Wednesday, October 4, 2017

સલીમ-જાવેદ :- આ ઐતિહાસિક જોડીનો વિચ્છેદ કેમ થયો?


ઘણા ઓછા લોકોને એ વાતની ખબર હશે કે અમિતાભ બચ્ચનની એંગ્રી યંગમેનની છાપ ઊભી કરનાર મહત્વની ફિલ્મ કે જે તેમની ફિલ્મી કૅરિઅરમાં પણ અતિ મહત્વની ગણાય છે, તે ઝંજીરની કહાની અને પ્લોટ સલીમખાનની એકલાની એટલે કે જાવેદ અખ્તરને તે નહોતા ઓળખતા તે પહેલા રચાયેલી કહાની છે. આ બંને રાઈટર બેલડીના દિમાગમાંથી અને હાથે રચાયેલી અનેક કહાનીઓ એ કેટલીય હીટ ફિલ્મો આપી છે. હાથી મેરે સાથી અને સીતા ઔર ગીતાથી લઈને યાદોંકી બારાત, ઝંજીર, દિવાર, શોલે, ડૉન, ત્રિશૂલ, ક્રાંતિ વગેરે અનેક ફિલ્મો ગણાવી શકાય. લીસ્ટ આથીય ઘણું લાંબૂ છે. 

પણ કોઈક કારણ સર ૧૯૮૭માં મિ.ઈન્ડિયા લખ્યા બાદ સલીમ-જાવેદની આ હીટ જોડી છૂટી પડી ગઈ....!!! કહે છે કે સલીમ અને જાવેદે જ્યાં સુધી હિન્દી સિનેમા જગતમાં એક સાથે ફિલ્મો લખવાની શરૂઆત નહોતી કરી ત્યાં સુધી હિન્દી ફિલ્મોમાં રાઈટરને ક્યારેય આટલું મહત્વ, સ્ટારડમ મળતું નહોતું. ફિલ્મના પોસ્ટર પર ટાઈટલમાં સ્ટોરી કે ડાયલોગ રાઈટરનું નામ ક્યાંય જોવા નહોતું મળતું. સ્ક્રીન પર રાઈટરનું નામ આવવા જેટલી પણ જગ્યા ભાગ્યે જ આપવામાં આવતી. પણ આ રાઈટર ડ્યુઓએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવો ટ્રેન્ડ આણ્યો કે ન માત્ર તે સમયે કોઈ પણ ફિલ્મ રાઈટર કરતા સલીમ-જાવેદને ફિલ્મ લખવા માટે સૌથી ઊંચી કિંમત ચૂકવવામાં આવતી પણ સ્ટારડમ પણ આપવામાં આવતું. એટલું જ નહીં પણ તે વખતે હિન્દી સિનેમા જગતમાં એવો પણ ટ્રેન્ડ નહોતો કે સ્ક્રીનપ્લે, સ્ટોરી અને ડાયલોગ તમામ કોઈ એક જ દ્વારા લખવામાં આવે. સલીમ અને જાવેદનું નામ ટાઈટલમાં આવે તેવી પહેલી તક મળી રાજેશ ખન્નાની ફિલ્મ હાથી મેરે સાથીમાં. બસ પછી તો દરેક ફિલ્મમાં રાઈટર્સના નામ સ્ક્રીન પર અને ટાઈટલમાં લખાય તે જરૂરી થઈ ગયું. સલીમ-જાવેદની જોડીએ લખેલી શોલે તો એક માઈલ સ્ટોન સુપરડુપર હીટ ફિલ્મ છે જે આપણને બધાને જ ખબર છે. પણ આ ફિલ્મ સાથે જ રમૂજ ઉપજાવે તેવી સાચી હકીકત પણ જોડાયેલી છે. ફિલ્મમાં સંજીવ કુમારનું પાત્ર યાદ છે ? જી હા, ઠાકુર. સંજીવ કુમારનું એ પાત્ર એટલે કે ઠાકુર સા'બનું આખું નામ હતું ઠાકુર બલદેવસિંહ. અને કદાચ તમને નહીં ખબર હોય પણ સલીમખાનને આ ઠાકુરના પાત્રનું નામ મળ્યું હતું તેમની પહેલી પત્ની સુશીલાના ડેન્ટીસ્ટ પિતા પાસેથી. જી હા તેમના સસરાનું નામ હતું ઠાકુર બલદેવસિંહ. 

પણ તો પછી સલીમ-જાવેદની આ હીટ જોડી છૂટી કેમ થઈ ગઈ ?

