Thursday, October 26, 2017

મોરારજી દેસાઈ અને આચાર્ય




મોરારજી દેસાઈ બૃહદ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે વલ્લભવિદ્યાનગરની એન્જિનીયરિંગ કોલેજના એક ફંકશનમાં મુખ્ય મહેમાન બન્યા. પ્રસંગને અનુરૂપ પ્રવચન કર્યા પછી પ્રશ્નોત્તરી શરૂ થઈ. મોરારજી દેસાઈએ વિદ્યાર્થીઓને કહ્યું કે તમે ડર્યા વિના કોઈ પણ સવાલ મને પૂછી શકો છો. એક સ્ટુડન્ટે ઊભા થઈને છાપાંમાં છપાતાં અહેવાલોના આધારે સવાલ કર્યોઃ તમારા બાંધકામ ખાતાના પ્રધાન ભ્રષ્ટાચાર આદરી પૈસા બનાવી રહ્યા છે તેનાથી આપ માહિતીગાર છો? આ અણિયાળો સવાલ સાંભળીને મોરારજીભાઈ રાતાપીળા થઈ ગયા. આપ માહિતગાર હશો જ મોરારજીભાઈના સ્વભાવથી!

 ઉપસ્થિત શિક્ષકોએ વિદ્યાર્થીનો બચાવ કર્યો તો મોરારજીભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેઓ ટેવવશ ગરજ્યાઃ ‘બેજવાબદાર વિદ્યાર્થી અને આ અશિષ્ટ પ્રોફેસરોને અહીંથી બહાર કાઢો. શું વિદ્યાર્થીઓને અહીં આવા સંસ્કાર અપાય છે?’ 

કોલેજના પ્રિન્સિપાલ એસ.વી. જનરકર ઊભા થયા અને મક્કમ અવાજે બોલ્યાઃ ‘આદરણીય મુખ્યમંત્રી, વિદ્યાર્થી કે કોઈએ અશિષ્ટ વર્તન કર્યું નથી. આપની આજ્ઞા પછી જ વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો છે, આપ એથી ઉશ્કેરાયા છો. હું આ વિદ્યાલયનો આચાર્ય છું. મારા વિદ્યાર્થીઓનું માન જળવાય એ મારી ફરજ છે. હું આપને વધારે બોલવા દેવાની નમ્રતાપૂર્વક મનાઈ કરું છું. સભા હવે બરખાસ્ત થાય છે.’ અને આચાર્ય અતિથિને બહાર દોરી ગયા.

આ અફલાતૂન કિસ્સો પ્રતિષ્ઠિત હાસ્યકાર વિનોદ ભટ્ટનાં પુસ્તક ‘સોટી વાગે ચમચમ’માં નોંધાયો છે. અગાઉના જમાનાથી  લઈને આજની સ્કૂલો તેમજ વિદ્યાર્થીજીવનનું લેખકે આબાદ વિહંગાવલોકન કર્યું છે અને પછી તેને પોતાની નર્મમર્મથી ભરપૂર રસાળ શૈલીમાં રજૂ કર્યું છે.  (લટકામાં ઉમેરી દઈએ કે લેખકનું ‘વિનોદકથા’ નામનું પુસ્તક પણ આ સાથે જ પ્રગટ થયું છે, જે હાસ્યવ્યંગથી ભરપૂર ટચૂકડી કથાઓનું સુંદર સંકલન છે.) 

લેખની શરૂઆતનો કિસ્સો વાંચીને એવું સહેજે ધારી ન લેવું કે અગાઉની સ્કૂલકોલેજોમાં બધું સુષ્ઠુ સુષ્ઠુ જ હતું તેમ લેખક કહેવા માગે છે. તેઓ તો લખે છે કે, ‘આમ તો અંગ્રેજી શબ્દ ‘ટુ ટીચ’નો અર્થ ભણાવવું એવો થાય છે, પણ આ ‘ટીચ’ શબ્દનો અર્થ ટીચી નાખવું પણ થતો હોવો જોઈએ, કેમ કે અગાઉના વખતમાં સ્કૂલો પોલીસસ્ટેશન જેવી હતી, અડફેટે ચડતા છોકરાને ટીચી નખાતો.’

અને છેલ્લે ટહુકો:-
હિટલરને એક ખલનાયક બનાવનાર તેનો શિક્ષક હતો એવું ખુદ હિટલરે પણ પોતાની આત્મકથામાં નોંધ્યું છે. ...!!!

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...