશે. મારુ માનો તો તમે આ જેટલા કહેવા ઉત્સુક છો તેના કરતાં હું સાંભળવા વધારે ઉત્સુક છું."

ડેટમેરે ઉમેર્યું કે, "તે 15 ડોલર્સ માંડી વાળશે, કારણકે તેમનો ગ્રાહક ઘણો જ સાવધાન માણસ હતો, જેને માત્ર એક જ એકાઉન્ટ નું ધ્યાન રાખવાનું હતું, જ્યારે ડેટમેરના કારકુનોએ તો હજારો ખાતાઓનું ધ્યાન રાખવાનું હતું. આથી તે ખોટો હોય તેવી શક્યતા ઓછી હતી."

ગ્રાહક ડેટમેર વુલન કંપની માંથી ત્યાર પછીથી કઈં જ ખરીદવા માંગતો નહોતો. તેથી ડેટમેરે બીજા વુલન હાઉસ ની ભલામણ કરી. તેણે તે દિવસે તેને પોતાની સાથે ભોજન લેવા આમંત્રણ આપ્યું, જેની સાથે ગ્રાહક આનાકાની વગર તૈયાર થયો. તેઓ ઓફિસમાં પાછા ફર્યા પછી, ગ્રાહકે અગાઉ ક્યારેય નહોતો મુકયો તેટલો ઓર્ડર આપ્યો. તે હળવાશ ભર્યા મિજાજમાં ઘેર પાછો ફર્યો અને યોગ્ય ને ન્યાયી બનવાની ઈચ્છાથી તેણે ફરી એક વખત પોતાના બિલ પર નજર નાખી તો એક બિલ મળી આવ્યું જેણે તેને ગેરમાર્ગે દોર્યો હતો અને માફી માંગવા સાથે 15 ડોલરનો ચેક ડેટમેરને મોકલી આપ્યો !!

પછીથી, જ્યારે તેની પત્નીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે તેણે પુત્રને ડેટમેરનું વચ્ચેનું નામ આપ્યું. તેનાથી પણ આગળ, તે બાવીસ વર્ષ પછી મૃત્યુ પામ્યો ત્યાં સુધી તે એ કંપનીનો મિત્ર અને વિશ્વાસુ ગ્રાહક રહ્યો...!

( ક્યારેય દલીલ ન કરવી જોઈએ, દરેક વ્યક્તિ તેની/તેણી ની દ્રષ્ટિએ સાચી હોય છે. ધૈર્ય થી સાંભળો. ધીમે ધીમે નિર્ણય લો. લોકોની પ્રામાણિકતા માં માનો અને તેઓ તેમની પ્રમાણિકતા પ્રદર્શિત અવશ્ય કરશે. દલીલો કરતા વાટાઘાટો દ્વારા સમસ્યાઓ સહેલાઈથી ઉકેલી શકાય છે.)


No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...