Tuesday, October 10, 2017

વિક્ટર બેનર્જી અને અમિતાભ બચ્ચન


મારા મતે અમિતાભની પ્રકૃતિમાં રહેલી બે વાતોએ એમને આજે ટોચના સ્થાને પહોંચાડી દીધાં છે. એક એમની સંગીતપ્રિતી અને બીજું એમનો અભિનયપ્રેમ. સંગીત પ્રત્યેનો ઝૂકાવ, ખાસ તો ઉત્તર ભારતનાં લોકસંગીત માટેનો લગાવ એમને બાબુજી તરફથી વારસામાં મળ્યો છે અને અભિનયનો શોખ માતા તરફથી.

યુવાન હતાં ત્યારે તેજી બચ્ચને ઘણાં નાટકોમાં સુંદર અભિનય કર્યો હતો. આ બંને શોખોને અમિતાભે કેવી રીતે પોતાની સાથે રાખ્યા એ જાણવું રસપ્રદ છે.

નોકરી કરતાં જે ફાજલ સમય બચે તેમાં અમિતાભે નાટકમાં ભાગ લેવાનું નક્કી કર્યું. કોલકાતામાં એ સમયે એક ‘એમેચ્યોર્સ’ નાટક કંપની ચાલતી હતી. યુવાન અમિત એમાં જોડાઈ ગયાં. એ કંપની એમની ઓળખાણ કમલ ભગત, વિજયકૃષ્ણ અને ડિક રોજર્સ જેવા કલાકારો સાથે થઈ. પ્રખ્યાત ક્રિકેટ કમેન્ટેટર કિશોર ભીમાણી પણ એ નાટક કંપનીમાં જોડાયા હતાં. છેલ્લો આવનાર એક હેન્ડસમ યુવાન હતો જે અમિતાભને ખૂબ નડી ગયો એનું નામ હતું વિક્ટર બેનર્જી.

આ વિક્ટર બેનર્જી અભિનયની બાબતે એટલો જબરદસ્ત કુશળ હતો કે દરેક નાટકમાં શ્રેષ્ઠ અભિનેતા માટેનું ઈનામ એ જ જીતી જતો હતો. અમિતાભને એણે એક પણ વાર ફાવવા દીધો ન હતો.

જે લોકો હિંદી સિનેમાના અભ્યાસુઓ છે એમને વિક્ટર બેનર્જીની ઘણીબધી ફિલ્મો યાદ હશે. જો કે એની હિંદી ફિલ્મોની સંખ્યા બહુ મોટી નથી. પણ એનો અભિનય હંમેશા દમદાર રહ્યો છે. સરેરાશ ફિલ્મ ચાહકો માટે અહીં એટલું કહેવું પડશે કે થોડાંક વર્ષો પહેલા આવી ગયેલી અને પ્રેક્ષકોની ભરપૂર પ્રશંસા મેળવી ગયેલી હિંદી ફિલ્મ ‘જોગર્સ પાર્ક’નો હીરો આ વિક્ટર બેનર્જી હતો.

અમિતાભનાં મનમાં ઊંડે-ઊંડે ધરબાઈને પડેલી હરિફાઈ અને શત્રૂતાની ભાવનાએ જ કદાચ ‘જોગર્સ પાર્ક’ની દેખાદેખીમાં ‘નિઃશબ્દ’ અને ‘ચીની કમ’ જેવી ફિલ્મોમાં કામ કરવા માટે એમને લલચાવ્યા હોઈ શકે. આ ત્રણેય ફિલ્મોમાં મુખ્ય કથાવસ્તુ એકસરખી હતી; મોટી ઉંમરનો પુરૂષ એની દિકરીની ઉંમરની યુવતી પ્રત્યે આકર્ષાય છે એ વાત ત્રણેયમાં ‘કોમન’ હતી. જો વિક્ટર કરી શકે, તો પોતે કેમ પાછળ રહી જાય?!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...