Thursday, October 5, 2017

સિલસિલા: અમિતાભ અને શમ્મી (હા!! શશી નહીં!!) કપૂર


ફિલ્મ હતી સિલસીલા, ૧૯૮૧માં કશ્મીરમાં પહેલા સીનના શૂટીંગ સાથે શરૂ થયેલી સિલસીલા આજની તારીખમાં પણ એક યાદગાર ફિલ્મ છે. સંબંધ, રોમાન્સ, ડાયલોગ્સ અને કવિતાની સાથે સાથે સંગીત, પ્લોટ્સ અને સ્ક્રીનપ્લે અફલાતૂન હોય તેવી અનેક ફિલ્મો આવી ગઈ હશે પણ આ બધામાં સિલસીલાનું સ્થાન એક અલાયદી કક્ષાએ છે. અમિતાભ બચ્ચન આ સમય દરમિયાન કાશ્મીરમાં તેમની ફિલ્મ કાલીયાનું શૂટીંગ કરી રહ્યા હતા, યશ ચોપરા ત્યાં પહોંચી ગયા અને તેમના હાથમાં સિલસીલાની સ્ક્રીપ્ટ થમાવી દીધી.
    
અમિતાભજીની પહેલેથી જ એ આદત રહી છે કે તેઓ કોઈ પણ ફિલ્મ સાઈન કરતા પહેલાં શાંતિથી તેની સ્ક્રીપ્ટનો અભ્યાસ કરે છે. તેઓ સિલસીલાની સ્ક્રીપ્ટ એકી બેઠકે વાંચી ગયા અને તરત યશ ચોપરાના રૂમમાં પહોંચી ગયા. તેમણે જોયું કે ત્યાં બીજા અનેક લોકો બેઠાં છે, આથી અમિતાભ તે સમયે તો ચૂપ રહ્યા પણ જેવા ત્યાં બેઠેલા લોકો ત્યાંથી ઉઠ્યા કે તરત અમિતાભ યશજીની નજીક જઈ બોલ્યા, 'યશજી, તમે ખરેખર આ સ્ક્રીપ્ટના કાસ્ટીંગથી ખૂશ છો ? સાચૂ કહેજો, કારણ કે, આ એક અદ્‍ભૂત સ્ક્રીપ્ટ છે. એકસ્ટ્રા મેરિટલ અફેર તે એક ખૂબ બોલ્ડ કન્સેપ્ટ છે અને આજ સુધી આ સબજેક્ટ પર આ રીતની ફિલ્મ બનાવવામાં નથી આવી.' યશજી અમિતાભની સામે જોઈ રહ્યા. 'સચ બતાઉં અમિતજી ?' તેમણે પૂછ્યું. અને અમિતાભ બોલ્યા, 'જી હાં સચ બતાઈયે.' 'આપ સહી હૈ અમિતજી, મેં ઈસ કાસ્ટીંગ સે ખૂશ નહીં હું, મેરે દિમાગ મેં ઈસ ફિલ્મ કે લિયે કાસ્ટીંગ કુછ ઔર હૈ. પર ક્યા વો હો પાયેગા?' યશ ચોપરા બોલ્યા. 'આપ બતાઈયે તો સહી.' અમિતાભે કહ્યું. તેમની વચ્ચે આ ચર્ચા ચાલી રહી હતી ત્યારે ફિલ્મનું કાસ્ટીંગ હતું, અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, પધ્મીનીની કોલ્હાપુરે અને પરવીન બાબી. ત્યારબાદ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને પધ્મીની કોલ્હાપુરેની જગ્યાએ ફાઈનલ કરવામાં આવ્યા હતા સ્મિતા પાટીલને. અને બીજા દિવસની સવારથી ફિલ્મનું શૂટીંગ શરૂ થવાનું હતું. યશજી બોલ્યા, 'અમિત મેં તો ચાહતા હું કે તુમ, જયા ઔર રેખા યે રૉલ કરે, પર ક્યા યે મુમકિન હૈ ?' (એક વાત એવી પણ છે કે ખુદ અમિતાભે જ રેખા અને જયા માટે નામ સૂચવ્યા હતાં, અને અમિતાભનું આજદિન સુધી એક ઇમોશનલ કનેક્શન એ ફિલ્મ જોડે રહ્યું છે!! બીજું અમિતાભ, રેખા અને જયા ત્યારબાદ ક્યારેય એકબીજા સાથે કોઈ પણ ફિલ્મમાં દેખાયા નથી, એ કૈક તો ચોક્કસ સૂચવી જાય છે!! એમાંય બચ્ચન રેખાની હિટ જોડી પાછી! ) અમિતાભે એક લાંબો પોઝ લીધો અને પછી બોલ્યા, 'યશજી કલ હમ બોમ્બે ચલતે હૈં, એક બાર જયા સે ઔર રેખા સે બાત કર કે તો દેખે.' અને યશજી બોલ્યા, 'ઠીક હૈ, તુમ મુઝે યે કાસ્ટીંગ દો ઔર મેં તુમ્હે એક હિટ ફિલ્મ દેતા હું.'

