Thursday, October 12, 2017

નેથાનિયલ હાવથોર્ન


ઈતીહાસમાં સફળતાને વરેલા માનવીઓની ઝળહળતી સફળતા પાછળ જેટલું તેમના પુરુષાર્થનું બળ છે, તેટલું તેમને આપવામાં આવેલ પ્રોત્સાહનનું પણ બળ છે.
આ પ્રોત્સાહન જો તેઓ જેમને ચાહતા હોય તે લોકો તરફથી મળે તેની અસર અનેકગણી વધી જાય છે. આવું જ બળ એક વીશ્વાસભરી પત્ની સોફિયાના શબ્દોએ તેના પતી નેથાનિયલ હાવથોર્નમાં પુર્યું હતું. એ માણસનું નામ દુનીયાના ઈતીહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયું.
પણ આ સફળતાને વર્યા પહેલાં, સંઘર્ષના કપરા કાળમાં એક દીવસ તે તુટેલા હૃદયનો ભંગાર હાથમાં લઈ પત્ની પાસે આવ્યો. તે દીવસે તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. તેણે પત્નીને પાસે બેસાડીને કહ્યું કે હવે હું એક નકામો માણસ છું. મારી કસ્ટમની નોકરી ચાલી ગઈ છે. તેના આશ્ચર્ય વચ્ચે પત્નીએ તો આ સાંભળી આનંદ વ્યક્ત કર્યો. ‘સારું થયું ને! તું હવે તારું પુસ્તક લખી શકશે.’
‘એ તો ખરું, પણ પુસ્તક લખાતાં તો વાર લાગે. ત્યાં સુધી શું ખાઈશું?’
પત્નીએ એક ખાનું ખોલ્યું અને નોટોની થપ્પી બહાર કાઢી.
‘આટલાં બધાં નાણાં ક્યાંથી લાવી તું?’
‘મને ખબર હતી કે તારામાં પ્રતીભા છુપાયેલી છે. મેં એ પણ કલ્પના કરી હતી કે ક્યારેક તો તને તારા સર્જન માટે વખત જોઈશે જ. એટલે દર અઠવાડીયે તું મને ઘરખર્ચના પૈસા આપે તેમાંથી હું બચે તેટલું બચાવતી. આટલી રકમમાંથી આપણે એક વર્ષ આરામથી જીવીશું. તું લખવા માંડ. આવતી કાલ તો તારી જ છે.’
પત્નીના વીશ્વાસભર્યા શબ્દો સાંભળી તેનું હૈયું છલકાયું અને એ રીતે અમેરીકન સાહીત્યની શ્રેષ્ઠ નવલકથાઓમાંની એકનો જન્મ થયો – ‘ધ સ્કાર્લેટ લેટર’.
અને છેલ્લે:-
જે વ્યક્તીએ જીવનમાં ક્યારેય ભુલ નથી કરી
તેનો અર્થ એ થાય કે એ વ્યક્તીએ
ક્યારેય કંઈક નવું કરવાનો પ્રયત્ન જ નથી કર્યો.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...