Saturday, October 28, 2017

યશોદા ફાઉન્ડેશન



યશોદા એક ધોબણ, માત્ર પાંચ ચોપડી ભણેલી. દાદી માંદા પડતા શાળા છોડી દીધી અને પાછળથી તેમનું કામ પણ ઉપાડી લીધું. રાત-દિવસ એક જ કામ ! કપડાં ધોવા ઈસ્ત્રી કરવી અને ઘેર-ઘેર પહોંચાડવા. તેના કડક ઈસ્ત્રીવાળાં કપડાં પહેરી યુવાનો વટબંધ કૉલેજ જતા. સ્ત્રીઓ લગ્ન કે પાર્ટીઓમાં મહાલતી પણ એ બધું જોવાનો કે માણવાનો યશોદા પાસે સમય જ નહોતો. બસ કામ, કામને કામ !
નાનકડાં ઝૂપડાંમાં રહેતી યશોદા સમય વહેતાં એકલી પડી ગઈ. કામના બોજ હેઠળ લગ્ન કરવાનો વિચાર પણ ન આવ્યો. એકલો અટૂલો જીવ કામ કરતો રહ્યો. તેની જરૂરિયાતો બહુ ઓછી હતી તેથી વધારાનો પૈસો બૅંકમાં જમા થતો ગયો. ટીપે ટીપે સરોવર ભરાય તેમ 80 વર્ષની ઉંમરે ભેગી કરેલી પાઈ પાઈની કિંમત રૂ. 1 લાખ 50 હજાર જેટલી થઈ ગઈ. એકવાર બૅંકરે તેને પૂછ્યું : ‘આ પૈસાનું શું કરવું છે ?’

‘આટલા બધા છે ? તેની જરૂર તો મને ક્યારેય પડવાની નથી.’ ધોબણે ભોળાભાવે કહ્યું.

‘તો તારી શું ઈચ્છા છે ?’ બૅંકરે પૂછ્યું, ‘તારા નામે કોઈ ભણે આગળ આવે તો તને ગમે ?’

‘કેમ ના ગમે ? હું તો નિશાળે ના ગઈ, પણ કોઈ ગરીબ પણ હોંશિયાર હોય તે ભલેને ભણે… આગળ આવે…’

‘તો અહીંથી પાસે જ વિદ્યાપીઠ છે તેને દાન આપીશ તો કોઈ ગરીબ વિદ્યાર્થીનું જીવન સુધરશે. તારી બક્ષિસનો લાભ…’ બૅંકર બોલે જતા હતા
.

‘મારી હયાતીમાં હું જોઈ શકીશ.’ ધોબણ ઉત્સાહથી બોલી અને ઊમેર્યું, ‘બોલો ક્યારે જઈશું ?’
ભલી ભોળી ધોબણના સીધા સવાલથી બેન્કર પણ દિગ્મૂઢ બની ગયા. બૅંકર તેને લઈને પ્રિન્સિપાલને મળવા ગયા ત્યારે તે બિચારી બહાર ઊભી રહી. કોઈએ તેને અંદર પણ બોલાવી નહીં. બૅંકરની વાત સાંભળી પ્રિન્સિપાલ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. સન્માન સાથે તેને અંદર તેડી લાવ્યા. એક ધોબણ અને રૂ. 1 લાખ 50 હજારનું દાન ! વાત વાયુવેગે પ્રસરી ગઈ. રિપોર્ટરો તેને મળવા આવ્યાં. તેની મુલાકાત છાપવાની ઈચ્છા સેવનાર તેની સાદાઈથી-ગરીબાઈથી અચંબામાં પડી ગયા. સ્કોલરશિપ મેળવવાની ઈચ્છા રાખનારની લાઈન તેની ઝૂંપડી બહાર દેખાવા લાગી. એની વાત વાંચતા એક વેપારીને શરમ લાગી કે આટલી ગરીબ સ્ત્રી આટલું બધું આપી શકે તો હું કેમ સ્વસ્થ બેસી શકું ? તેણે પણ બરાબરીનું દાન કર્યું અને યશોદા ફાઉન્ડેશનની સ્થાપના થઈ. તેના દ્વારા દર વર્ષે ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળી રહી છે.
નિસ્વાર્થી, નિષ્કામ કર્મયોગી ધોબણે જાતે ગરીબ રહીને પોતાના સર્વસ્વનું દાન આપી દીધું. બદલામાં તેને શું મળ્યું ? તેની એક જ ઈચ્છા હતી કે તેણે આપેલી ગિફટનો ઉપયોગ કરી જે વિદ્યાર્થી સ્નાતક થાય તેના કોન્વોકેશનમાં હાજરી આપી તેને પદવી ગ્રહણ કરતાં જુએ અને સંતોષ અનુભવે. કેટલો પવિત્ર જીવ ! 

અને છેલ્લે:

આજે તેની ગિફટનો લાભ પામેલી પહેલી વિદ્યાર્થીની સ્મિતાએ યશોદાને જાણે મા તરીકે દત્તક લીધી છે. સ્મિતા જરૂરી સામાન ખરીદી લાવી તેની ઝૂંપડીને સજાવી રહી છે. સુખદુ:ખમાં સાથ આપી રહી છે...!!
યશોદાના પવિત્ર આત્માને કોઈની-કશાની જરૂર નથી. પણ આવા નિષ્પાપ જીવની સંભાળ લેવાની પ્રેરણા ઉપરવાળાએ કોઈને આપી છે. એ શું ઓછું છે ?

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...