એવું તે શું બન્યું કે બંનેએ સાથે કામ કરવું બંધ કરી દીધું. સાચી હકીકત તો આજે પણ કોઈ ને ખબર નથી કારણ કે બંનેમાંથી એકેયએ ક્યારેય તેની પાછળનું કારણ જાહેર નથી કર્યું. પણ માહિતી કંઈક એવી છે કે, ૧૯૮૭માં બનેલી મિ. ઈન્ડિયા માટે સૌપ્રથમ અમિતાભ બચ્ચનને ઓફર કરવામાં આવી હતી. પણ અમિતાભ બચ્ચને કોઈક કારણસર તે ફિલ્મ કરવાની ના પાડી દીધી. જાવેદ અખ્તર અમિતાભજી ના આ નિર્ણયથી ખૂબ ગુસ્સે થયા અને તેમણે કહી દીધું કે તેઓ હવે પછી ક્યારેય અમિતાભ સાથે કામ નહીં કરે, પણ સલીમખાને તેમને સમજાવ્યા અને કહ્યું કે, 'આ અમિતાભનો અંગત નિર્ણય છે, તેમાં તમારે આ રીતે ગુસ્સે થવાની કે આવો નિર્ણય લેવાની કોઈ જરૂર નથી.'

ત્યારપછીના થોડા જ દિવસોમાં જાવેદ અખ્તર હોળીના પ્રસંગની ઉજવણી માટે અમિતાભ ના ઘરે ગયા અને તેમણે અમિતજીને કહ્યું કે સલીમ હવેથી તેમની (અમિતાભ બચ્ચન) જોડે કામ કરવા નથી માંગતા. સલીમખાનને જાવેદ આ રીતે પોતાને માટે જૂઠ્ઠુ બોલ્યાં અને પોતાનું નામ ખોટી રીતે વાપર્યું તે જાણી આઘાત લાગ્યો. તે અંગે બંને વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. સંબંધ વિચ્છેદની આ શરૂઆત હતી. આ જ વાતને આગળ વધારતા સલીમ ખાને એક વખત કહ્યું હતું કે, જાવેદ તેમની આ પાર્ટનરશીપના નામનો ઉપયોગ કરી ફિલ્મોમાં ગીતો પણ લખવા માંગતા હતા પણ સલીમખાનને ગીતો લખતા નહોતા આવડતા તેથી તેમણે ના કહી. ‘મેં જાવેદને કહ્યું કે તેમના ડ્યુઓનું નામ તે માત્ર ફિલ્મ સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ રાઈટીંગ સુધી જ સિમિત રાખે. તેમણે ગીતો લખવા જ હોય તો ભલે પોતાના એકલાના નામે લખે. પણ તેમ છતાં મને ખબર પડી કે ગીતો લખતી વખતે સલીમ-જાવેદના નામનો ઉપયોગ થવાનો છે અને આવું કરતા પહેલાં તેમણે (જાવેદ અખ્તરે) મારી સાથે એકવાર ચર્ચા પણ નહોતી કરી.’ સલીમખાનને આ વાત મંજુર નહોતી. અને એકદિવસ સલીમખાન અને જાવેદ અખ્તર, જાવેદ સાહેબની બીલ્ડિંગમાં ઊભા હતા અને જાવેદજીએ કહી દીધું. 'સલીમ, આઈ વોન્ટ ટુ સ્પ્લીટ.' સલીમખાને તેમની સાથે હાથ મિલાવ્યો અને પોતાની કાર તરફ ચાલવા માંડ્યા. જાવેદ પણ તેમની સાથે સાથે ચાલતા હતા ત્યારે સલીમ ખાને પાછા વળી જાવેદ અખ્તરને કહી દીધું, 'હું મારી કાળજી જાતે લઈ શકું છું જાવેદ, તારે તકલીફ લેવાની જરૂર નથી.' અને સલીમખાન-જાવેદ અખ્તરની હીટ રાઈટર્સ પેર સ્પ્લીટ થઈ ગઈ. કહેવાય છે કે સલીમખાન સ્ટોરી અને પ્લોટના બાદશાહ હતા જ્યારે જાવેદ અખ્તર ડાયલોગના.

અને તે જ રીતે બંને પોત પોતાની  અલગ અલગ કાબેલિયતને કામે લગાડી એક પ્રોડક્ટ તૈયાર કરતા જેના ડાયલોગસ્ટોરી અને પ્લોટ પર થિયેટર્સમાં સીટીઓ વાગતી અને તે ફિલ્મ બોક્સ ઓફિસ પર હાઉસફુલનું બોર્ડ લગાડી દેતી. હેટ્સ ઓફ સલીમ-જાવેદ.....

No comments:

Post a Comment

આજની કૃતિ જો આપ સર્વે મિત્રોને પસંદ આવી હોય તો થોડી તકલીફ ઉઠાવી અને આપના પ્રતિભાવ / કોમેન્ટ્સ જરૂર ફેશબુક પર અથવા બ્લોગ પોસ્ટ પર મૂકવા કોશિશ કરશો ...