Saturday, October 7, 2017

અમિતાભનો મીડિયા દ્વારા બહિષ્કાર

અમિતાભ નામનો અભિનેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં હતો જ નહીં!


જ્યારે અમિતાભના જીવનમાં એવરેસ્ટ જેવડા આફતો આવી ચડ્યા

ચડતી અને પડતી કોની જિંદગીમાં નથી આવતી હોતી?! તમારી જિંદગીમાં પણ આવેલી જ હશે, મારી જિંદગીમાં પણ આવેલી છે. એકાદ-બેવાર તો એવું પણ થયું છે મારી સાથે કે જ્યારે ચોતરફ અંધકાર જ અંધકાર છવાઈ ગયો હોય. આશાનું એક પણ કિરણ ક્યાંયે દેખાતું ન હોય. દુશ્મનો વાર પર વાર કરતા હોય અને મિત્રો મદદ કરવાને બદલે હસતા હોય. આર્થિક દ્રષ્ટિએ ભયંકર ખાડામાં ઉતરી પડ્યો હોઉં, શારીરિક બિમારી ત્રણ-ચાર મહિનાથી દોરીવળી હોય, મન પણ ભાંગી પડવાની અંતિમ હદ પર પહોંચી ગયું હોય. આવું ત્રણેક વાર તો મને બરાબર યાદ આવી રહ્યું છે. હું ઈશ્વરનો ઉપકાર માનું છે કે આ દરેક પ્રસંગે હું તૂટી જવાને બદલે ટકી ગયો છું. મારી અડગતા, હિંમત અને ઠંડી તાકાત ઉપરાંત મારા કુટુંબના સભ્યોના સબળ ટેકાથી હું ટકી ગયો છું. એ સિવાયનું પણ કોઈક પરીબળ ચોક્કસ હશે, એને તમે ભગવાનના આશિવાર્દ કહી શકો કે તમારા મિત્રો, ચાહકોની શુભેચ્છા પણ કહી શકો!!

ખેર! આપણે તો નાનાં માણસો છીએ. આપણાં જીવનમાં આવતી આંધીઓ અને આફતો પણ નાનાં જ હોવાનાં અમિતાભ જેવા મોટા કલાકાર અને જાહેર વ્યક્તિની જિંદગીમાં તો એવરેસ્ટ જેવી આફતો હોય અને સુનામી જેવાં તોફાનો હોય. અમિતાભ એ વખતે કેવી રીતે વર્ત્યા હશે? અમિતાભ એ બધામાં કેવી રીતે ટકી ગયા હશે?

1975નું વર્ષ દેશ માટે કટોકટીનું વર્ષ હતું. અને એ અમિતજી માટે કસોટીનું વર્ષ બની ગયું. વડાપ્રધાન શ્રીમતી ઈંદિરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા માટે દેશમાં આંતરીક કટોકટી લાદી દીધી. એની અસરો દરેક ક્ષેત્ર પર પડી હતી. પરંતુ, 'પ્રેસ સેન્સરશીપ'ની વિરુદ્ધમાં મિડીયાએ ભારે હોબાળો મચાવી મૂક્યો. કેટલાંક હિતશત્રુઓએ એવી અફવા ફેલાવી દીધી કે સમાચાર પત્રો (ખાસ તો ફિલ્મી સામયિકો) પરના કડક નિયંત્રણો પાછળ અમિતાભ બચ્ચન જવાબદાર હતાં. તમામ સામયિકોએ બિગ-બીનો જાહેરમાં બહિષ્કાર કરી દીધો. 'સ્ટારડસ્ટ' આમાં સૌથી મોખરે હતું. આનું કારણ એ મેગેઝીનની સ્ટાર પત્રકાર દેવયાની ચૌબલનાં કારનામાઓ હતાં.

