Saturday, October 28, 2017

વિન્સટન ચર્ચિલ

વિન્સટન ચર્ચિલ

વિન્સટન ચર્ચિલ એ વખતે ઇંગ્લેન્ડનાં વડાપ્રધાન હતાં. તેમનાં એક અનન્ય સ્નેહીને ત્યાં ખૂબ ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચર્ચિલ પણ આ પાર્ટીમાં હાજર હતાં. દેશનાં નામાંકિત મહાનુભાવો આ પાર્ટીમાં એકત્રિત થયેલાં. સૌ મોજમાં હતાં, આનંદમાં હતાં. પાર્ટીનાં આયોજક યજમાને ખાસ આ પાર્ટીમાટે એક અણમોલ ચાંદીનો સેટ ઉપયોગમાં લીધો હતો, જેની એક એક વસ્તુ આકર્ષક હતી.

        હવે બન્યું એવું કે પાર્ટીમાં આવેલ તમામ મહેમાનોમાનાં એક સદ્દ્ગૃહસ્થને થયું, ચાંદીનાં સેટમાંથી એક પીસ કે ગમે તે એક વસ્તુ તો ગમે તેમ કરીને પણ રાખી લેવી કે સેરવી લેવી. તેમણે ધીરે રહીને એક ચાંદીનો ચમચો કોટનાં આગળનાં ખિસ્સામાં સેરવી દીધો. અચાનક ઘટના પર અને આ વ્યક્તિ પર પાર્ટીનાં આયોજક યજમાનની નજર પડી, ને તેમણે જોયું કે તેનાં મહેમાને શું કરેલું. ચમચો લેનાર સજ્જનને કંઇ કહી શકાય તેમ હતું નહીં, સાથોસાથ ચાંદીનાં મૂલ્યવાન સેટને પણ ખંડીત કરી શકાય તેમ હતો નહીં. આ ઉપરાંત ચમચા જેવા બાબત માટે આટલી મોટી પાર્ટીની મજા મરી જાય અને કંઇ અનર્થ સર્જાય એ પણ યજમાનને મંજૂર નહોતું. હવે કરવું શું. બરાબરનાં મૂંજાણા…

 છેવટે તેમણે તેમની મૂંજવણ ચર્ચિલ પાસે રજૂ કરી.

        ચર્ચિલે વિગત જાણી યજમાનને કહ્યું કે, “જરા ચિંતા કરશો નહીં, બેફિકર રહો.” મોઢામાં ચિરૂટ અને હાથમાં વાઇનનાં ગ્લાસ સાથે વાતો કરતાં કરતાં ફરતાં ફરતાં ચર્ચિલ ચમચો ચોરી લેનાર પેલા વ્યક્તિ પાસે આવી પહોંચ્યા. તેમની સાથે થોડી વાર ખૂબ આત્મિયરાથી વાતો કરી અને છેવટે નજીક આવીને પેલાનાં કાનમાં કહ્યું, “ચાંદીનો સેટ અણમોલ છે, એન્ટિક છે, ખોટું શું કામ કહું? મેં તો એક ચમચો લઇ લીધો.” આમ કહી ચર્ચિલે પોતાના કોટનાં ખિસ્સામાં મૂકેલો ચાંદીનો ચમચો પેલા વ્યક્તિને બતાવ્યો. ચર્ચિલ જેવી વ્યક્તિ આટલી લાગણી બતાવી વિશ્વાસ મૂકી આવી વાત પોતાને કહી એટલે પેલા વ્યક્તિનો વિશ્વાસ વધી ગયો. તેમણે પણ ચમચો બતાવીને કહ્યું કે, “તમારી જેમ મેં પણ એક ચમચો ઉપાડી લીધો છે.” થોડી આડીઅવળી વાતો કરી ચર્ચિલ ત્યાંથી ચાલ્યા ગયા.

        પાર્ટીનાં ભોજનની વ્યવસ્થા થઇ રહી હતી, ટેબલો સજાવ્યા હતાં, સંગીતનાં સુર રેલાઇ રહ્યા હતાં, ડ્રિંક્સ અને વાઇનનાં જામ ભરાઇ રહ્યા હતાં. સૌ ખુશખુશાલ હતાં, આનંદમાં હતાં… યજમાન તરફથી સૌને જમવા માટે ડિનર ટેબલ પર સ્થાન લેવાની વિનંતી કરવામાં આવી. 

        એ વખતે ચર્ચિલ ફરી પેલા ચમચો ચોરનાર વ્યક્તિ પાસે આવ્યા અને થોડા ચિંતાતુર અવાજમાં કહ્યું કે, “મને વહેમ છે કે યજમાનને ખ્યાલ આવી ગયો છે. અંદર સેટની ગણતરી શરી થઇ ગઇ છે. મારી હિંમત નથી ચાલતી. કદાચ બેઇજ્જ્તી થાય તો? પકડાઇ ગયા તો? હું તો મારો ચમચો મૂકી દઉં છું.” તેમ કહી તેમણે પોતાનો ચમચો ધીરે રહી ટેબલ પર મૂકી દીધો. ચર્ચિલની આવી વાત સાંભળી ચમચો ચોરનાર વ્યક્તિ પણ મૂંઝાઇ ગયો અને મનમાં વિચાર્યું કે, “તો પછી હું પણ શા માટે જોખમ વહોરી લઉં? હું પણ મૂકી દઉં છું.” આમ કહીને તેણે પણ ચમચો ટેબલ પર મૂકી દીધો. ચર્ચિલે યજમાનને કહ્યું કે, “સમસ્યા હલ થઇ ગઇ છે.” યજમાન ખૂબ ખુશ થયાં. પાર્ટી શાનદાર રીતે પૂરી થઇ.


આમ, કોઇ પણ કાર્યનું મૂલ્યાંકન તેની પાછળ એ કાર્ય કરવાનાં ઇરાદા પરથી નક્કી થાય છે.

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...