Friday, October 6, 2017

અમિતાભ અને અનવર: ભાઈબંધી


મારા ભાઈના પ્રોડક્શન હાઉસમાં ‘બોમ્બે ટુ ગોવા’ ફિલ્મ બનાવવાનું નક્કી થયું ત્યારે શરૂઆતના તબક્કે ભાઈની (કોમેડિયન મહેમુદ)ની ઇચ્છા લીડ રોલમાં જીતેન્દ્રને લેવાની હતી, કારણ કે તેઓ એ સમયના બેસ્ટ ડાન્સ કરી શકનારા એક્ટર હતા. મેં મહેમુદ ભાઈજાનને ભલામણ કરી કે આ રોલ માટે તમે અમિતાભને લો!

જોકે, જમાનાના ખાધેલ મહેમુદભાઈને અમિતાભની ડાન્સ તેમજ રિધમ પરની આવડત વિષે શંકા હતી. તેમના નાનાભાઈ અનવર અલી ઇચ્છતા હતા કે પોતાનો ભાઈબંધ અમિતાભ કોઈ પણ રીતે ડાન્સિંગની ટેસ્ટ પાસ કરી લે. તેઓ અમિતાભને કશુંય કહ્યા વગર મહેમુદ ભાઈજાનની સાથે મુંબઈની તાજ હોટલેમાં આવેલા ‘બ્લોઅપ ડિસ્કો’ થેકમાં લઈ ગયા. સાવ અજાણ અમિતાભને ડિસ્કોમાં ડાન્સ કરતો જોયા પછી મહેમુદ ભાઈજાન આશ્વસ્ત થયા અને અમિતાભ ‘બોમ્બે ટુ ગોવા’ માટે કાસ્ટ થઈ ગયા. આ એ ફિલ્મ હતી જેમાં ખુદ અનવરઅલી બોમ્બેથી ગોવા જતી બસના ડ્રાઇવર ‘રાજેશ’ બને છે અને તેમનો મોટાભાઈ મહેમુદ કંડક્ટર ‘ખન્ના’.

‘બોમ્બે ટુ ગોવા’ ફિલ્મ એનાઉન્સ થઈ એ પહેલાંની ખ્વાજા અહમદ અબ્બાસની ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મ ભારતીય ફિલ્મજગત માટે જ નહીં, અનવર અલી જેવા સ્ટ્રગલર માટે પણ શુકનિયાળ સાબિત થઈ હતી, કારણ કે આ ફિલ્મથી જ તેઓ અને અમિતાભ બચ્ચન પાકા ભાઈબંધ બની ગયા હતા. અનવર અલીએ અમિતાભનો ચહેરો સૌ પ્રથમ વખત ખ્વાજા અહેમદ અબ્બાસની ઓફિસમાં જોયો હતો. ઓફિસમાં અમિતાભના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ રાખેલા હતા. જરા પણ પ્રભાવિત થયા વગર ‘સાત હિન્દુસ્તાની’માંના એક હિન્દુસ્તાની તરીકેનું ઓડિશન આપીને અનવર અલી રજાઓ માણ‌‌વા બેંગ્લોર ચાલ્યા ગયા હતા.
ફિલ્મ માટે સિલેક્ટ થયાનો કોલ મળતાં તેઓ વિમાનમાં શાન્તાક્રુઝ એરપોર્ટ પર ઊતર્યા ત્યારે તેમને લેવા જેગુઆર કાર લઈને મિત્ર જલાલ આગા આવ્યો હતો. તેમની સાથે અમિતાભ પણ હતો. અનવર અલીને તરત અબ્બાસ સાહેબની ઓફિસમાં જોયેલા ફોટોગ્રાફ્સ યાદ આવી ગયા. બંને પ્રથમ વખત મળ્યા. રિટર્ન આવતી વખતે જેગુઆર કાર અમિતાભે ચલાવી હતી. અનવર અલીને યાદ છે કે, એ વખતે હું બોલતો હતો, અમિતાભ એકધારું સાંભળ્યા કરતો હતો!’