દેવયાની ચૌબલ એ જમાનાની સૌથી જાણીતી, સૌથી વિવાદાસ્રદ અને સૌથી માથાભારે પત્રકાર હતી. 'સ્ટારડસ્ટ'ની એની કોલમ 'ફેન્ડ્રલી સ્પીકીંગ' ની લોકપ્રિયતા કોઈ સુપરહિટ ફિલ્મ કરતા જરા પણ ઓછી ન હતી. કોઈ પણ ફિલ્મી પાર્ટી દેવીની હાજરી વના અધૂરી ગણવામાં આવતી હતી. મોટા મોટા અભિનેતાઓ (રાજકપૂરથી લઈને રાજેશ ખન્ના સુધીના) અને મોટી મોટી અભિનેત્રીઓ (મીનાકુમારીથી માંડીને શર્મિલા-મુમતાઝ સુધીની) દેવયાનીને ઝૂકીને સલામો કરતાં હતાં દેવયાની હતી પણ જબરી જાણભેદુ!

આ દેવયાનીએ સૌથી પહેલા દિલીપ કુમાર અને અસ્માનાં નિકાહની અત્યંત ખાનગી વાત 'લીક' કરી દીધી હતી. દિલીપ સાહેબે કુરાન પર હાથ મુકીને એ વાત જુઠ્ઠી હોવાની કસમ ખાધી હતી. એ પછીના જ અંકમાં દેવયાનીએ દિલીપ-અસમાનું અધિકૃત નિકાહનામું એની કોલમમાં છાપી માર્યું હતુંય ત્યારથી જ ફિલ્મ ઉદ્યોગના તમામ લફરાબાજો ધીસ ખાઈ ગયા હતા.

ધર્મેન્દ્ર અને હેમા માલિનીના અંગત સંબંધો વિષે પણ સૌપ્રથમ વાર લેખ લખનાર આ દેવી જ હતી. એનાથી ખિજવાઈને એક રેલી વખતે ધર્મેન્દ્ર જાહેરમાં દેવયાનીની ધોલાઈ પણ કરી હતી અને મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો. આ બંને કેસોમાં છેવટે દેવયાનીનાં સમાચાર જ સાચા સાબિત થયા હતા.

પણ દિલીપ કુમાર અને ધર્મેન્દ્ર બાજુ પર રહી ગયા અને અમિતાભને શૂળી પર ચડાવી દેવામાં આવ્યો. આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બે ભાગમાં વહેંચાઈ ગઈ. અમિતાભની સાથે અને અમિતાભની સામે.

જે લોકો અમિતજીની પ્રતિભાથી ઢંકાઈ ગયા હતા એમને હવે ફિલ્મી મેગેઝીનોમાં ચમકવાની તક મળી ગઈ. મેગેઝીનવાળાઓને પણ એમનું વેચાણ વધારવા માટે સ્કૂપની અને ફોટોગ્રાફ્સની જરૂર તો પડતી જ હોય છે. એ જરૂર એમણે અન્ય અભિનેતાઓ પાસેથી પૂરી કરવા માંડી.

અમિતાભ બચ્ચનના નામ પર, તસવીરો પર, એની ફિલ્મોના સમાચારો પર, ગૂમનામીનો કાળો બૂરખો ઓઢાડી દેવામાં આવ્યો. જાણે આ નામનો કોઈ અભિનેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હતો જ નહીં!

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવું કહેવાય છે કે 'જો દીખતા હૈ વો બિકતા હૈ' અત્યાર તો પબ્લિસિટી નામની ચીજે સારાસારનો સંપૂર્ણ વિવેક ખતમ કરી નાખ્યો છે. કોઈ પણ નવી ફિલ્મ રજૂ થયાની હોય ત્યારે બે માસ અગાઉથી એનું માર્કેટીંગ શરૂ થઈ જાય છે. જાણી જોઈને વિવાદો ચગાવવામાં આવે છે. મુખ્ય મુદ્દો સમાચાર માધ્યમોમાં નામ ચમકતું રાખવાનો હોય છે.

