Sunday, October 22, 2017

વિપત્તિની વિદ્યાપીઠ - રુસો


એક અમીરને ત્યાં મોટી મિજબાની રાખી હતી. મોટા-મોટા અધિકારીઓ તેમ જ અમીરોને નોતરવામાં આવ્યા હતા.


મિજબાનીમાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવાની હોવાથી, નિષ્ણાત રસોઈવાળા રોક્યા હતા. મિજબાનીનો સમય થઈ ગયો હતો. મિજબાનીની સ્વાદિષ્ટ વાનગીઓનો આસ્વાદ માણતાં-માણતાં મહેમાનો અંદર-અંદર વાતો કરવા લાગ્યા. ત્યાં તો કોઈ મહેમાને એક ઐતિહાસિક પ્રસંગ છેડી દીધો.

વાતો કરનારાઓનું ધ્યાન એ તરફ જતાં તેમણે વાતો બંધ કરી દીધી અને બધાએ પ્રસંગ સાંભળવા લાગ્યા.
પ્રસંગ અત્યંત રોચક હતો, પણ એક મહેમાને વચ્ચે દરમ્યાનગીરી કરી, દૂધમાંથી પોરા કાઢતાં હોય એમ પિષ્ટપેષણ કરવા માંડ્યું.

ટીકાટિપ્પણ થતાં સળંગ વાર્તાપ્રવાહ અવરોધાઈ ગયો. પછી એ ઐતિહાસિક પ્રસંગ બાબતે બન્ને મહેમાનો વચ્ચે મતભેદ પડી ગયો. એમાં પાછા બે પક્ષ પડી જતાં મિજબાનીનું પ્રસન્ન વાતાવરણ ડહોળાઈ ગયું. આ પીરસતાં નોકરને મનમાં દુ:ખ થયું.

ચા પીરસતાં-પીરસતાં એકાએક અટકી જઈ, સૌનું ધ્યાન ખેંચતા વિનયભર્યે સ્વરે તે બોલ્યો, ‘મહાનુભાવો, નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું. એ ધૃષ્ટતા બદલ ક્ષમા કરજો. આ ઐતિહાસિક પ્રસંગમાં સાચી બીના તો આ પ્રમાણે બની હતી. આપને શંકા જતી હોય તો ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો તપાસશો તો આપ સૌ વચ્ચેનો વિવાદ ટળી જશે.’

નોકરની વાત સાંભળી. અમીરના ગ્રંથાલયમાંથી એક ઐતિહાસિક ગ્રંથ મગાવી ખાતરી કરતાં નોકરની વાત સાચી નીકળી.

નોકરને ખૂબ-ખૂબ ધન્યવાદ આપતા એક ઇતિહાસવેત્તા મહેમાન બોલ્યા, ‘તારું જ્ઞાન ઘણું ઊંડું છે. તેં કંઈ વિદ્યાપીઠમાંથી આ બધું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે?’

વિનમ્ર સ્વરે નોકર બોલ્યો, ‘મહાનુભાવ, વિશ્વની સૌથી વિશાળ વિદ્યાપીઠમાં મેં વિદ્યાભ્યાસ કર્યો છે. એ વિદ્યાપીઠનું નામ છે વિપત્તિની વિદ્યાપીઠ ! વિપત્તિની વિદ્યાપીઠમાં મારું જીવન ઘડતર થયેલું છે. વિપત્તિઓએ મને ઝૂકતાં નહીં, પણ એનો સામનો કરતાં ને આગળ વધતાં જ શીખવાડ્યું છે. બીજી વિદ્યાપીઠોનો અભ્યાસ તો અમુક વર્ષો, અમુક મુદતોમાં પૂરો થઈ જાય છે, જ્યારે વિપત્તિની વિદ્યાપીઠનો વિદ્યાભ્યાસ તો જીવનભર ચાલતો જ રહે છે.’

વિપત્તિની વિદ્યાપીઠના એ આજીવન અભ્યાસી હતા પ્રજાતંત્ર પદ્ધતિના જન્મદાતા દાર્શનિક રૂસો !! ગરીબીના દિવસોમાં જીવનનિર્વાહ માટે એક અમીરને ત્યાં નોકરની સામાન્ય નોકરી તેમણે સ્વીકારી હતી.

અને છેલ્લે:

આ જ વિદ્વાન ફિલોસોફર રુસો નો એક બાળપણનો કિસ્સો જે મારી નોંધપોથીમાં સંકલિત છે એ રજુ કરું છું....

ફ્રાન્સના મહાન વિદ્વાન રુસો એ સમયે બાળક હતા. તેઓ રવિવારે રજાના દિવસે દરરોજ પોતાના કાકાના ઘરે જતા હતા. કાકાના દીકરા ફેજી સાથે રુસોને સારી દોસ્તી હતી. 

રુસોના કાકાનું એક કારખાનું હતું. રવિવારે જ્યારે રુસો કાકાના ઘરે ગયા તો ફેજીએ તેને કારખાને જવા કહ્યું. રુસો માની ગયા. બંને બાળકો કારખાને પહોંચ્યાં અને મશીનો જોવા લાગ્યાં. રુસોનો હાથ એક મશીનના પૈડાં પર હતો. તે સમયે ફેજીનું ધ્યાન ક્યાંક બીજી તરફ હતું. તેણે મશીનનું પૈડું ફેરવી નાખ્યું. તેમાં રુસોની આંગળીઓ ચગદાઈ ગઈ. લોહીનો ફુવારો ઉડયો. તે દુ:ખાવાને કારણે ચીસ પાડી ઊઠ્યા. ફેજી એકદમ ગભરાઈ ગયો. તેણે તુરંત જ પૈડું ઊંધું ફેરવ્યું અને રુસોની આંગળીઓ મશીનમાંથી બહાર કાઢી. પછી તે દોડીને રુસો પાસે આવ્યો અને બોલ્યો, ભાઈ, બૂમો ના પાડ. મારા પિતાજી સાંભળી લેશે તો મને ખૂબ મારશે. રુસોએ પણ ખૂબ કોશિશ કરીને પોતાનું મોઢું બંધ કરી લીધું. ઘણા સમય સુધી ધોયા બાદ રુસોની આંગળીઓમાંથી લોહી વહેવાનું બંધ થયું. ફેજીએ એક કપડું ફાડીને આંગળીઓ પર પાટો બાંધ્યો. ફેજીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ભાઈ, હવે ઘરે જઈને તમે આ ચોટ વિશે શું જણાવશો? રુસોએ તેના ભાઈને આશ્ર્વાસન આપતાં જણાવ્યું કે, ભાઈ, ચિંતા ના કર. 

બંને જ્યારે ઘરે પહોંચ્યા તો ઘરના લોકો હાથમાં પાટો જોઈને પૂછવા લાગ્યા કે, શું વાગ્યું છે? રુસોએ ગોળ-ગોળ જવાબ આપ્યો કે, રમતાં-રમતાં વાગી ગયું છે. પૂરા ચાળીસ વર્ષ સુધી કોઈને પણ આ ઘટના અંગે ખબર ના પડી. કોઈની ભલાઈ માટે બોલાયેલું અસત્ય ક્ષમાયોગ્ય તો હોય જ છે, સાથે-સાથે આદરણીય અને વખાણવા લાયક પણ હોય છે.

રજુઆત:- કાર્તિક શાહ

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...