આજે ભલે અમિતાભ બચ્ચન માટે ‘હતો’નું સંબોધન અવિવેક લાગે, પણ આ એ દિવસો અને એ મિત્રની વાતો છે કે જેમાં આદર કરતાં આત્મીયતા વધુ હતી. મેચ્યોરિટી કરતાં મજાક-મસ્તી વિશેષ હતી. એવી દોસ્તીનું ગઠબંધન કરતાં એ દિવસો હતા કે જેનાં પાંત્રીસ વર્ષ પછી અનવર અલી ‘અમિતાભ એન્ડ આઈ’ નામની સ્મરણગાથા લખવાના હતા, જેનું સંપાદન દીકરી મોના માથુર અલી કરવાની હતી. અનવર અલીને યાદ છે કે, ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મના પ્રથમ શોટ વખતે જ તેમનાથી છબરડા થતા હતા.
ડાયરેક્ટર ‘એક્શન’ બોલે એ સાથે જ થતું એવું કે અનવર અલી પોતાના ડાયલોગ ભૂલી જતા. રિહર્સલમાં બધું બરાબર થતું, પણ જેવો કેમેરા સ્ટાર્ટ થાય અને એક્શન શબ્દ હવામાં ગૂંજે કે અનવર અલી બ્લેન્ક થઈ જતા. અમિતાભે અનવર અલીને સમજાવ્યું કે તેણે રિલેક્સ થઈને કયા શબ્દ પર કેટલું વજન આપવું કે જેથી ડાયલોગ આપમેળે યાદ આવવા માંડે પણ...

પરિણામ શૂન્ય. ફરી એક વાર રિહર્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. રિહર્સલ બરાબર થતાં હોવાથી અનવર રિલેક્સ થઈ ગયા અને કશીય ભૂલચૂક વગર તેમણે ડાયલોગ બોલ્યા. બરાબર ત્યારે જ ‘કટ’નો અવાજ સંભળાયો. અનવર અલીને રહી રહીને ટ્યૂબલાઇટ થઈ કે રિહર્સલના નામે શૂટિંગ કરી લેવામાં આવ્યું હતું. શોટ તો પતી ગયો હતો, પણ આ રીતે પોતાનો શોટ લેવાયો તેને કારણે અનવર અલીને ખુદ શરમજનક લાગતું હતું. ‘સાત હિન્દુસ્તાની’ અમિતાભની જેમ અનવર અલીની પણ પ્રથમ ફિલ્મ હતી.
‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મના આઉટડોર માટે આખું યુનિટ બેલગામ અને ગોવા પહોંચ્યું ત્યારે સાતેય હિન્દુસ્તાનીઓનો ઉતારો એક બંગલામાં હતો. ડોરમેટરી સિસ્ટમ પ્રમાણે બધા એક્ટરો એક જ કમરામાં સૂતાં હતા. અનવર અલી અને અમિતાભ એક જ ડબલ બેડ પર સૂતાં. એક રાતે તેમના ઓરડામાં ચામાચીડિયું ઘૂસી ગયું ત્યારે સાતેય હિન્દુસ્તાની ડરી ગયા હતા. માથે ઘૂમરીઓ લેતાં ચામાચીડિયાથી બચવા માટે બધા બ્લેન્કેટ માથે ઓઢીને તેના છેડાથી ચામાચીડિયાને કાઢવાના પ્રયાસો કરતા રહ્યા હતા. ચામાચીડિયું તો આખરે પોતાની રીતે ચાલ્યું ગયું, પણ પછી અમિતાભે પગથી એવી હરકત કરી કે અનવર અલીએ હેબતાઈને બ્લેન્કેટમાંથી નીકળીને ભાગવું પડ્યું હતું.

સાત હિન્દુસ્તાની’ ફિલ્મના કાસ્ટિંગની લાક્ષણિકતા એ હતી કે અનવર અલી તેમાં હિન્દુ ‘મિસ્ટર શર્મા’ બન્યા હતા અને અમિતાભ મુસ્લિમ અનવર. ફેમસ સ્ટુડિયોના પ્રીવ્યૂ થિયેટરમાં ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મનો ટ્રાયલ શો રાખવામાં આવ્યો ત્યારે મહેમુદ સહિત અનવર અલીના તમામ ફેમિલી મેમ્બર આવ્યા હતા. ‘ઘરના છોકરા’ની પ્રથમ ફિલ્મ માટે બધા દુઆઓ માગતા હતા. અનવર અલી નિખાલસતાથી કહે છે કે, ‘મારા પરિવારની તમામ દુઆઓ અમિતાભને પણ મળી હતી, કારણ કે (ફિલ્મ)માં અનવર એ બન્યો હતો!’