અમિતાભની જિંદગીના ઉત્તમ વર્ષો આ લાભ મેળવવામાંથી વંચિત રહી ગયાં. 1975થી 1983 સુધીના આઠ-નવ વર્ષનો સમયગાળો અમિતાભના બહિષ્કારનો સમય હતો. જોવાની ખૂબી એ છે કે આ માણસ આ ઝંઝાવાત સામે ટકી ગયો.

જે દેશમાં જાહેરાત વગર એક ટાંકણી પણ વેચાઈ શકતી નથી એ દેશમાં અમિતાભ બચ્ચને સુપરહીટ ફિલ્મોની હારમાળા વેચી બતાવી. દીવાર, મિલી, શોલે, ઝંઝીર, અદાવત, દો, અન્જાને, હેરાફેરી, કભી કભી, અસર-અકબર એન્થની, ખૂન પસીના, પરવરિશ, ડોન, કસમે વાદે, મુક્કદર કા સિકંદર, ત્રિશુલ, ધી ગ્રેટ, ગેમ્બલર, કાલા પત્થર, મિ.નટવરલાલ, દોસ્તાના, શાન, સત્તે પે સત્તા, નસીબ, લાવારિસ, સિલસિલા, યારાના, કાલિયા, બે મિસાલ, દેશપ્રેમી, ખુદાર નમક હલાલ, શક્તિ, કુલી...કહાં તક નામ ગિનવાયેં...? યાદી પૂરી કરતાં હાથ પણ થાકી જાય છે.

અમિતજી ન થાક્યા, ન હાર્યા. પત્રકારો થાકી ગયા. જે કલાકાર વિષે એક શબ્દ પણ નહીં છાપવાની એમણે કસમ ખાધી હતી, એ કલાકાર દર વરસે ઉપરા-છાપરી પાંચ-પાચં, આઠ-આઠ ફિલ્મોની લૂમ ફોડી રહ્યો હતો. એ પણ એવી સુપર ડુપર હિટ ફિલ્મો કે જે ત્રીસ-ચાલીસ વર્ષે પછી પણ એવી ને એવી ધૂમ મચાવી શકવાની હોય.

મેગેઝીનો હાંફી ગયા. ક્યાં સુધી રીશી, જીતુ અને મિથુનના ફોટોગ્રાફ્સથી કામ ચલાવી શકાય? ક્યાં સુધી જીતુ-હેમા, રીશી-નીતુ કે મિથુન-યોગીતાના પ્રેમસંબંધોને ચગાવીને 'એન્કેશ' કરી શકાય? ભારતની જનતાને તો એક જોડીમાં રસ પડતો હતો. અમિતજી અને રેખાની જોડીમાં. ક્યાં સુધી મેગેઝીનોના ગ્લોસી પાનાંઓને રેખાનાં ચીકણાં ચહેરાથી વંચીત રાખી શકાય? અને મેગેઝીન વેંચી શકાય?

પત્રકારોને અને તંત્રીઓને મોકાની તલાશ હતી. એવા મોકાની તલાશ જેના કારણે અમિતાભના બહિષ્કારનું એલાન માનભેર પાછું ખેંચી શકાય. પત્રકારોનો અહમ્ પ્રભળ હોય છે. ભારતના વડાપ્રધાન પણ એમની સામે બાખડી ભીડી શકતા નથી. જો ભૂલથી પણ પોલીસ દ્વારા પત્રકારોની ભીડ પર લાઠીચાર્જ થઈ ગયો હોય તો એ રાજ્યનો મુખ્યમંત્રી તરત જ જાહેરમાં બે હાથ જોડીને માફી માગે લેતો હોય છે. નહીંતર એનું આવી બન્યું સમજવું. એટલે ફિલ્મી પત્રકારો એવું પણ ઈચ્છતા હતા કે સમાધાન માટેની પહેલ અમિતાભ તરફથી કરવામાં આવે. પણ અમિતાભે કશો જ રસ ન બતાવ્યો. એ તો વરસે-પ્રતિ વરસે એકથી એક સુપરહીટ ફિલ્મો આપવામાં વ્યસત હતાં.

