Saturday, October 28, 2017

જાણો મર્સીડીઝની ના સાંભળી હોય એવી કહાણી



વર્ષ 1900ની આસપાસનો સમય. જર્મનીની ‘ડેઈમલર મોટર કંપની’ (ડીજીઓ) હજુ ઓટોમોબાઈલ ક્ષેત્રે આગળ  વધવા માટે સંઘર્ષ કરી રહી હતી. ગાડીઓની દુનિયાના દરવાજા હજુ તો ઊઘડી રહ્યા હતા જાણે. ત્યારની નવલી નવોઢા જેવી બધી મોટર કંપનીઓ વર્ષે દહાડે માંડ 35-36 કાર વેચી શકતી. 

એવામાં આ નવી-સવી ડેઈમલર કંપનીને એક ‘એમીલ જેલીનેક’ નામના રાજદ્વારી ઉદ્યોગપતિનો ભેટો થયો. આ ઉદ્યોગપતિ ઝડપી કારનો આશિક તો હતો જ પરંતુ પોતાની પુત્રી ઉપર એને એટલો બધો પ્રેમ અને પુત્રીનું નામ પોતાની કોઈ શુકનવંતી માન્યતાને લીધે લખાવવાનું એવું પાગલપન કે તેણે ડેઈમલર કંપની સામે ઑફર મૂકી કે જો મારી પુત્રીનું નામ તમારી મોટર ઉપર લખો તો એકસાથે 35 કાર આ બંદો એકલો ખરીદી લેશે !

ડેઈમલર કંપનીને તો જાણે જલસો પડી ગયો ! એક નામ લખવા બદલ જો આખા વર્ષનું વેચાણ એક જ સોદે થતું હોય તો પછી કરાય જ ને કંકુના… – એમ માની ડેઈમલરે શરત માન્ય રાખી અને ‘એમીલ જેલીનેક’ ને તેની પુત્રીનું નામ લખેલી 36 ગાડીઓ એક સાથે વેચવામાં આવી. જેલીનેકે આ બધી કાર ખરીદી અને નફો કરી વેચી પણ નાખી. 

અને યુરેકા ! આ કાર તો યુરોપિયન માર્કેટમાં હિટ ગઈ અને આવો જ સોદો એણે ફરી પણ કર્યો. ત્યારથી માંડીને આજ સુધી એ કારના નામે સિક્કા રણકતા રહ્યા છે. એમીલની જે લકી ડૉટર(પુત્રી)નું નામ કાર પર લખાયેલ એ હતી ‘મર્સિડિઝ’ ! (પુત્રીનું નામ હતું મર્સિડિઝ જેલીનેક) અને એ કંપની એટલે હાલની ‘મર્સિડિઝ બેન્ઝ’ ! આ કાર એટલી તો વિખ્યાત રહી કે આજ સુધી કંપનીએ તેનું નામ દૂર નથી કર્યું.
અને છેલ્લે :-
જરા વિચારો, જો એમીલને પોતાની દીકરી આટલી વ્હાલી ન હોત તો ? તો શાયદ આ કંપની પણ ના હોત. ક્યારેક ‘જો’ અને ‘તો’ ની વચ્ચે ઈતિહાસ રચાય છે અને એને આ કિસ્સામાં બેશક મર્સિડિઝ કહી શકાય ! 

-- કાર્તિક શાહ 

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...