Thursday, October 12, 2017

સંબંધોનો સેતુ

સંબંધોનો સેતુ

એક વાર બે ભાઈઓ પોતપોતાના ખેતરમાં પાડોશમાં જ રહેતા હતા. કોઈ બાબતમાંથી બે ભાઈઓ વચ્ચે અણબનાવ થયો. ૪૦ વર્ષમાં પહેલી જ વાર આવું બન્યું. આમ તો બંને ભાઈઓ સાધનસામગ્રી, બધી જાતની મશીનરી, મજુરો વેગરેની જરુર પડે તેમ એકબીજાને મદદ કરતા. બધું સમુસુતરું ચાલ્યા કરતું હતું.
પણ એક દીવસ એ બધું કડડભુસ થઈ ગયું. એનું નીમીત્ત માત્ર એક નાનકડી ગેરસમજ હતી. પણ એમાં વધારો ને વધારો થતો ગયો. છેવટે એ એક બહુ જ વીશાળ વટવૃક્ષમાં પરીણમ્યું. બંનેએ એકબીજાને ન કહેવાના શબ્દો કહ્યા. અબોલા શરુ થયા.
એક સવારે મીઠાભાઈનું (મોટાભાઈનું) બારણું કોઈકે ખખડાવ્યું. એણે જોયું તો એક સુથાર બધાં સુથારીના ઓજાર સાથે ઉભો હતો.
“મારે કેટલાક દીવસનું કામ જોઈએ છે.” એણે કહ્યું. “કદાચ તમારી પાસે મને લાયક કંઈક નાનું નાનું કામ હોય તો હું તે કરી શકું?”
“હા, જરુર.” મોટાભાઈએ કહ્યું. “મારી પાસે તમારે લાયક કામ છે જ. જુઓ સામે આ ખાડીને પેલે પાર ખેતર દેખાય છે ને એ મારો પાડોશી, ખરેખર તો એ મારો નાનો ભાઈ છે. અમારા વચ્ચે માત્ર ઘાસીયું હતું, ખાડી ન હતી. પણ તાજેતરમાં એ નદી કીનારે એનું બુડોઝર લઈને ગયો અને અમારી વચ્ચે હવે ખાડી બની ગઈ. એણે કદાચ એ મારી ઉપરવટ જઈને કર્યું હશે, પણ હું એનાથી વધુ કંઈક કરી બતાવીશ. ત્યાં કોઢાર આગળ પડેલાં લાકડાં તમે જુઓ છો ને? તમે મને એક ફેન્સ બાંધી આપો – આઠ ફુટ ઉંચી ફેન્સ, જેથી મારે એનું ઘર કે એનું મોં જોવું ન પડે.”
સુથારે કહ્યું, “મને લાગે છે કે હું પરીસ્થીતી પામી ગયો છું. મને ખીલા અને થાંભલા રોપવા ખાડા કરવાનું મશીન બતાવો, તો તમને પસંદ પડે તેવું કામ હું કરી શકીશ.”

મોટો ભાઈ બજારમાં જઈને સુથાર માટે જરુરી સામાન લઈ આવ્યો. પછી એ તો આખા દીવસ માટે પોતાના કામ સારુ જતો રહ્યો. માપ પ્રમાણે લાકડાં કાપી, ખીલા ઠોકતો સુથાર આખા દીવસ સુધી સખત કામ કરતો રહ્યો. સાંજે લગભગ સુર્યાસ્ત સમયે જ્યારે ખેડુત ઘરે આવ્યો ત્યારે જ સુથાર એનું કામ પુરું કરી રહ્યો હતો.

જોઈને ખેડુત અવાક થઈ ગયો. ફેન્સ તો હતી જ નહીં.
ત્યાં તો પુલ હતો!!! પુલ ખાડીના એક કીનારાને સામેના કીનારા સાથે જોડતો હતો! કઠેરા સાથે ખુબ સુંદર પુલ બનાવ્યો હતો. અને પાડોશી, એનો નાનો ભાઈ એ લોકો તરફ આવી રહ્યો હતો, હાથ પહોળા કરતો.
“મેં જે શબ્દો તમને કહ્યા અને જે વર્તન કર્યું તેમ છતાં તમે આ પુલ બનાવ્યો, ખરેખર તમે સજ્જન છો.”
બંને ભાઈઓ પુલના એકબીજે છેડે ઉભા હતા, અને પછી અધવચ્ચે ભેગા થયા. એકબીજાના હાથ ઝાલ્યા. બંનેએ જોયું તો સુથાર એનાં ઓજાર ખભા પર ઉંચકી ચાલતો થયો હતો.
“થોભો, થોડા દીવસ રોકાઈ જા. મારે તારી પાસે ઘણું બધું કામ કરાવવાનું છે.” મોટાભાઈએ કહ્યું.
“રોકાઈ જવાનું મને ગમશે, પણ મારે બીજા ઘણા પુલ બાંધવાના છે.”

અને છેલ્લે:-
 सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु  निरामयः
सर्वे  भद्राणि  पश्यन्तु मा कश्चिद दुखभाग भवेत्.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...