છેવટે પત્રકારો તરફથી એવું સૂચન મોકલવામાં આવ્યું કે અમિતાભની છાવણીમાંથી મિત્રતાનો સંકેત મોકલવામાં આવે. અમિતજીને આ પણ કબુલ ન હતું. અમિતજી પહેલેથી જ કંઈક અંશે અંતમુર્ખી તો હતા જ હવે એ પૂરેપૂરા અંતમૂર્ખી બની ગયા. શૂટીંગ દરમિયાન 'સેટ' પરનું વાતાવરણ જે પહેલાં હળવાશ ભરેલું રહેતું હતું એ હવે ગંભીર બની ગયું. કામથી કામ બીજી કશી ન મઝાક-મસ્તી નહીં. પત્રકારને તો 'સેટ'ની આસપાસના પાંચ કિલોમીટરના પરીઘમાં પ્રવેશવા નહીં દેવાનો!

પેલી બાળવાર્તાની જેવું વાતાવરણ થઈ ગયું. છોગાળા તો છોડવા તૈયાર છે, પણ મૂછાળા મેલે તો ને?

આ ઐતિહાસીક યુદ્ધનો અંત છેવટે ઈશ્વરે જ આણવો પડ્યો. મનમોહન દેસાઈની ફિલ્મ 'કુલી'ના શૂટિંગ વખતે પૂનિત ઈસ્સારનો એક જોરદાર મુક્કો અમિતજીના પેટમાં વાગી ગયો અને એમનું આંતરડું ફાટી ગયું. ઈજા અને ચેપના કારણે અમિતાભ મૃત્યુના દ્વાર સુધી પહોંચી ગયા. બેંગલોર અને પછી મુંબઈની હોસ્પિટલોના બારણે જગતભરનું મિડીયા અમિતાભના સમાચારો માટે ઊમટી પડ્યું. ભારતના પત્રકારોને સરસ તક મળી ગઈ. પોતાનો પરાજય થયો છે એવું દેખાડ્યા કે સ્વીકાર્ય વગર તમામ ફિલ્મી મેગેઝીનોએ અમિતાભ અને માત્ર અમિતાભના જ સમાચાર છાપવા માડ્યાં.

બીજા તમામ સમાચારો પાછળ હડસેલાઈ ગયા. અમિતાભની બીમારી, એનાં પર કરવામાં આવતાં ઓપરેશન્સ, એની કથળતી જતી તબિયત અને નાની-નાની બાબતો વિષે પાનાંઓ ભરી-ભરીને લખાવા માડ્યું.

અમિતાભનો બહિષ્કાર કરનારા એમના કટ્ટર વિરોધી પત્રકારે અમિતાભ વિષેના લેખની શરૂઆત આ રીતે કરી: ' ઓ.કે. અમિત, યુ વિન!'

વિશ્વના ઈતિહાસમાં એક માત્ર અમિતાભ એવી જાહેર જીવનની વ્યક્તિ છે કે જેણે એકલે હાથે પત્રકારોની પૂરી જમાતને પરાજીત કરી બતાવી હોય. અમિતજી એટલા માટે જીતી શક્યા કારણ કે એ એ જન્મજાત યોદ્ધા હતા, છે અને રહેશે. ઔર ફાઈટર હંમેશા જીતતા હૈ! (બીજો મર્દનો બચ્ચો ધરમજીને પણ કહેવા પડે, દેવયાનીને જાહેરમાં ફટકાર્યા પછી પણ એમણે ક્યારેય એની માફી નહોતી માંગી.) પણ એમના દાખલામાં દેવીએ પણ ક્યારેય એવું ન કહ્યું કે ઓ.કે.ધરમજી, યુ વીન!'

