Friday, October 6, 2017

આનંદ મરા નહીં, આનંદ કભી મરતે નહીં!!

વાત… આનંદ ફિલ્મની સ્ટોરીની તો તમે તમામ જાણો જ છો મિત્રો. મારે તો તમારૂં ધ્યાન આ બધા મુદ્દા પર લાવવું હતું જે ફિલ્મ સાથે ખુબ અંગત રીતે સંકળાયેલા છે. તો માણો આ અણજાણીતા પાસા… ફિલ્મ વિશે.

૦૧.    આનંદ ની વાર્તાની પ્રેરણા ઋષિકેશ મુખરજીને રાજ કપુર સાથેની તેમની દોસ્તીમાંથી મળી હતી. બંને ૧૯૫૪માં સાથે રશીયા ગયા હતાં, ત્યારે રાજ સા’બ ઋષિદાને ‘બાબુ મોશાય’ કહીને બોલાવતા. રાજકપુરને કાર્ડિયાક ન્યુરોસિસની તકલીફ થતાં એમનાં જીવને જોખમ ઊભું થયું હતું. ત્યારે ઋષિબા મિત્રને ગુમાવવાનાં ડરથી ગભરાય ગયા હતાં. એ જ ‘આનંદ’નું વાર્તાબીજ.
૦૨.    એ વાર્તાબીજમાંથી બીમલ દત્તા સાથે મળીને ઋષિદાએ ટુંકી વાર્તા લખી. જે એક બંગાળી સામયિકમાં ‘આનંદ સંગબાથ’ તરીકે છપાઇ. રાજકપુરનો જવાબ કે કાલની ચિંતામાં આજને શું કામ વેડફી કાઢવી? એ વાર્તાનો મુખ્ય સાર બન્યો. રાજકપુરને આ સ્ટોરી ઉપર ફિલ્મ બનાવવી હતી. મોતીલાલ ‘બાબુ મોશાય’ તરીકે કામ કરવા સંમત પણ કરી રાખ્યા. પણ ઋષિદા વહેમીલા ભારે! તેમને થયું કે ફિલ્મ બનાવીએ અને એવું કશુંક મિત્ર રાજકપુરને થઇ જાય તો? ખરેખર દોસ્ત ગુમાવવાનું પોસાય નહીં.
૦૩.    વાર્તા લાંબો સમય પડી રહી. ફરી જ્યારે ફિલ્મ સર્જન કરવાનો વિચાર કર્યો ત્યારે ઋષિકેશ મુખરજીએ પહેલો સંપર્ક આનંદનાં પાત્ર માટે ગાયક-એક્ટર કિશોરકુમારનો કર્યો હતો!
૦૪.    કિશોરદા પછી ઉત્તમકુમારનો પણ. તેમણે ના પડ્યા પછી શશિકપુર ઉપર પસંદગી ઉતારી. શશિનો ચહેરો રાજસા’બની યાદ અપાવે તેવો યોગ્ય જ હતો. પરંતુ, પ્રશ્ન તારીખોનો હતો. ઋષિદાએ ત્રણ મહિનામાં પિક્ચર પુરૂં કરવું હતું. ૧૯૭૦નો સપ્ટેમ્બર મહિનો આવી પહોંચ્યો હતો અને ઋષિદાને આ ફિલ્મને ૩૧મી ડિસેમ્બર પહેલાં પુરી કરીને એ વર્ષનાં રાષ્ટ્રિય પુરસ્કારોની હરીફાઇમાં ઉતારવી હતી, એટલે ગુલઝાર દ્વારા રાજેશ ખન્નાને આ પ્રોજેક્ટની ખબર પડી, ત્યારે એ જાતે ઋષિદાને મળ્યા અને રોલ માટે પોતાની ઉમેદવારી કરી.
૦૫.    પણ, ઋષિદાએ રાજેશ ખન્નાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ ફિલ્મ માટે સળંગ ૨૦ દિવસની તારીખો જોઇશે અને તારો બજારભાવ હું નહીં આપી શકું. ખન્નાને વાર્તાનો તથા તેની અસરનો અંદાજ આવી ગયો હતો. તેણે પોતાનો ત્યારનો બજારભાવ (રૂ. આઠ લાખ) તો શું એક રૂપિયો પણ લેવાનો ઇન્કાર કર્યો. ફક્ત મુંબઇ ટેરીટરીનું વિતરણ (ડિસ્ટ્રીબ્યુશન) માગ્યું. ઋષિદા સંમત થઇ ગયા, થયું શું! ફિલ્મ રજુ થઇ અને એવી સુપરહિટ થઇ કે રાજેશ ખન્નાને પિસ્તાલીસ લાખની આવક થઇ.