યશ ચોપરા અને અમિતાભ તે દિવસનું શૂટીંગ કેન્સલ કરી પહોંચી ગયા મુંબઈ. જયા બચ્ચન અને રેખાને ફિલ્મ અંગે વાત કરાવામાં આવી. યશજીએ અંગત રીતે જયાજીને ધરપત આપી કે ફિલ્મના શૂટીંગ દરમિયાન કે ત્યાર પછી અમિતાભ અને રેખાને લઈને કોઈ જ પ્રોબલેમ નહીં થાય. જયાજી તૈયાર થઈ ગયા. અને તેમણે કહ્યું કે, 'મને થોડી સાડીઓ અને તેને અનુરૂપ બ્લાઉઝ સિવડાવી લેવાનો તો સમય આપશો ને ?' યશ ચોપરા બોલ્યા કે, 'હમ કલ સે હી શૂટીંગ શૂરૂ કર રહે હૈં, આપ સાડી ઔર બ્લાઉઝ કાશ્મીર જાકે લે લેના. અને રેખાની પણ આ સમય દરમિયાન જ હા આવી ગઈ હતી. તેમને પણ કહેવામાં આવ્યું ત્રણ-ચાર ડ્રેસ લઈને તે જે બને એટલા વહેલા કાશ્મીર આવી જાય. અને શરૂ થઈ સિલસીલા. જ્યાં હજીય એક મુશ્કેલી રાહ જોતી ઉભી હતી. પરવીન બાબી અને સ્મિતા પાટીલ ત્યાં કાશ્મીરમાં શૂટીંગ શરૂ થવાની રાહ જોઈને બેઠાં હતા. તેમને શું કહેવું, કઈ રીતે ના કહેવી? સિલસીલા માટે રોમેશ શર્મા યશજીને આસિસ્ટ કરી રહ્યાં હતાં. યશજીએ રોમેશને કહ્યું, 'તુમ પરવીનકો સમજા દો યાર.' અને રોમેશ શર્માએ પરવીનને નવી સ્ટારકાસ્ટ માટે જાણ કરી. પરવીન તો માની ગઈ પણ હવે સ્મિતા પાટીલ ! તેમને કોણ કહે ? યશજી શશી કપૂર પાસે ગયા તેમણે શશી કપૂરને કહ્યું કે, 'તું સ્મિતાને સમજાવ કે આ ફિલ્મ તે નહીં કરે.' સ્મિતા અને પરવીન વાળી આ વાત લાંબી છે પણ આપણે આ મુદ્દાને અહીં જ છોડી આગળ વધીએ....એ પછી ક્યારેક વિસ્તૃતમાં!!

અમિતાભ બચ્ચન અને રેખા સ્ક્રીન શેર કરી રહ્યા હોય તેવી તેમની આ છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મ બાદ ક્યારેય બંને સાથે એક ફિલ્મમાં દેખાયા નથી. નવાઈની વાત એ છે કે આ બંને સ્ટારના ઓફ સ્ક્રીન અફેર માટે આટલી બધી ચર્ચાઓ ચગેલી હોવા છતાં સિલસીલા ઓન સ્ક્રીન એટલો સારો બિઝનેસ કરી શકી નહોતી. અને ફિલ્મ એવરેજ હિટ રહી હતી. યશ ચોપરા પોતે ફિલ્મ સિલસીલા અને લમ્હેને પોતાની સૌથી ફેવરિટ ફિલ્મ્સ તરીકે ગણાવતા હતા. શું તમને ખબર છે આ એક માત્ર ફિલ્મ છે જેમાં અમિતાભે શશી કપૂરના નાના ભાઈનો રૉલ ભજવ્યો હતો. આ સિવાયની બધી જ ફિલ્મોમાં અમિતાભને મોટો ભાઈ અને શશી કપૂર નાનો ભાઈ તરીકે જ દર્શાવવામાં આવ્યા છે.