આએ અનવર અલીની વાત છે કે જેણે અમિતાભ બચ્ચન સાથે જ ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મથી શરૂઆત કરીને પછી (બોમ્બે ટુ ગોવા સિવાય) અમિતાભ બચ્ચનની પરવાના, બંસી બીરજુ, મંજિલમાં સાવ નજીવા રોલ કર્યા અને પ્રોડ્યુસર તરીકે (‘કાશ’ ઉપરાંત) ખુદ્દાર બનાવી, જેમાં એક્ટિંગ કરીને અમિતાભે પોતાની દોસ્તીનું ઋણ પણ ચૂકવી આપ્યું હતું.

વીસ-પચીસ લાઇનના ટૂંકા ફકરાઓમાં પોતાના દોસ્તની વાત કરીને અનવર અલીએ (એડિટ બાય મોના માથુર અલી) લખેલી સ્મરણગાથા ‘અમિતાભ એન્ડ આઈ’માં આવી તો અનેક વાત છે કે જે અમિતાભ બચ્ચનના ચાહકો માટે લાજવાબ ઠરે. સ્ટ્રગલના દિવસોમાં અનવર અલીની જેગુઆરમાં તેઓ ફરતાં, પણ પૈસાની કડકી તેમનેય નડતી. પેટ્રોલ ખાલી થઈ જાય ત્યારે જેગુઆર પાર્ક કરીને અમિતાભ-અનવર અલી ટ્રેન કે બસમાં ઘેર ચાલ્યા જતાં અને બીજા દિવસે પૈસા લાવીને પેટ્રોલ પુરાવી કાર લઈ જતાં. સફળતા મળ્યા પછી બિગ બીએ સૌથી પ્રથમ સફેદ રંગની ફિયાટ કાર ખરીદી હતી, જેમાં બેઠાં પછી પહેલી વખત સફળતાની ચમક અમિતાભના ચહેરા પર અનવર અલીએ જોઈ હતી.
સફળ થયા પછી અનવર અલી અને અમિતાભ અનેક વખત હાજી અલીની દરગાહ પર જતાં ત્યારે અમિતાભ બુરખો પહેરી લેતા અને સિદ્ધિ વિનાયક, શિરડી, તિરુપતિ જેવાં મંદિરોમાં તેઓ મોડી રાતે જ જતા હતા. જોકે, ફિયાટ પછી બચ્ચને પોન્ટિએક કાર ખરીદી હતી, પણ જંજીર પહેલાંની લાગલગાટ નિષ્ફળ ફિલ્મોને કારણે પ્રોડ્યુસરો બચ્ચન પર દાવ લગાવવા માગતા નહોતા. અમુક પ્રોડ્યુસરે તો સાઇનિંગ એમાઉન્ટ પરત માગી લીધી ત્યારે હતાશ થઈને અમિતાભ દિલ્હી પાછા ચાલ્યા જવાનું વિચારતા હતા એ પણ અનવર અલીને યાદ છે. જોકે, જંજીર પછી આખો સિનારિયો બદલાઈ ગયો.

અનવર અલી સાથે અમિતાભના સંબંધોની આત્મીયતા કેવી મજબૂત હતી તેના પુરાવા જેવા બે કિસ્સા પણ ‘અમિતાભ એન્ડ આઈ’માંથી મળી રહે છે. અમિતાભના પાઇલટ મિત્ર રાજીવ ગાંધી અવારનવાર મુંબઈ આવતા ત્યારે એક વખત અમિતાભ તેમને અનવર અલીના ઘેર જમવા પણ લઈ ગયા હતા. રાજીવ એ પછી વડાપ્રધાન બન્યા. અમિતાભને સફળતા મળી ત્યારે અનવર અલીએ તેની પાસે ઉધાર પૈસા માગેલા. અમિતાભે તે આપ્યા. અનવર અલીએ તે પરત આપવાનો વિવેક કર્યો ત્યારે બચ્ચને કહેલું કે, બીડુ એક વાત યાદ રાખજે કાયમ, મિત્રને ક્યારેય પૈસા ન આપવા અને આપવા તો ક્યારેય પાછા મેળવવાની અપેક્ષા ન રાખવી. મિત્રએ હંમેશાં પોતાની કેપિસિટી મુજબ મિત્રને મદદ કરવી જોઈએ, પણ એ મદદ પાછી મેળવવાની ખ્વાહિશ રાખો તો સુંદર રિલેશનશિપ કદી બનતી નથી!’