૦૬.    ‘ફિલ્મફેર’ નો બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો એવોર્ડ અમિતાભ બચ્ચનને ‘બાબુ મોશાઇ’ બનવા બદલ મળ્યો. આ ફિલ્મ માટે બચ્ચનને ઋષિદાએ ફક્ત પાંચ હજાર રૂપિયા આપ્યા હતાં.
૦૭.    ૩૧મી ડિસેમ્બર સુધીમાં ફિલ્મ સેન્સર કરાવવા ૩૦મી ડિસેમ્બરની આખી રાત એડિટિંગ ચાલ્યું અને બરાબર ૩૧.૧૨.૧૯૭૦નાં દિવસનું સેન્સર સર્ટીફિકેટ મળ્યું. એટલું જ નહીં ‘આનંદ’ને જે સ્પર્ધામાં મોકલવામાં ઋષિદાએ આટલી ધમાલ કરી હતી તે પણ ફળી. રાષ્ટ્રિય પુરસ્કારોમાં ‘આનંદ’ને ‘બેસ્ટ ફિલ્મ’નો રાષ્ટ્રિય એવોર્ડ મળ્યો.
૦૮.    નેશનલ એવોર્ડ ઉપરાંત ‘ફિલ્મ ફેર’ માં પણ ‘બેસ્ટ ફિલ્મ’ નો એવોર્ડ ‘આનંદ’ ને જ મળ્યો. આ ઉપરાંત ઋષિદાને ‘બેસ્ટ સ્ટોરી’નો, રાજેશ ખન્નાને ‘બેસ્ટ એક્ટર’નો અને આગળ જણાવ્યા મુજબ અમિતાભ બચ્ચનને ‘બેસ્ટ સપોર્ટીંગ એક્ટર’ નો એવોર્ડ મળ્યા હતાં.
૦૯.    આનંદ રિલીઝ થતાં અગાઉ તેમાં મારામારી, કેબ્રેડાન્સ નહીં હોવાથી હીરોઇનનું એકાદું રોમેન્ટિક ગીત મુકવાનાં દબાવમાં ઋષિદાએ ‘જીયા લાગે ના’ ગીત મુક્યું. ફિલ્મનાં પ્રવાહને એ એક માત્ર ગીત જ થોડો ધીમો પાડે છે તેનો અફસોસ દાદાને હંમેશા રહ્યો.
૧૦.    રાજેશ ખન્નાએ એક વિતરકની હેસિયતથી ઋષિદાને વિનંતી કરી કે તેનાં એક જ્યોતિષીની સલાહ મુજબ ફિલ્મનાં સ્પેલિંગમાં વધારાનો ‘A’ લગાડીને ‘AANAND’ તરીકે રિલીઝ કરો. ત્યારે રાજેશ ખન્નાએ પોસ્ટર અને પબ્લીસીટી વગેરેનાં ખર્ચમાં થનારો વધારો પોતે ચુકવી આપશે એમ કહ્યું છતાં ઋષિદાએ ના પાડી. એમ કહીને કે ફિલ્મમાંની સામગ્રી (કન્ટેન્ટ)માં ઉમેરો – ઘટાડો કે સુધારા – વધારા થઇ શકે. બાકી નામમાં એક અક્ષર વધારવાથી મારી ફિલ્મની ક્વોલીટી સુધરી જાય એ હું માનતો નથી. ફિલ્મ ચાલે એવી એમાં સામગ્રી હશે તો ‘આનંદ’ Anand એ સ્પેલીંગ સાથે જ ચાલશે, અને સાહેબ ફિલ્મ ચાલી તો કેવી ચાલી !
૧૧.    ‘આનંદ’ નાં સંગીતકાર સલિલ ચૌધરીએ ફિલ્મનાં બેકગ્રાઉન્ડમાં સેક્સોફોન પર વગાડેલી એક ધૂન ગુલઝારને એટલી તો પસંદ પડી ગઇ કે તે તર્જ પર શબ્દો લખ્યા, જે તેમની સર્જેલી પહેલી ફિલ્મ ‘મેરે અપને’ નું ટાઇટલ ગીત બન્યું. કિશોરકુમારનાં આ અમરગીતની ધૂન ‘આનંદ’ માં સલિલ ચૌધરીએ પહેલીવાર સંભળાવી હતી… ‘કોઇ હોતા જિસકો હમ, હમ અપના કેહ લેતે યારોં, પાસ નહીં તો દૂર હી હોતા, લેકિન કોઇ મેરા અપના…!’
૧૨.    ‘આનંદ’ માં સંવાદ લેખક તરીકે ગુલઝારે કેવા કેવા શ્રેષ્ઠ શબ્દો આપ્યા… ‘ઝિંદગી બડી હોની ચાહીયે, લંબી નહીં…!’ કે પછી ફિલ્મ પુરી થતાં અમિતાભનાં અવાજમાં કહેવાતા બાબુ મોશાઇની ડાયરીનાં અંતિમ શબ્દો… ‘આનંદ મરા નહીં, આનંદ મરતે નહીં…!’

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...