જો હજુ અમિતાભની જીતમાં કશું એ ખૂટતું હતું તો એ ફણ પૂરુ થયું જે દિવસે અમિતાભ પૂરેપૂરા સાજા થઈને બિચ કેન્ડી હોસ્પિટલમાંથી બહાર આવ્યા અને ગાડીમાં બેસીને 'પ્રતીક્ષા' તરફ જઈ રહ્યાં હતાં ત્યારે મુંબઈની સડકો ઉપર માન-મહેરામણ ઉમટી પડ્યો હતો અને હાથ લહેરાવીને ખુશી વ્યક્ત કરી રહ્યો હતો. અચાનક અમિતજીની નજર બારીમાથી દેખાતા એક મોટા હોર્ડિગ ઉપર પડી. એ હોર્ડિંગ એક અંગ્રેજી અખબાર દ્વારા મુકવામાં આવ્યું હતું. એમાં અમિતજીનો મોટો ફોટોગ્રાફ મુકાયેલો હતો અને આ લખાણ હતું, ગોડ ઈઝ ગ્રેટ, અમિત ઈઝ બેક! એ અખબારે દસ-દસ વર્ષ સુધી અમિતજીનો કટ્ટર બહિષ્કાર કર્યો હતો. લખાણ વાંચીને અમિતાભની આંખો છલકાઈ ઊઠી હતી.

સાચો વીરપુરુષ એ છે કે જે વિજેતા બન્યા પછી શત્રુને માફ કરી દે. 'કુલી'નો અકસ્માત એક નિમિત્ત બની ગયું. પત્રકારો અમિતાભની સાથે સમાધાન કરી લેવા ઈચ્છતા હતા, એમણે એક તરફી સુલેહની સફેદ ઝંડી ફરકાવી દીધી. અમિતજીએ પણ વિશાળ દિલ રાખીને એમને ક્ષમા આપી દીધી.

ફરીથી અમિતજીના ઈન્ટરર્વ્યુઝ અને એમના વિષેના સમાચારો છપાવા લાગ્યા. અમિતાભ હસી-હસીને પત્રકારોને મળવા લાગ્યા. એકબીજાને પાર્ટી આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો. એક પત્રકારે એમને પુછી લીધું, 'આવતાં જન્મમાં જો તમને પુછવામાં આવે તો તમે શું બનવાનું પસંદ કરશો?'

'પત્રકાર' અમિતજીએ સૂચક સ્મિત ફરકાવીને જવાબ આપ્યો, પત્રકાર બનીને હું એક વાત સાબિત કરવા માંગુ છું કે સાચું પત્રકારત્વ કોને કહેવાય! અમિતજીએ કહ્યા વગર બીજી એક વાત પણ સાબિત કરી આપી કે જો તમારી અંદર જબરદસ્ત પ્રતિભા ધરબાયેલી પડી હોય તો તમારે 'માર્કેટિંગની ગરજ નથી રહેતી'.

અમિતાભજીના પોતાના શબ્દોમાં, here I quote:

" Awards and me have not been a compatible proposition; particularly with FilmFare. After an initial period of acknowledging my work, the entire press went against me , because they were informed by ‘sources’ that I that had brought on the idea of the Emergency and a ban on the press .. !! Nothing could have been more ridiculous. But they did not relent and banned me ; no interviews, no mention or pictures, or news of mine were ever printed in any form of the media during that time. So no Deewar, or Sharabi, or Muquaddar ka Sikander, Lawaaris, Natwarlal, Bemisal, and so many many others went blank, because the media had banned me. They banning me was reasonable perhaps from their point of view. Not for me. I took on the challenge to ban them also from my life and have so far not disturbed that stand with certain modifications of course. During that 10-15 year period, they relentlessly negated my presence, deliberately closed information of me by their agencies, and kept me as persona non grata ..! I had my biggest hits and the most interesting films of that time .."

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...