તમે બિગ બી સાથેની અનવર અલીની દોસ્તીગાથા વાંચો છો ત્યારે ખબર પડે છે કે રાજ કપૂરની જેમ દિલીપકુમાર સાથે પણ બિગ બીનો પરિચય અનવર અલીએ જ (નિર્માતા એચ.એસ. રવૈલની પુત્રીના વિવાહ વખતે) કરાવ્યો હતો. દિલીપસા’બે ત્યારે જ અમિતાભને એડવાઇઝ આપી હતી કે કેવી રીતે મારી અસર નીચેની એક્ટિંગમાંથી તું નીકળી શકશે. એ જ રીતે પૂના ઇન્સ્ટિટ્યૂટના છેલ્લા વર્ષમાં ભણતી જયા ભાદુરીને મળવા પણ અમિતાભ અનેક વખત અનવર અલી સાથે પૂના ગયા હતા. પૂના ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં જ તેઓ ડેની, શત્રુઘ્નસિંહા, વિક્રમ વગેરેને મળતા. ડેની અભિનીત એક ફિલ્મ પણ તેમણે પૂના ઇન્સ્ટિટ્યૂટમાં જ જોઈ હતી. અનવર અલી ‘અમિતાભ એન્ડ આઈ’ પુસ્તકમાં સ્પષ્ટપણે કહે છે કે જયા ભાદુરી સાથે અમિતાભ બચ્ચનનો પ્રેમ ‘ફર્સ્ટ એટ સાઇટ’ જ હતો અને એ સ્થળ પૂના જ હતું!

...અને ખુદ્દાર ફિલ્મ.
‘કૂલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન થયેલા અકસ્માત પછી તરત જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ખુદ્દાર’ હતી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બચ્ચન પ્રત્યેની સિમ્પથી નેચરલી ‘ખુદ્દાર’ને મળી. એ ફિલ્મ સુપરહિટ થઈ અને અનવર અલી કહે છે તેમ, ખુદ્દારે મને ‘કરોડપતિ’ બનાવી દીધો. અનવરે ભાઈ મહેમુદ સાથે ‘કુંવારા બાપ’ કો-પ્રોડ્યુસ કરી હતી. તેની કમાણીમાંથી અનવરે જૂહુ બીચ પર ફ્લેટ લીધો હતો, પણ બીજા તમામ પૈસા તેણે મહેમુદ ભાઈજાનને ‘સબ સે બડા રૂપિયા’ બનાવવા આપી દીધા હતા.
અમિતાભ તેના નવા ફ્લેટ પર આવ્યા ત્યારે ફ્લેટમાં ફર્નિચર નામે કશું નહોતું. અમિતાભે તેની આ હકીકત જાણી અને ત્યાં ને ત્યાં જ ‘ખુદ્દાર’ ફિલ્મ સાઇન કરી હોવાના કન્ફર્મેશન લેટર પર સહી કરી આપી. ‘ખુદ્દાર’ અમિતાભે સાઇન કરી એટલે અનવર અલીને તરત ફાઇનાન્સ મળી ગયું અને ફ્લેટનું રાચરચીલું તેઓ વસાવી શક્યા. એ અલગ વાત છે કે ‘ખુદ્દાર’ ફિલ્મને બનતાં અને રિલીઝ થતાં પાંચ વર્ષ લાગ્યાં હતાં, પણ વાતનો સાર એ પણ નીકળે છે કે અમિતાભે આ રીતે અનવર અલીને ‘કરોડપતિ’ બનાવીને દોસ્તી નિભાવી દીધી હતી.
ટહુકો: આવી જ બીજી અનેક વાતો બચ્ચનના ખાસ ભાઈબંધો જલાલ આગા, ટીનું આનંદ, રાજીવ ગાંધી વિશે પણ છે. એ રોચક પ્રસંગો ફરી ક્યારેક!!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...