ફિલ્મના પાત્રોની પસંદગીની કહાની જે રીતે યાદગાર છે તે જ રીતે મ્યુઝીક અને ગીતોની કહાની પણ યાદગાર છે. સિલસીલા એ પંડિત શીવકુમાર શર્મા અને હરીપ્રસાદ ચૌરસિયાની મ્યુઝીક ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ હતી. અને ગીતો લખ્યા હતા જાવેદ અખ્તરે. પણ સિલસીલાનું એક ગીત કે જે અમિતાભ બચ્ચને ખૂદ ગાયુ હતું અને જેને ભારતનું સૌથી સુંદર લોક ગીત તરીકે ગણાવવામાં આવે છે તે 'રંગ બરસે...' આ ગીત અમિતાભ ના પિતા હરિવંશરાય બચ્ચને લખ્યું હતુ અને તેમણે જ કમ્પોઝ પણ કર્યુ હતું.

બીજૂં પણ એક સુંદર ગીત 'નીલા આસમાન સો ગયા...' કહેવાય છે કે આ ગીત મૂળ કંપોઝ કર્યુ હતુ શમ્મી કપૂરે.
વાત કંઈક એવી છે કે ઘણાં લાંબા સમય પહેલા ૧૯૭૫માં શમ્મી કપૂર અને અમિતાભ બી.આર.ચોપરા ની ફિલ્મ "ઝમીર" માટે શૂટીંગ કરી રહ્યા હતા ત્યારે અમિતાભ અને જયા, શમ્મીજી અને એમના વાઈફ નિલાદેવીથી ઘણા નિકટ આવી ગયા. રોજ સાંજે બેંગ્લોરના કુનિગલ ફાર્મમાં ને પછી પૂનાની હોટેલ બ્લુ લગૂનમાં અમિતાભ એમના ગિટાર સાથે, જયાજી, શમ્મીજી અને નિલાજી બેઠક કરતા. એ સમયે શમ્મી કપૂરે વાતવાતમાં એક લોકગીત પરથી ઓન ધ સ્પોટ તર્જ જાતે બનાવી ને અમિતાભ ને આ ગીત સંભળાવ્યુ હતુ, અમિતાભને તે સમયે આ ગીત ખૂબ ગમી ગયુ હતું તેમણે યશ ચોપરાને વિનંતી કરી કે તેઓ તેમની ફિલ્મમાં આ ગીત શામેલ કરે. અમિતાભે શમ્મીજીને ફોન કર્યો અને તેમની પરવાનગી માંગી. શમ્મીજીને તે સમયે તે ગીત અને તેમની વચ્ચે થયેલી વાતો યાદ પણ નહોતી. તેમણે તરત અમિતજીને કહ્યું, 'કમાલ હૈ, તુજે અબ તક વો યાદ હૈ ?' અને શમ્મીજીએ હસતા મોઢે પરવાનગી આપી દીધી. 'કે તારે તે ગીત અને તે ધૂન સાથે જે કરવું હોય તે, તને છૂટ છે. એ ગીત સંપૂર્ણપણે તારું!!' અને આ રીતે સિલસીલાને એક ખૂબ સુંદર ગીત મળ્યું, 'નીલા આસમાન...'

ફિલ્મ આજે પણ એટલી જ જોવી ગમે તેવી ઓલ ટાઈમ ફેવરિટ છે. અને સ્ટારકાસ્ટ એટલી મજબૂત છે કે અભિનયમાં કોણ કોનાથી બહેતર છે તે કહેવું મુશ્કેલ જ નહીં નામુમકિન છે.

ટહુકો:- ગીત 'યે કહાં આ ગયે હમ...'માં અમિતાભનો પાર્ટ અને લત્તા મંગેશકરનો પાર્ટ બંને સેપરેટ રિકોર્ડ કરવામાં આવ્યા હતા, જે પાછળથી એડિટીંગ દ્વારા સાથે મૂકવામાં આવ્યા.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...